અભિમન્યુ આખ્યાન/કડવું ૨૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨૧
[પુત્ર સાડા ત્રણ વર્ષનો થયો ત્યારે નિકુળજી સાથે કૃષ્ણ અને બલરામે બહેન સુભદ્રાને સાસરે વિદાય કરી. ઇન્દ્રપ્રસ્થમાં બધાએ બાળકનું નામ ‘અભિમન્યુ’ રાખ્યું. બે વર્ષે કૃષ્ણ ઇંદ્રપ્રસ્થ ગયા ત્યારે અભિમન્યુએ મામને પદપ્રહાર કરી ટોણો માર્યો કે ‘મામાને મારવાનો જે પંથ તમે ચલાવ્યો છે તેને જ હું અનુસરું છું.’ કૃષ્ણે એમાં અહિલોચનના વેરભાવનો અણસાર પારખી લીધો.]


રાગ આંદોલ


સ્વામી, નકુલ આણે આવિયા, કાંઈ ભાવિયા ભૂદરને મન;
સુભદ્રાને હૈડે હરખ ન માય રે, ખોળે ઊઠ વરસનો તન. ૧

ઢાળ
તન સાડા ત્રણ વરસનો, પિતા પેં રૂપવાન;
તે માટે સમોતાં સાસરે; મનમાંહાં છે માન. ૨

નારાયણ ને નકુળ ભેટ્યા, કહી કુશળની વાત;
પછે સાસરવાસો સુભદ્રાને, કરે બંન્યો ભ્રાત. ૩

ઉગ્રસેન રાજા વસુદેવજી, રીઝ્યા શ્રી રણછોડ;
સાસરવાસો સર્વે કીધો; પો’ત્યા મનના કોડ. ૪

ભાઈ ભોજાઈને ભેટ્યાં, માઈને મળી કુમારી;
વોળવી પાછા વળ્યા, બળભદ્ર–શ્રીમોરારિ. ૫

નકુળ જાતાં બોલિયાં : સાંભળો શ્રીપરબ્રહ્મ;
‘માસ એક પૂંઠે પધારજો, મળવા ઇચ્છે છે ધર્મ.’ ૬

એવું કહી ઇન્દ્રપ્રસ્થ આવ્યાં, વહુ નમ્યાં કુંતાને પાગ;
પાયલાગણું ઘણું કીધું, જે પિયેરની સૌભાગ્ય. ૭

પાંડવને આનંદ અતિશે, થયો જેવડો ધામ;
અભિલાષ મન પૂરણ હવો, ‘અભિમન્યુ’ ધરિયું નામ. ૮

બે સંવત્સર વહી ગયા, પ્રાહુણા આવ્યા શ્રીહરિરાય;
ભેટ્યા મળ્યા ભગવાનને, મળી બેઠા પાંચે ભાઈ. ૯

કિંકરી લાવી કુંવરને, અદ્ભુત તેહનું તેજ;
અવિનાશીએ ઉછંગે લીધો, જાણી પોતાના ભાણેજ. ૧૦

સભા સઘળી દેખતાં રમાડે ભગિનીબાળ;
ત્યારે અભિમન્યુએ મૂછ ઝાલી તાણિયા શ્રીગોપાળ. ૧૧

પાદપ્રહાર કીધા પેટમાંહે, હરિ પામિયા કષ્ટ;
બાળકમાં ગોપાળે દીઠી, અહિલોચનની દૃષ્ટ. ૧૨

મુકાવ્યો મૂકે નહિ મોહન-મૂછના વાળ;
કૃષ્ણજીએ કુંવર દીઠો, મહા કૃતાંત કાળ. ૧૩

હાસ્ય કરીને હરિ કહે, ‘આણે માંડ્યું અદ્ભુત;
મામાને મારે નહિ, જે ભગિની કેરો સુત.’ ૧૪

કુંવર કહે, ‘રે કૃષ્ણજી, તમે ચલાવ્યો છે પંથ;
કંસ મામો મારિયો, ભાણેજ થઈ ભગવંત. ૧૫

તમો કીધું તે અમો કરવું, રખે મૂકો વીલો;
અમો કાંઈ લોપું નહિ, મામા! તમારો ચીલો. ૧૬

વલણ
ચીલો તે લોપું નહિ, વળી બાળક કહે મુખે રે;
સભા સર્વે હાસ્ય કીધું, હરિએ વાત રાખી હૃદયા વિખે રે. ૧૭