અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/નભ વચ્ચે આ કયો ખલાસી...
ઉષા ઉપાધ્યાય
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે?!
જળ ગૂંથીને ઊભો થાતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘનવન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે?!
ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે!
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે?!
વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાએ આ એકમાત્ર રચના કવિશ્રી ઉષા ઉપાધ્યાયની વીણીને મૂકી છે, પણ એવું સર્જનસભર સત્ત્વ એકે શતક સમું સુજ્ઞો અનુભવે એવું છે.
નભ–જળ–ધરા જેવાં બ્રહ્માંડવ્યાપી તત્ત્વોને સંકલિત કરી, અન્તે ભાવકનેય વિસ્મય સાથે પ્રશ્નાર્થની પરિસ્થિતિમાં સંડોવી એક કૉઝમિક કલ્પનાભેટ ધરવી – અને તે પણ આટલી ટૂંકી રચનામાં – તે સાહસ સામાન્ય નથી.
ખલાસી–ધીવરની કાર્યશૈલી શાશ્વત સમયની સહજ પ્રક્રિયા છે પણ એનો સાક્ષી નાયક, સર્જકની સં-વેદનાને જે રીતિથી પ્રસ્તુત કરે એમાં કૌશલ્ય નજરાય છે.
ખલાસીને ગગનમધ્યે ખડો કરી પ્રશ્ન તાક્યો છે: કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?! (પદાન્ત બે વિરામચિહ્નો પ્રશ્નાર્થ અને આશ્ચર્યનાં ચૂકી જવા જેવાં નથી કેમ કે છેવાડે રિપીટ થતાં એ સમસંવેદકને ચોંકાવી દે એવાં છે.)
સં–૨ચન સર્ક્યુલર વિધિથી થયું છે. રચનાનો પ્રારમ્ભ આ બે પંક્તિથી થયો તે પૂર્ણાહુતિના બિન્દુએ પણ ટક્યો છે.
માછીમાર શું કરે છે?
જળની જાળ ગૂંથે છે.
ખલાસી દોરડાની જાળ ગૂંથતા સાંભળ્યા હોય, પણ જળની જાળ ગૂંથતા જીવનમાં જોયા છે?
વ્યવહારમાં જે અસંભવિત તે ‘પોએટિક ઇમેજરિ’માં પ્રત્યક્ષ શક્ય!
ચરિત્રની લાક્ષણિકતા કેવી પારદર્શક ઝીણી નજરનો નમૂનો છે, તે જુઓ:
જળ ગૂંથીને ઊભો થતાંમાં ખેસ જરા ખંખેરે…
‘ખંખેરે’ સાથે આગળ જતાં ‘ઘેરે’ – ‘ખેરે’ના પ્રાસ–સુમેળ એકદમ સહજ છે.
જરા ખેસ ખંખેરતો આ કલ્પનાનો ખલાસી જોતા હોઈએ ત્યાં જોતજોતામાં કર્તા નવું આશ્ચર્ય પ્રક્ષેપે છે:
પલકવારમાં ગોરંભાતાં નભને ઘનવન ઘેરે
વિશાળ ગગનને પાંપણના પલકારામાં શું ઘેરે છે? તો ઉત્તર છે, ઘનવન! કલ્પના કરી જુઓ, સ્થળ સ્થિત સઘન–વન ગગનને ઘેરી રહ્યું છે. નભ તો ઉપર આકાશના અતાગ અવકાશમાં ઝળૂંબી રહ્યું છે ત્યાં પૃથ્વીનું નિબિડ વન નભને કેવી રીતે આશ્લેષી શકે?
આ જ તો કવિકલ્પનાનો કરિશ્મો છે.
હવે દેખો –
કતરણ ખેરતાં ફોરાંને
‘ફર–ફર ફર–ફર’નું પુનરાવર્તન, વરસતાં ફોરાંની કાયનેટિક ઊર્જાનો લય પ્રત્યક્ષ કરાવે છે.
કયો ખલાસીનો કૌતુકપ્રશ્ન તો સાદ્યન્ત દ્વારપાલની જેમ ઊભો જ રહ્યો છે અને –
કાવ્યનાયક સમક્ષ ‘ત્રમજૂટ’ (રણકારવાળો આ શબ્દ ત્રમઝૂટ) વરસાદ વચાળમાં ખૂલે છે: જાળ ધીવરની ભાસે…ઓચિંતું જ દૃશ્ય: (જાળ) ‘ફંગોળી ફેલાવી નાખી મહામત્યુ કો ફાંસે.’
અહીં જ ખલાસીના વિરાટ વિશાલ સામર્થ્યનો અહસાસ–ભય વિસ્મય ચિંતાના ‘ઇમોશનલ કોલાજ’ સાથે સાક્ષાત્ થાય છે:
અરે! પલકમાં મત્સ્ય ધરાનું આભે ખેંચી જાશે!
નભસ્થિત ખલાસી પૃથ્વીરૂપી મહાત્સ્યને શું આભલે તાણી ખેંચી જશે?! સર્જકને એમને–એમ ભાવિના પેટાળને પેખનાર ‘સીઆર’ મનીષી નથી કહ્યા. કો’ક કાળે, કાલે બ્રહ્મ–ખંડના ગગનમાં પૂરી ધરા કોઈક પ્ર–કર્ષી જાય એવું પણ સંભવી શકે.
ઉષા ઉપાધ્યાયને અભિનંદન.
એમની આ રચના મને, પ્રકૃતિની રચનાત્મક પ્રક્રિયા વર્ણવતા વિચાર તરફ દોરી ગઈ.
‘Nature Composes some of her loveliest poems for the microscope and telescope.’
– THEODORE ROSZAK (‘Where the West land End’s 1972)
સૂક્ષ્મદર્શક અને દૂરદર્શક દૂરબીનની દૃષ્ટિ ધરા–ગગનને સંદર્ભતી કાવ્યની આ કૃતિમાં કેવી સુરેખાંતિક છે! (રચનાને રસ્તે)