અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દભાઈ સુ. પટેલ/આપણી કેવી પ્રીત!
ગોવિન્દભાઈ સુ. પટેલ
આપણી કેવી પ્રીત! હો મોહન! આપણી કેવી પ્રીત!
કોક દી કેવો ફૂલથી ફોરી
ઉરને અડકી જાય!
કોક દી કેવો ગિરિવરેથી
હેરી હેરી મલકાય!
કોક દી ઉરે સ્ફુરતો કેવો કોકિલનું થઈ ગીત!
આપણી કેવી પ્રીત!
આપણી કેવી પ્રીત! હો સોહન! આપણી કેવી પ્રીત!
દખ્ખણના રસવાયરે તારી
સાંભળું મુખર ભેર,
મેહુલો રચે માંડવડો ત્યાં
વિલસે તારો ઘેર.
આપણાં કેવાં મિલનો જેમાં સાથે જ હૂંફ ને શીત!
આપણી કેવી પ્રીત!
આપણી કેવી પ્રીત! હો ગોપન! આપણી કેવી પ્રીત!
કોક દી ખાલી ફૂલ, ને સૂની
પ્હાડની હારોહાર,
વાયરે, આભે કોક દી તારા
ક્યાંય નહિ અણસાર,
દૂર ને પાસે મળતો ના તવ માંહ્યલે માંડું મીટ.
આપણી કેવી પ્રીત!
(કાવેરી, ૧૯૯૪, પૃ. ૧૦૯-૧૧૦)