અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા દામોદરા/તરસ
Jump to navigation
Jump to search
તરસ
દક્ષા દામોદરા
રસ્તાના ઉપેક્ષિત પથ્થર જેમ
યુગોથી ઠુકરાયેલા મનુષ્યોની એષણાઓએ
કરવો છે સાદ
પણ નામ ભુલાઈ ગયું છે.
ગળે બાઝ્યા છે શોષ...
કોને ખબર કેટલા જન્મોથી!
રક્તનું બુંદે બુંદ વહી જાય આંસુ વાટે
તોયે એ શમતા નથી
શ્વાસ પણ અહીં ગૂંગળાવે છે
પગમાં ઢબૂરાયેલ
તેજીલા તોખારના હણહણાટને
દોડી જવું છે... ભરતીના વેગે
ધસી જવું છે... ધસમસતા પૂરની જેમ
પણ ખોવાઈ ગયું છે એ ગામ!
સાવ લાચાર છે
ક્યાં જાય?
અંતરપટનો તારેતાર
તરડાય કોરોધાકોર
વલવલે છાતીફાટ તરસ
તરસ... તરસ... વરસે અનરાધાર
યુગોથી ઠુકરાયેલા મનુષ્યોની
બેય કાંઠે વહ્યા કરે છે તરસ
હયાતી, માર્ચ