અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કાવ્યમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાવ્યમાં

નલિન રાવળ

આકાશમાં આકાશ થઈ પથરાયલી મીઠી નજર
આછી ઝૂકેલી સાંજની ડાળી ઉપર
દલદલ ખીલ્યાં અંધાર-પ્હોળાં ફૂલની
ફોરમ બની ઝૂલી
ઘૂઘવતા તારકોના રમ્ય એ દરિયાવની
શીળી લહરમાં લહર થઈ
સઘળે છવાઈ શાંતિમાં
મનમાં
ગહન કો સ્વપ્ન થઈ
સંવેગમાં ઊડી
(નીરવ એની ગતિને સાંભળું હાવાં
મારા-તમારા કાવ્યમાં)

‘અવકાશ’



આસ્વાદ: કવિતાની કવિતાને અંજલિ — જગદીશ જોષી

કોઈને કોઈની ‘મીઠી નજર’નો સહારો મળે એ વાત જ જીવનનું કેવું મોટું સૌભાગ્ય! એમાંય એ નજર આકાશ થઈને પથરાઈ શકે એટલી વિશાળ અને સત્ત્વશીલ હોય: અને આ જાણે ઓછું હોય એમ આ બન્ને દુર્લભ ઘટનાઓનો યથાર્થ ઉપભોગ કરી શકાય માટે કુદરતના કલરવતા વરદાન સમું આકાશ વ્યક્તિને પોતાને મળ્યું હોય — જે આકાશ એટલું પનોતું હોય કે પેલી આકાશ જેવડી મીઠી નજરને પોતે પોતાનામાં નિઃશેષ સમાવી શકે. … શબ્દ પોતે શબ્દમાં સમાઈ શબ્દબ્રહ્મની લીલા પ્રગટ કરે ત્યારે નિઃશબ્દતા ફોરમ બનીને પ્રસરે.

નલિન રાવળની આ રચના ‘કવિ કાન્તના સ્મરણ સાથે સંકળાયેલી’ છે. ઉત્તમ કવિ પોતાની ભાષામાં એક અનવદ્ય વાતાવરણ થઈને જીવતો હોય છે. કાકાસાહેબે કહ્યું કે ‘મરણ કરતાં સ્મરણ મહાન છે.’ ‘વત્સલનાં નયનો’ના કવિ કાન્તની મીઠી નજર આના કવિના આકાશમાં ફોરમ બનીને ઝૂલે છે એમાં પરંપરાને પોતાના શ્વાસમાં સંઘરી રાખતા આજના આધુનિક ઉન્મેષનું સુભાગ્ય તો છે જ પણ કાન્ત જેવા કવિની કવિતાની ઉદાત્તતા પણ કેટલી નોંધનીય છે!

‘દલદલ ખીલ્યાં અંધાર-પ્હોળાં ફૂલ’નો કવિનો પ્રયોગ ખૂબ સુંદર છે. અહીં કાન્તનું ‘જલધિજલદલ ઉપર’ યાદ આવે જ આવે. પણ પ્રહ્લાદ પારેખનો ‘ખુશબોદાર અંધાર’ અને મણિલાલનો ‘અંધારું કાળું ગુલાબ’ પ્રયોગ પણ યાદ આવી જાય છે.

અંધકારને આકાર નથી એ તો ઠીક, અંધકારને કોઈ સીમા નથી. અને અંધકારમાં જ ફૂલનું રૂપ ફોરમ થઈને સવિશેષ પ્રગટે છે. જે ફૂલનો વ્યાપ અંધકાર જેટલો જ વિસ્તૃત છે એની ફોરમ સઘળે છવાઈ જાય — શાંતિમાં, મનમાં: અને અસ્તિત્વને આવરી લેતી હવા — આબોહવા એક સ્વપ્ન થઈને, આવેગ કે આવેશમાં નહીં, પણ ‘સંવેગ’માં ઊડી રહે છે. સાહિત્યમાં — મારા, તમારા, કાવ્યમાં — કાન્ત જેવા મૂર્ધન્ય કવિ જેવી event ભવિષ્યમાં એક influence થઈને જીવે એ તો આપણું, આપણી કવિતાનું સુભાગ્ય છે જ; પણ એની નીરવ ગતિને ‘સાંભળી’ શકે એવા નલિન રાવળમાં આધુનિક કવિનાં સાન, ભાન અને કાનમાં કેટલી સરવાઈ અને નરવાઈ છે એ જોઈને કોઈ પણ કવિતાપ્રેમીનું મન પ્રફુલ્લતા અનુભવે!

કવિએ અહીં કાવ્યમાં કાન્તનો ક્યાંય સીધો ઉલ્લેખ નથી કર્યો પણ કાન્તની કવિતાની સરસ્વતીની વીણાનો ઝંકાર સ્પષ્ટપણે સાંભળી શકાય એવા શબ્દોનો યથાર્થ વિનિયોગ અહીં કેવી સરસ રીતે કર્યો છે! આ કવિએ સજાગપણે વાપરેલા શબ્દોમાં, associationsના આધારે, શબ્દ-બ્રહ્મમાં રહેલી આકાશને અવતારનારી આદ્યશક્તિનો પરિચય થાય છે. ‘સાંજની ડાળી’ વાંચીએ ત્યારે ‘ચક્રવાકમિથુન’ની ‘ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની’ મનમાં ઝબકી જાય: ‘તારકોના રમ્ય એ દરિયાવની’ વાત આવતાં ‘સાગર અને શશી’માં ‘પિતા! કાલના સર્વ સંતાપ શામે’ની સભરતા: ‘ગહન કો સ્વપ્ન થઈ’માં શાંતિના ઉદયની વાત જ્યારે કવિ કરે છે ત્યારે કાન્તની કવિતામાં ‘ગહન’ શબ્દનો જે સાર્થ ઉપયોગ થયો છે તેનું સ્મરણ અવશ્ય થાય છે. સ્વ. રા. વિ. પાઠક કહે છે તેમ ‘ગહન’ શબ્દ એમનાં કાવ્યોને બરાબર યોગ્ય છે.’ હમણાં, હવે, એનું કવિતાયોગ્ય રૂપ ‘હાવાં’નો ઉપયોગ પણ અહીં નલિન રાવળે કેવી મનોહર રીતે કર્યો છે!

કાન્તની સૃષ્ટિને બરાબર નજર ભરીને જોયા પછી પરિતૃપ્તિના એક ઉદ્ગાર રૂપે આવેલી આ રચનાની ખૂબ એ છે કે આ કવિતાના કેન્દ્રમાં કાન્ત નહીં, પણ કાન્તની કવિતા છે. અહીં આધુનિક કવિની પૂર્વજ કવિને જ અંજલિ નથી: પરંતુ આધુનિક કવિતાએ પૂર્વજ કવિતાને આપેલી એક નજાકતભરી, કવિતામય અંજલિ છે. (‘એકાંતની સભા'માંથી)