અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/સ્નૅપ-શૉટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્નૅપ-શૉટ

પન્ના નાયક

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપ-શૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?



આસ્વાદ: સુખની નેગેટિવ — જગદીશ જોષી

આનંદની ક્ષણ જેટલું જ લઘુ કાવ્ય અહીં મળે છે. ‘આજે’ ખુશ છું: એટલે કે ગઈ કાલે તો સુખી નહોતી જ, નહોતી. અને આવતી કાલના કિનારા તો કોણ જોઈ શક્યું છે? માત્ર ‘અત્યારે’ને બદલે આખી ‘આજ’નો સમાવેશ થઈ શક્યો છે એ જ કૌતુક! આપણું સુખ જ્યારે કોઈ બાહ્ય કારણ ઉપર અવલંબે ત્યારે, કારણ ખસી જતાં, ખુશી પણ અલ્વિદા કહે છે.

કેમ ખુશ છું ‘એ તો નથી સમજાતું.’ સમજણની એરણ પર સુખને મૂકીને ઘડી શકાય એટલો સમય પણ એ ક્યાં ટકે છે? અને સમજવાથી કામ પણ શું છે? છું… સુખી છું… એ જ તો વિરલ ઘટના છે! સુખ છે. તેને માણવાની, તે પ્રત્યે સભાન થવાની વાત છોડો: સમય ટૂંકો છે; માટે જે સુખ છે, ઘડી-બે-ઘડીનું જે સુખ આવી પડ્યું છે તે વિલાવાનું છે, માટે જ તે વિલાપ પહેલાં ન વિલાય તેનો કોઈ પ્રબંધ કરો!

કવયિત્રીને એક વિચાર સૂઝે છે; સુખને શાશ્વત બનાવવાની આ પંચવર્ષીય યોજના ત્રણ તબક્કે પાર પાડવી… જો પાર પામી કે પાડી શકાતી હોય તો! એક તો એનો ‘સ્નૅપ’-શૉટ લેવાનો (કૅમેરાના જાણકારો માટે શટરની ઝડપ કેટલી એ વિચારવાનો પણ સમય ક્યાં છે?) (એ પ્રિન્ટ સારી આવે તો!?) એને મઢાવવાનો અને ત્રીજા તબક્કામાં આ સ્નૅપ-શૉટ ‘ટાંગવાનો’! ટાંગવામાં જ તો નિર્જીવતા સજીવ થાય છે. છતાં, ટાંગવાનું ક્યાં… ‘સૂવાના ઓરડામાં…’ સહજીવનના સાક્ષી સમો આ ઓરડો, જ્યારે રણ સમી અડીખમ દીવાલોમાં જ ગોંધાઈ રહ્યો છે ત્યારે એ વિસ્તરતા જતા રણની દીવાલ પર ભીનેરાં ઝાંઝવાંનું એકાદ ચિત્ર લટકાવ્યું હોય… તો… ક્યારેક ક્યારેક સ્મરણનાં ચક્ષુઓ સળકી તો ઊઠે! સ્મરણમાં ઝૂમતું આ લીલું વૃક્ષ જો મઢાવી લઈએ તો? રે મન, ચિત્રોમાંનાં વૃક્ષો ક્યારેય છાંયો… વિસામો આપી શક્યાં છે ખરાં?

આ ક્ષણ ‘ખુશી’ની છે. એ એક વરદાન છે; પણ એ ક્ષણને અલ્પ આયુષ્યનો અભિશાપ છે. આનંદની લાગણીને તમે લલકારો ત્યાં તો હોઠ સીવી લેવા પડે એવી સ્થિતિ આવી પડે! આનંદની પરાકાષ્ઠાની ક્ષણે આ વિચાર આવે છે એ જ તો આખી પ્રક્રિયાની કરુણતા છે. સુખ તો જીવનમાં ફોટો પાડી લેવો પડે એવી તદ્દન વિરલ ઘટના છે!

સુખની ક્ષણિકતાને ચિરયૌવન બક્ષવાની ઝંખના સાહિત્યમાં ને માનવજીવનમાં અનંતતાથી તરસી રહી છે. ડેઝડિમોનાના બાહુપાશમાં મદહોશ ઑથેલો પણ ચિત્કારી ઊઠે છે.

‘It is were now to die, it were now to be most happy.’

સુરેશ જોષી કહે છે:

હું ખુશ છું – બેહદ આજ ખુશ છું.

પણ કવિને અંતે તો કહેવું જ પડે છે:

મારી ખુશીનો પટ ના પ્રલંબ…

તો, સુન્દરમ્ કહે છે:

જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો એને અનંત વિરામહીણી શાશ્વતીમાં કોઈ પણ રીતે જડી દેવાય તો!

પન્ના નાયકની કૃતિઓમાંની આ લઘુકૃતિ સુખની ક્ષણની લઘુતાને કૃતિના લાઘવથી એક અનેરો મીણો ચઢાવે છે. (‘એકાંતની સભા'માંથી)