અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લા વોરા/થોડું અંગત અંગત

From Ekatra Foundation
Jump to navigation Jump to search


થોડું અંગત અંગત

પ્રફુલ્લા વોરા

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશન જેવી મહેક હવાની.
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.
(શ્વાસનો પર્યાય, ૧૯૯૦, પૃ. ૫૮)