અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/અમદાવાદથી ગાંધીનગર જતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અમદાવાદથી ગાંધીનગર જતાં

ભાનુપ્રસાદ ત્રિવેદી

(મારી ચૌદ વર્ષની સ્વ. પુત્રી મીનાને અર્પણ)


કોણ જાણે કેમ
બે સિંગલ-ડેકર બસો જવા દીધી
ને આ ડબલ-ડેકરમાં બેઠો!

સિંગલ પકડી હોત
તો ગાંધીનગર વહેલા પહોંચાયું હોત.

ઘરે પ્રતીક્ષા કરતી હશે
તારી મમ્મી.

અરે! ‘મમ્મી’ ક્યાં? તારી ‘બાલી’!
તું તો ‘બાલી’ કહેતી હતી.

‘બાલી, આપણું થર થઈ જશે ને
એટલે પ્હેલ્લં પ્હેલ્લો તો
હું મોગરો વાવી દઈશ!’
તને... ને એમને કેટકેટલી હોંશો હતી!
પણ —
બહુ બહુ વિલંબ કર્યો એ લોકોએ!

એક વરસ — માત્ર છ માસ વહેલું કર્યું હોત...


ભાડભૂંજા જેવા ઉનાળાની
કો’ક નમતી બપોરે
ધુમાડિયા અમદાવાદની
ગીચોગીચ પોળોમાંની એક બંધિયાર પોળના
ભાડાના, કચકચિયા, અંધારિયા ઘરના
કઢંગા દાદર ઊતરી
સાંકડી સાંકડી, આડીઅવળી, વાંકીચૂંકી ગલીઓમાં થઈ
બહાર નીકળી
આપણું ચણાતું મકાન જોવા ગાંધીનગર જવા નીકળતાં ત્યારે
કેવાં પાણીના હેલારા જેવાં બની જતાં!
જાણે ભઠ્ઠીની પડોશના છાપરે ટિંગાડેલા પિંજરાનું
બારણું ઊઘડી જતું!

પછી ડબલ-ડેકરમાં બેસવા ખાતર — તને ડબલ-ડેકર બહુ ગમતી—
કેટકેટલી સિંગર બસો જતી કરતાં!...

અરે! મને જાણે દેખાઈ જ નહિ — આ ડબલ-ડેકર —
થોભી, કંડક્ટરે ઘંટડી મારી, ને ઊફડીય ખરી!
દોડતો ચડી જાઉં છું!
હા...શ! ઉપરની ડેક પર છેક આગલી સીટ જ
મળી જાય છે!

કોણ આ?... અરે ના! એક તારા જેવડી જ કિશોરી બેઠી છે...
આસપાસ, સામે જોતી... આંખોમાં કેટલું છલોછલ કુતૂહલ ભર્યું છે!
તારી આંખો કેટલી સુંદર હતી! મીન જેવી...

ગાંધીનગરનો પથ
નગર લાગે તેવો છે!

હજી તો
ઘોડિયાના શિશુ જેવો સોડાય છે!

યુનિફૉર્મ પહેરેલી સ્કૂલ-ગર્લ્સનાં ઝુંડની જેમ
વૃક્ષોનાં ટોળાં
આપણી પડખેથી લસર્યા કરે છે.
સામેથી લંગડી લઈને આવતી ટીન-એજર ડાળીઓ
લાગ મળતાં
બસની બારીઓને થપાટ મારી જાય છે.

બહુ તોફાની!
બહુ ટીખળી!
ખીચોખીચ પૂળા ભરેલી
સામે મળતી ઊંટ-લારીઓ
સૂકા ઘાસના કળાયલ મોર જેવી લાગે છે.

ક્યારેક તડકા વિનાના આખા આકાશને ભરી દેતો મેઘ
દહીંના ખડબા જેવો જામી ગયો હોય છે.

તાંસળામાં ભરેલી ચ્હા જેવાં
બપોરી ખાબોચિયાં પર
ત્રાંબા-વરણાં પર્ણોના ફાળિયાં પહેરેલા
આંબા-રબારી ટેકાઈ રહ્યા છે.

ઇન્દ્રોડા-સર્કલની વિશાળ લૉન વચ્ચે
ટોળે વળેલી મારવાડણો જેવાં કૅના
ઘૂંઘટનો એક છેડો ખસેડી
આપણી સામે ડોકિયું કરી લે છે.

‘ઈયોઈ...’ ... ‘પી...લોલો...’ જેવો સુંદર અવાજ સંભળાતાં
નજર કરીએ તો એક ઝાડ પર મનમોહક પીળક બેઠેલું દેખાય છે,
તું તો એને જોવા — બસમાંથી ઊતરી જ પડી હોત!

સામે ઊડાઊડ કરતા
રાઇટ-ભાઈઓના વિમાન જેવા
હઠીલા વાણિયા...
નૅટ-ઍરોપ્લેનની જેમ ડાઈ મારતો પતરંગો...
આકાશના કૅન્વાસ પર
રંગની લહર ઉડાડતો જતો ચાષ...
કૅરડાનાં ફૂલનાં બિસ-તંતુઓ પર
કમનીય વંકાતો સકરખોરો...

સૃષ્ટિ શા માટે આટલી બધી સુંદર છે!

ભર્યાંભર્યાં પેશલ-ફૂલ,
માટી, એક મટકું પણ મારી ન શકે તેમ ધરતીને ચોંટી પડેલાં
શતાવરી, ફુદેડા, શુખપુષ્પી, લાલ ચૂનીઓ જેવાં અઠીમઠી...

સીમની ગોદનો કોઈ ખૂણો ખાલી નથી.


આ સૌન્દર્યરાશિમાં
પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતું
લીલુંછમ, મોકળું ગાંધીનગર
આંખને જરાય વાગે નહિ તેમ ઊઘડવા માંડે છે.

છયે ઋતુઓ
જ્યાં ઉત્સવ ઊજવવા ઊતરી પડે છે — પોતપોતાના વારા પ્રમાણે
એવું
કાલિદાસની અલકા નગરી જેવું ગાંધીનગર
ઇન્દ્રલોકના નંદનવન જેવું ગાંધીનગર
કેવું હૈયે વસી જાય તેવું છે!

આટલાં વર્ષ
અમદાવાદની એ બંધિયાર પોળના
ભંડકિયા જેવા ઘરમાં
કેમ કરીને રહ્યાં હોઈશું?

જોયું?
પે...લ્લા કો’ક મકાનના ઓટલે
એક નમણી જૂઈની કમાન
ક્યારની દોરડાં કૂદે છે!

એનો પદધ્વનિ સંભળાયો?
જૂઈ તો આપણા બંગલાના કંપાઉન્ડમાં પણ વાવી છે.
જૂઈ, ચમેલી, મધુમાલતી — ચમેલીમાં તો સુંદર સુઘરીએ સુંદર-તને
ગમી જાય તેવો
માળો બાંધ્યો છે.
હા, મોગરાય વાવ્યા છે...
મોગરા, હજારીગલ, સેવતી,
ચીકુડી, બદામડી, દાડમડી, આંબો, પપૈયો, લીંબુડી,
પેન્ડ્યુલા, ગુલમહોર, પારિજાત...

કો’ક વાર શાકભાજીય વાવીએ.
સમયને સૂનો ન પડવા દેવાનાં
કેટકેટલાં નિમિત્ત અમને મળી આવતાં રહે છે!

સમયને સૂનો ન પડવા દેવાનાં
કેટકેટલાં નિમિત્ત અમને મળી આવતાં રહે છે!

જન્માષ્ટમીએ પંચદેવ મંદિરે જઈએ...
શિવરાત્રિએ માલણેશ્વર વૈજનાથ મહાદેવે જઈએ...

મંદિરને પગથિયે કે બાંકડે બેસીએ ત્યારે
પ્રતક્ષિણાપથ પરથી
જાણે કોઈ આવવાનું શેષ હોય તેમ
દૃષ્ટિ લંબાઈ જાય છે...

પછી ઊઠીએ છીએ—
પગમાં ભાર લાગે છે...
શીતળા સાતમે કે પવિત્ર માસમાં
એકાદ વાર નદીએ ન્હાવા જઈએ...

રનાનાન્તે અંજલિ અર્પું છું ત્યાં —
સાબરમતીની પૂર્વમાં ઊગતા સૂર્ય અને મારી આંખો વચ્ચે
શ્રાવણ
તોરણ બનીને આડો બંધાઈ જાય છે.
ક્યારેક વરદાયિની માતાનાં દર્શન કરવા જોઈએ — રૂપાલ;
ક્યારેક વાવોલ મહાકાલીનાં દર્શન કરવા જઈએ.

વાવોલ ગામનો વાછલ વગડો...

ટાપાટૈયાનાં ફૂલોથી લચી પડેલી વાડ...
કપિંજલના
‘કાચી...લ્યો’ — ‘કાચી...લ્લ્યો’ — ‘કાચી...લ્લ્યો’
એવા
તાર-સ્વરે ગાજતા ટૌકા...
ટૌકા નીચે
આમ તેમ ડગ માંડતું
ભીરુ હુદહુદ...
ઘંટીનાં પડ ટાંકતી હોય તેમ ભૂમિ ખોતરતી
એની તીકમ જેવી ચાંચ
છેક ઘર સુધીના પંથે
કીકીઓમાં ટંકાતી રહે છે...

ક્વચિત્
કોઈ કાર્યક્રમમાંથી છૂટીને
મોડી રાતે
અમદાવાદથી પાછાં આવતાં હોઈએ છીએ...

ઍન્જિનનો ઢ્રર્‌ર્‌ર્‌ર્ ઢ્રર્‌ર્‌ર્‌ર્ અવાજ
એકધારો આતો હોય છે...

બસની બારીની અડોઅડ
નક્કર અંધકાર...
અનરાધાર અંધકાર...
કીકીઓમાં અકબંધ અંધકાર
ઓચિંતો પાછો વળી જાય છે —
ધુમાડિયા અમદાવાદના
અરાજક માર્ગો વટાવતો
આડીઅવળી-વાંકીચૂકી-સાંકડી ગલીઓમાં થતો
ગીચોગીચ બંધિયાર પોળમાં
કઢંગો દાદર ચડી
એક ભંડકિયા જેવા મકાનમાં પહોંચી જાય છે
જ્યાં...
જ્યાં શું રહી ગયું છે મારું?
હું–હું શું મૂકીને આવ્યો છું?


ખૂંપી ગયો છે સમય
ક્યાંક આટલામાં
અધવચ્ચે જ.


સાંજના હું ફરવા જાઉં છું
નિયમિત.
નગરની કોઈ જગ્યા બાકી રાખી નથી.
રમ્ય માર્ગો પર
રમતી પ્રફુલ્લ વનશ્રી
મને જોઈને
વળગી પડવા આવે છે...

દૂર
નદીમાં
નગર સુધી લંબાયેલાં કોતર
કૂકડવેલાની પીત-વર્ણ કાન્તિથી ભરચક થઈ ગયાં હોય
તેવી સાંજો આવે છે...

ભાઈઓને રાખડી બાંધવા ચૂંટી લેવાનું મન થઈ ગયું હોત
એવાં ગોટીનાં ફૂલોનાં પર્વ આવે છે...
પૂંથાડિયા-કાસૂન્દ્રાના અડાઉ વગડાઓ પર
ભાતભાતનાં પતંગિયાં ફરફરવાના દિવસો આવે છે...
ભાદ્રપતી સંધ્યાઓના
અપાર વૈધિવ્યવાળા
પલેપલ પલટાતા મનમોહક રંગો નિહાળતો હું
ઊભો રહી જાઉં છું.
ચાકતના ‘પિલિયુ-પ્લીયુ’
એવા – નાનાં છોકરાં પિત્તળની
વાંસળી ફૂંકતાં હોય તેવા
સ્વરો સંભળાઈ જતા હોય છે.

ક્યાંકથી આવી ચડેલું
નયનરમ્ય પાંખોવાળું
એક પતંગિયું
જરા પણ સ્પર્શ વરતાય નહિ તેમ મારી છાતી પર બેસીને
ઊડી જાય છે.

કોઈ વાર
શાળા છૂટવાના સમયે
ત્યાંથી પસાર થતો હોઉં
ને મારા પગ થંભી જાય છે.

બહાર નીકળતી બાલિકાઓની ભીડ
ધીમે ધીમે ઓસરતી જાય છે.
પછી રહી જાય છે અવકાશ.

હજી હું કોની વાટ જોતો ઊભો છું?

ઘેરી થતી સંધ્યાઓ પછી
પાછો ફરું છું ઘરે
ત્યારે રાતરાણીની ઘટ્ટ ગંધમાં
કોણ આળોટતું હોય છે લીલયા?
સવારે
બહાર નીકળવા જાઉં છું ત્યાં
એક એક કરીને
ચૂપચાપ ગરતાં
કેસરી દાંડીવાળાં પારિજાત નીચે
આ કોણે માથું ધરી રાખ્યું હોય છે રમતિયાળ?


બપોરી વામકુક્ષિ અગાઉ
છાપું લઈને બેઠો હોીશ ખુરસીમાં,
મારી પછવાડે કોઈક ઝાડ પર
ભેગાં થઈ ગયેલાં વ્હૈયાં
કચ્ કચ કચ્, કચ્ કચ કચ્, કચ્ કચ કચ્...
મચાવતાં હશે;
લેલાં એક સામટાં
ટૅ...વ્ ટૅ...વ ટૅ...વ્
મંડી પડતાં હશે;
જોકે હું પાછળ મોં ફેરવીને
જોઈશ નહિ...

અપરાહ્ને
બહાર હીંચકે બેઠો હોઈશ;
તરુ ટોચે
લાલ પેશીવાળા બુલબુલના
પિટ્રિ...ટ, પિટ્રિયૉટ... પિટર પિટ્...
એવા ધ્વનિ વહી આવતા હશે...

ડાળીઓમાં ફુદકતા
નાજુકડા રૂપાળા દરજીડાના
ટ્વિટ... ટિણક્... ટુવિટ્ સ્વરો તરંગાતા હશે...
અબાબીલનું ટોળું, હારબંધ ચકરાળા લઈ
ક્યાંક બેસી જતું હશે...

મનોહર રૂપને
પર્ણોમાં સંતાડતા શૌબિંગના
વીઇઇ-વીઇઇઇ-વીઇટ્યુ, ટિયુ, ઇટિટ્યુટ્
સૂર ઝમતા હશે...

તેવી વેળાએ
પેલો ચંચળ કલરવ ઘરમાં રમણ કરતો
ને હું
‘કહું છું! સાંભળે છે?’ બોલતાં ધસી આવતો—
કશુંક કહેવા,
એમ ધસી આવવા
એકાએક ઊભો થઈ જતો હોઈશ.

પણ પછી
ધીરે ધીરે બેસી પડાતું હશે...

મને અજાણ, મારા હાથ
પંખીઓના એ વીખરાઈ ગયેલા સ્વર
એકઠા કરવા
પર્ણોમાં... ડાળીઓમાં... તરુ ટોચે...
એથીય ઊંચે
કોઈ અભેદ્ય આકાશ સુધી
લંબાઈ જતા હશે...