અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/વૃક્ષોને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃક્ષોને

મફત ઓઝા

વૃક્ષો હલાવો ના હવે આ ડાળ!
સંચારબંધી છે.

હવે ઊભાં રહેશો નહિ ચારે મળી
મૂળસોતાં જાઓ અહીંથી.
એકસો ચુંમાળીસની કલમ અમે અહીં નાખી છે.

ફૂલોને ખીલવાનું બંધ;
પવનને પમરવું હોય તો પમરી શકે છે બંધ બારીમાં;
પછી ના દેશો દોષ
બંદૂક અમે આ તાકી છે.
સડક પર
મૃગજળ પણ મૃગ થઈ નહિ દોડી શકે,
ઘોડાની નાળ જડેલી એડીઓ
કાંટાળી વાડ જેવી એ રોપી દીધી છે.

આ દીવાલો
પારદર્શક નીકળી છે એટલે
પવનની ચણી લીધી છે ચોતરફ—
જાઓ

બોલાવી લાવો તમારા અહમદશાહને
કે પછી ચોક વચ્ચે—ખડો કરી દો ગાંધીને.
શો ફેર પડવાનો હતો?
મશીનગન ફરતી ગોઠવી દીધી છે.

તમારે જીવવું છે?
જાઓ, જઈ પડો થઈ લાશ કોઈ ગલીના નાકે.
પંચક્યાસ પછીયે અમે ક્યાં એને ઉપાડી છે?

વૃક્ષો હલાવો ના હવે આ ડાળ!
સંચારબંધી છે.