અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/આજ અચાનક
Jump to navigation
Jump to search
આજ અચાનક
રાવજી પટેલ
કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે!
પાળ તૂટેલા વ્હેળા-શો
આળોટું રસબસ.
પારિજાતની ગંધ સરીખી તને ગોપવી
લોચન ભીતરમાં ર્હી ખૂલે!
પ્હેલાં જેમ થતું'તું…
પરિતૃપ્ત એકાંત યાદથી,
એવી…. બસ એવી….
કુંવારી શય્યાના જેવી તું….
કેટકેટલું વીત્યું મુજને!
હજી રક્તમાં વ્હેતો વ્યાધિ.
અમથી અમથી
મત્ત હવાની ઘૂમરી જેવી
પ્હેલાં ઘરમાં જતી-આવતી.
એક દિવસ ના મળ્યો?
તને મેં ઔષધ પીતાં પીધી!
આજ અચાનક આંગણ કૂદ્યું ટહુકે….
લયની ટેકરીઓ લીલીછમ વ્હેતી;
કઈ બારીએ હેરું?
મન પડતું મેલું — કઈ બારીએ?!
(અંગત, પૃ. ૧૫-૧૬)