અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?
લાભશંકર ઠાકર
(૧)
સાહેબની પ્રતીક્ષામાં
કીડીઓ
કણ ભૂલીને
નીકળી છે —
સોનારાની શોધમાં
લયભેર
નેપુર
ઘડાવવા.
(૨)
કોણ ઘડે છે
કીડીઓનાં નેપુર?
પૂછતી પૂછતી રે
કીડીઓ
તનમન ફિરત ઉદાસી.
દાસ કબીર
જતનસે બોલે
તો
(૩)
સાદૃશ્યમૂલકના સમાધાનમાં રે
જીભ
સંતની
સજડબમ્બ આ —
ઝલાઈ ગઈ છે રે
મુંહ ખોલે તો ખોલે
લેકિન
કહો કબીરજી
કૈસે બોલે રે?
(૪)
સાહેબ અને દાસ વચ્ચેની
સરિયામ સડક પર
કીડીઓ
અર્થભેર
કચડાઈ રહી છે રે.
(૫)
છે
દોહા-સાખીની સાક્ષીમાં
સપ્તદ્વીપ નવખંડ મહીં
આતંક યુદ્ધનાં ખેદાનો મેદાનોમાં
સાહિબ વગરના સાહેબોની
શતકોટિ ખંડોમાં
ચૂપ બહેરાશો રે
એમ
ભાષાની ઊભી બજારે
કહત
કબીરા રોયા રે.
(૬)
રે કીડીઓએ કીડીઓએ, દયામણી
તનમનવનમાં
વચનકર્મમાં
નેપુરની લયામણી
પ્રતીક્ષામાં
છે
જન્મારા ખોયા રે
કહત કબીરા, રોયા રે.
(૭)
ભક્તિકા મારગ ઝીના રે
નદીઓના કાંઠે
છલકાતી છાલકથી ભીના ભીના રે
પલળેલી કીડીઓનાં
તનમન
જાય તણાતાં જોયાં રે
દેખત દેખત
ચૂપ
કબીરા રોયા રે.
(૮)
લિખાલિખીકી હૈ નહિ
છે
દેખાદેખીની વાત
દેવળ મંદિર મસ્જિદ
છે
ઘટ ઘટમાં અંદર
છે
તેથી તે બહાર.
અંદર કચ્ચરઘાણ છે ઘટમાં
છે
તેથી
તેવો
તે
બહાર.
કબીરા ક્યા બોલે?
રો લે પલભર, રો લે.
(૯)
મનઘટમાં તનઘટમાં
છે
જળ થંભ થયેલાં
જોયાં રે.
જેમાં
કાગળની હોડીમાં
સાહિબ
પલકારામાં
ડબ ડબ
ડૂબતાં જોયા રે.
ઐસા સાહિબ કિસને બોયા રે?
પૂછત પૂછત
નિર્બીજ વૃક્ષ સાહિબકા
છૂ
દેખત
હસતા હસતા
કબીરજીએ
છે
લોચનિયાં બે લોયાં રે.
સાહેબની પ્રતીક્ષામાં — સાહેબની શોધમાં નીકળેલી કીડીઓનું બન્યું છે એવું કે, રસ્તામાં ‘કણ’ જેવા કણને વીસરી, એ બધી નીકળી પડી છે સોનારાના ઘર તરફ! જવાનું હતું ક્યાં અને કાફલો વળી ગયો કઈ બાજુ! સોનારો આવી ગયો આગળ અને સાહેબ ગયા પાછળ! સાહેબ ગૌણ; સોનારો મુખ્ય! આખો ખેલ જ ફરી ગયો છે. મામલો જ પલટાઈ ગયો છે. બાજી કંઈક આવી બની બેઠી છે. એક બાજુ સાહેબ, બીજી બાજુ કીડીઓ અને વચમાં સોનારો! પરંપરાની ભાષામાં કહીએ તો એક બાજુ બ્રહ્મ, બીજી બાજુ જીવ અને વચ્ચે માયા. જીવ અને શિવ વચ્ચે જે કંઈ કારસો છે તે માયાનો છે. એણે ભલભલાને ભૂલા પાડી દીધા છે. અહીં ભલભલા થાપ ખાઈ ગયા છે. માયાનું ચલણ એકદમ છાનું, છેતરામણું, લોભામણું અને લયામણું છે. અન્યથા, કીડીઓ ‘કણ’ને પડતો મૂકીને, એમ જ કંઈ નીકળી પડે સોનારાનું ઘર પૂછતી?!
અહીં કબીર આપણી સન્મુખ આવી ઊભા રહે છે. અથવા અહીં કવિ આપણને કબીર પાસે લઈ જાય છે. અથવા અહીં કવિ, વાયા કબીર થઈને, આપણી પાસે આવે છે. જુઓ અને સાંભળો, કબીરની પેલી પંક્તિઓ :
‘ના જાને સાહબ કૈસા હૈ! મુલ્લા હોકર બાંગ જો દેવે; ક્યા સાહબ તેરા બહરા હૈ? કીડી કે પગ નેવર બાજે, સો ભી સાહબ સૂનતા હૈ!’
ખબર નથી કે સાહેબ કેવો છે! (આ) મુલ્લા ઘાંટા પાડી પાડીને બાંગ પોકારી રહ્યો છે તો શું એનો સાહેબ બહેરો છે? (અરે! નાનકડી એવી) કીડીના પગમાં નેપુર વાગતાં હોય તેને પણ સાહેબ સાંભળતો હોય છે! મતલબ કે એ બહેરો નથી. એને સંભળાવવા માટે ખોટા બૂમબરાડા પાડવાનો કે બીજાં બહારનાં સાધનો દલારવાનો કોઈ અર્થ નથી. કબીરની અભિવ્યક્તિનો આ વેધક, બલિષ્ઠ, બુલંદ, પ્રખર, પ્રહારક અવાજ, આપણા આજના કવિના કાનને કોઈક છેડેથી પ્રબલ રીતે, ઢંઢોળી ગયો છે. અને એના આજના આવિષ્કાર રૂપે આપણને સાંપડે છે એક વિચારઘન, વસ્તુઘન અને રસઘન, નૂતન, મૌલિક, આધુનિક કાવ્યરચના.
કીડી એટલે સૃષ્ટિ ઉપરનો એક સાવ જ નાનકડો, ક્ષુદ્ર, તુચ્છ, નગણ્ય જીવ. આમ એના અસ્તિત્વની ગણના શી? કોણ એના હોવાપણાની નોંધ લે! અહીં મરમની વાત એ છે કે ઈશ્વરના ધ્યાન બહાર, કાન બહાર કશું નથી. એનાથી કશું છાનું નથી; કશું અજાણ્યું નથી. કીડીના પગનાં ઝાંઝરનો અવાજ પણ એને સંભળાય છે. કીડીઓને ભલે ન સંભળાતો હોય!
ઈશ્વર જે સાંભળે છે એ સૂરના, એ કાનના, એ શ્રવણના ઇશારા જુદા છે. મૂળ સૂચન સરકી જવાને લઈને આખો ખેલ બદલાઈ ગયો છે. ઝીણી વસ્તુ જાડી થઈ ગઈ છે. સૂરને બદલે સાધન સમર્થ થઈ ગયું છે. ‘ઝંકાર’ની વાત છૂટી ગઈ. ‘ઝાંઝર’ ઝાલી લીધું. અજવાળાને બદલે કોડિયું મોટું થઈ ગયું! ચીટી તો ‘ચાવલ’ લે કે ચલી થી; (લેકિન) ‘બીચ મેં મિલ ગઈ દાર!’ બસ, પછી કાફલો નેપુરના નાકે જ, આભરણની પળોજણમાં પરોવાઈ ગયો. અખાએ ચીંધેલી ‘કહ્યું કશું ને સાંભળ્યું કશું!’ — ને નીકળી પડેલી વણઝાર તે આ કે કોઈ બીજી?!
‘કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?’ એવું પ્રશ્નાર્થમઢ્યું કાવ્યશીર્ષક મામિર્ક છે. તેની યોજના વસ્તુ અને વાત વિશે ઉત્સુક અને આતુર કરે છે. આપણી જિજ્ઞાસાને અંદરથી ઊંચકે છે. કવિ એક અલગ ખૂણેથી કૃતિમાં પ્રવેશવા પ્રેરે છે.
કબીરની ‘કીડી’ એકવચનના પ્રયોગમાં છે. લાભશંકરભાઈએ ‘કીડીઓ’ એવું બહુવચન પ્રયોજ્યું છે. કબીર સૂચિત કીડી એકલપ્રવાસી અને તત્ત્વગામી છે. લાભશંકરભાઈ-નિદિર્ષ્ટ કીડીઓ સંઘપ્રવાસી અને સાધનગામી છે. કબીરસાહેબમાં ‘સાહેબ’ કેન્દ્રમાં છે; ઠાકરસાહેબમાં ‘સોનારો’! આ સોનારાને કવિએ સર્જ્યો છે. એણે જ આગળ આવીને આખી બાજી બદલી નાખી છે. એ સાહેબના મારગની વચ્ચે મુકાયેલો અને મોટો કરાયેલો છે જરૂર, પણ સાહેબની સામે મુકાયેલો નથી. માનવજીવન, તેના વાસ્તવને, તેની વિભીષિકાનાં રૂપને નજરઅંદાજ કર્યે કેમ ચાલે? વળી, સાહેબના ઘરની વાટ તો ‘પીપીલિકા’ની — કીડીની પણ સરકી જાય તેવી લપસણી, કઠિન અને વસમી હોય, પછી સોનારાના ઘરનું સરનામું પૂછનારાઓની તો લંગારોની લંગારો જ હોય ને! કીડીઓ એવું બહુવચન પ્રયોજીને કવિએ સંસારલુબ્ધ, માયાલીપ્સ, સ્થૂળ ઇચ્છાધારી પામર માનવજીવસમૂહોની અધિકતાને નિર્દેશી છે. આવાં ટોળાં ક્યાં ઓછાં છે? નેપુરની લાલચમાં લહેરે ચડેલી લંગારોમાં કવિએ આપણને પણ કેવા ઉમેરી દીધા છે! મૂળ સાદને નહીં સમજનારામાં, અસલ નાદને નહીં સાંભળનારા અધીરોમાં આપણી ગણતરી નથી મુકાયેલી શું?!
વસ્તુવિચાર નવ એકમોમાં વિસ્તરતો, વિકસતો, વિલસતો કાવ્યરૂપ પામે છે. આ એકમાં તેના સ્વતંત્ર પ્રવર્તન સાથે, સરવાળે સમગ્ર કાવ્યકૃતિના અર્થ અને આકાર વિશે પ્રવૃત્ત રહે છે. કવિ એમની આગવી રચનારીતિ, નોખા અ-નોખા ભાષાકર્મથી કૃતિને ઘડે છે. મામિર્ક વિચારવસ્તુના દોર ઉપર વિડંબણાની કેટકેટલી અને કેવી કેવી તરાહો પ્રગટી રહેલી અનુભવાય છે! ‘કીડીઓ’ને જુઓને! એની યાત્રા, એની કતારો, એનાં લય, એનાં ચલણવલણ, એનાં દિશાદોર, એનાં સ્થાનસ્થિતિ આદિ કેવાં ચિત્રપટની જેમ પ્રત્યક્ષ કરી આપ્યાં છે! ‘સાહેબ’ની પ્રતીક્ષામાં નીકળેલી કીડીઓને, આગળ જતાં, કેવી ‘નેપુરની લયામણી પ્રતીક્ષા’ તરફ વળી ગયેલી બતાવી છે! યાત્રાને માર્ગે ફંટાઈ જાય, ‘સાહેબ’ને બદલે ‘સોનારો’ ખેંચી જાય પછી શું થાય? ઉમંગભેર નીકળેલી કીડીઓને પછી ‘ઉદાસી’ થતી, ‘લયામણ’ હતી તેમાંથી ‘દયામણ’ થતી, ‘લયભેર’ નીકળેલી હતી તેને ‘અર્થભેર’ અથડાતી જતી ને એમ કુટાતી, કચડાતી, કચ્ચરઘાણ થતી મરી જતી કવિએ નિરૂપી છે. પ્રીતમ સ્વામી અહીં સાંભરે છે : ‘પામર તે હરિરસ શું પીવે?’
નેપુરના નાકે કીડીઓ લલચાઈને ભૂલી પડી છે એ તો એની ભૂલ ખરી પણ એને આ નાકે ઊભી રાખી દેનારા, ભૂલા પાડી દેનારા સોનારાઓ કંઈ એક છે? મુલ્લા, મૌલવીઓ, આચાર્યો, ધર્મગુરુઓ, પંડિતો, પુરોહિતો સઘળા અહીં સપાટામાં લેવાયા છે. ધર્મો અને સંપ્રદાયો વચ્ચે, પંથો અને પરંપરાઓ વચ્ચે, શાસ્ત્રો અને વચનો વચ્ચે, સાહેબો અને દાસોની વચ્ચે, જ્ઞાનના ઝીના ઝીના અને ભક્તિના ભીના ભીના માર્ગોની વચ્ચે, આ કીડીઓ કઈ બાજુ જાય? કોનું સાંભળે? કોનું માને? નીકળવા માગે તોપણ કેમ કરીને નીકળે? ‘દો પાટન કે બીચમેં’ બિચારી કઈ રીતે સાબૂત રહી શકે?!
આ આખા ખેલમાં કવિએ કબીરને પણ કેટકેટલે ખૂણેથી કૃતિમાં સંડોવ્યા છે! ક્યાંક એમને બોલતા બતાવ્યા છે તો ક્યાંક બંધ થઈ જતા પણ બતાવ્યા છે. ક્યાંક ‘ચૂપ’ થઈ ગયેલા રજૂ કર્યા છે તો ક્યાંક ‘સજ્જડબમ્બ’ રીતે ઝીભ ઝલાઈ ગયેલા બતાવ્યા છે. ‘જતન સે બોલે’ તોપણ ‘ક્યા બોલે?’ અને મોઢું ખોલે તોપણ ‘કૈસે બોલે?’ એવી અવઢવ અને અવાક્ દશામાં બતાવ્યા છે. સમગ્ર ‘કચ્ચરઘાણ’ વિશે લોચનિયાં લોતા અને ‘નાવમેં નદિયાં ડૂબ જાય’ના ઉદ્ગાતાને કાગળની હોડીમાં ‘ડબ ડબ ડૂબતા’ સૂચક બતાવ્યા છે. ડબ ડબ આંસુ સારવાનો રૂઢ-પ્રયોગ અહીં ડબ ડબ ડૂબવાની રીતે કેવો નવતા અને વ્યંજકતાનો દ્યોતક બની રહ્યો છે!
આમાંય તે, જે જેને વાસ્તે અથવા જેની આસપાસ આખો ખેલ મંડાયો છે એ ‘સાહેબ’ને જ ‘છૂ’ — ગુમ, ગાયબ કરીને કવિએ (જે એમને જ આવડે) કમાલ કરી છે. ‘પૂછત પૂછત / નિર્બીજ વૃક્ષ સાહિબ કા / છૂ!’ની પ્રયુક્તિ નાટ્યાત્મકતાની સાથે અનેક રીતે અર્થગર્ભ અને વ્યંજનાત્મક છે. ‘નિર્બીજ’ની વળી વાવણી કેવી? એનો ઉગાવો પણ કેવો અને એનો વિસ્તારો પણ ક્યાંથી? અહીં ‘બીજમાં વૃક્ષ’ કે ‘વૃક્ષમાં બીજ’નો આ પટ-અંતરો, આ છેડેથી ખસેડવો?! કદાચ, ‘બીજક’ — બોધિત બારણું અહીં એકસાથે બંધ અને ખુલ્લું વિલસ્યા કરે છે. એક છેડેથી, પલકમાત્રમાં આખા ખેલ ઉપર જાણે પડદો પડી જાય છે અને બીજે છેડેથી નેપથ્યમાં, નવેસરથી આખો ખેલ ભજવાવો શરૂ થઈ જાય છે!
આખી કૃતિ એક મામિર્ક, ગહન વસ્તુ-વિચારના દોર ઉપર, નૂતન નિર્વહણ અને વિડંબણાના વિશિષ્ટ સર્જનવ્યાપાર સાથે, સંતુલિત ઊભી છે. ધર્મમાં, સમાજમાં, જીવનમાં ક્યાંય પણ, શું ‘તનઘટમાં’ કે શું ‘મનઘટમાં’, વ્યાપેલી બદ્ધતા, બધીરતા કવિને મંજૂર નથી. નર્મદની જેમ ‘થંભ થયેલાં’ જળની સ્થિતિ વિશે વિદ્રોહી છે. વિચાર, ભાષા, અભિવ્યક્તિના બંધિયારપણા વિશે પણ કવિ એ જ મતના છે. એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિઓ, એમની આ પ્રતિબદ્ધતાનો, સુપેરે હિસાબ આપેલો છે : કથિતવ્યને વાસ્તે, કવિતાને વાસ્તે તેઓ ભાષાનાં અનેકવિધ ઓજારોને હાથમાં લે છે અને પોતાની રીતે તેની અજમાયેશ કરે છે. ભાષાને, ક્યાંક વ્યાકરણને પણ, તેઓ વિલક્ષણ રીતે — વિચક્ષણ રીતે પલટે છે; પલોટે છે. એમણે ઊભી કરેલી ભાષા, વ્યાકરણ આદિની અસ્તવ્યસ્તતા, સરવાળે કૃતિનાં આંતરિક લય, એકતા અને સંવાદ વિશે, ઓતપ્રોત અને સક્રિય બની રહે છે. કાવ્યમાં યોજાયેલી એકલી ‘રે’ની આવૃત્તિ ગણી જોવા જેવી અને એથીયે વધારે માણવા-પ્રમાણવા જેવી છે.
કબીર એક યા બીજી રીતે રચનાના આખા પટમાં પથરાયેલા છે. વાણીની રીતે, અવળવાણીની રીતે, રૂપકો, પ્રતીકો, કલ્પનો, બાનીની રીતે અને ખાસ તો વસ્તુવિચારની રીતે અહીં એમનું રમણ છે. પણ અહીં કબીર કે કબીર-વિચારદર્શનનું કોઈ સાદું અનુસરણ, અનુકરણ કે અનુરણન નથી; આજના એક સમર્થ સર્જકની કલમ થકી થયેલું નૂતન પુનવિર્ધાન છે, નૂતન સર્જન છે. કબીર આપણી ભારતીય સનાતન સાધનાધારા અને તત્ત્વદર્શનના સમર્થ ઉદ્ગાતા અને માનવસભ્યતા, સંસ્કૃતિ-સમાજજીવનના મહાન પ્રવક્તા છે. આજથી છસો વર્ષ પહેલાં અભિવ્યક્ત થયેલો અવાજ, આજે આપણા આજના કવિએ, પરંપરાના અનુસંધાન સાથે, પોતાની રીતે નવા અવકાશ સાથે, પ્રગટાવી આપ્યો છે. કબીર આટલાં વર્ષો પછી પણ આજના લાગે છે એમ ઠાકરસાહેબ, સ્તંભરૂપ કવિ તરીકે આજના છે તે સાથે આવતી કાલ માટેના, વધારે જમા લાગે છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)