અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/સાંઢુકા સીંગ સડે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાંઢુકા સીંગ સડે...

સિતાંશુ યશશ્ચંદ્ર

એમ થયું? કેમ થયું?
સાંડ સીંગ સડી ગયું?
યે તો બોત બુરો ભયો
કૌભાંડી કેદ થયો?
રાજાનું રાજ ગયું?
કાંગલાની કથરોટે
બે ટંકનું અન્ય રહ્યું?
એમ થયું? કેમ થયું?
ન પૂછ વાત
ન પૂછ શી?
કીડીએ મરતાં દીધો સરાપઃ
સાંઢુકા સીંગ સડે.

ગોધરેમેં ટ્રેન જલે
નરોડામાં પાટિયાં બળે
ગોલાણેમેં ઘરાં મારાં માર માર ભભડે
હોલા નપંખા
કીડીએ મરતાં દીધો સરાપ
— સાંઢુડા સીંગ સડે

બચ્ચેકો અગુવા કિયા
લીલા કિયા ભગવા કિયા
ડોકમેં ક્રોસ ડાલ દિયા
નકલખોર નિસાળોમાં
પરદેસી બના દિયા

નિર્દય નગરીમેં છોડ
છોટપણા છીન લિયા
મોટેરાં ટૂંકાં
સરવર સૂકાં
બચ્ચાંએ મરતાં દીધો સરાપ
— સાંઢુકા સીંગ સડે

રાજા આંધળો
લેફ-રૈટ કરાવે
લેફ્ટન પછી રાઇટન
પછી અબ્બાઉટ્ટન આવે
ડાબે કૂવો જમણે ખાઈ
પાછળ મોટું જંગલ ભાઈ

કોક કવિ કહે કે આગેકદમ
તો દાદાલોક દે એને દાટી ને દમ
કાયર કાયર થઈ જો પ્રજા
તો એન્ટરટેનમેન્ટની છે રજા
હસી હસી લોક બધું પોથ અને લોથ
લોથલે મરતાં દીધો સરાપ
કે રાણીને કૂલે બટકું દે સાપ
નૉર્થ-સાઉથ ઈસ્ટ-વેસ્ટ દોડાદોડ કરે
તોય સાપ કે સરાપનો ઉતાર ન જડે
— ને સાંઢુકા સીંગ સડે

ગોધરા નરોડા ને ગોલાણા છે નામ
એક જ માચીસનાં આ ત્રણે ત્રણ કામ
કરાંચી ને ઢાકા કોલંબો કાઠમંડુ
કાબુલ ને દિલ્લીકા બાદસાહ ગંડુ
એને ગજવેથી માચીસ પેલી ગુમ કરો યાર
પેલે ચૂલે રસોડે એને મૂકો ફરી વાર
ભૂખ્યાં છે બચ્ચાં ને ભૂખ્યાં છે નરનાર
કાંક રોટલા બેચાર ગરમ કરો ને તૈયાર
ને બટકુંય એમાંથી યાર કાઢજો ગોગ્રાસ

આઇડિયોલૉજીને કોઈ એમાં વાંધો ના’વે ખાસ
કે સહુ કોઈને ચાર કોળિયા જડે
ઓલા હોલાનેય પરભુ-તું પરભુ-તું મર મળે
પણ એક ચીજ પકડેલી રાખ કડેધડે
— કે સાંઢુકા સીંગ સડે
સાંઢુકા સીંગ સડે
સાંઢુકા સીંગ સડે...
(સમીપે-૨, ડિસેમ્બર)