કંદમૂળ/અંતિમ ક્ષણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અંતિમ ક્ષણો

મારા ઘરની સામે એક નવો રોડ બંધાઈ રહ્યો છે.
ત્યાંથી પસાર થતાં ડામર પગમાં ચોંટે છે.
જોકે છેલ્લા થોડા સમયથી હવે એ
ગરમ ડામરની વિચિત્ર ગંધની
કંઈક આદત પડી ગઈ હોય એવું લાગે છે.
રોડ બંધાઈ જશે એટલે તેના પર
બસ, રિક્સા, મોટરકારોનાં પૈડાં સડસડાટ ફરી વળશે.
એમ્બ્યુલન્સ ને પોલીસની જીપ
સાઇરનો વગાડતી આખા રસ્તાને માથે લેશે.
આ રોડ પરથી વરઘોડો નીકળશે,
ભિખારીઓ ભીખ માંગશે,
ફૂલવાળા ફૂલો વેચશે,
નવાં દિશાસૂચક પાટિયાં લગાડાશે,
ટ્રાફિક સિગ્નલોની લાઇટો ઝબૂક ઝબૂક થાશે...
મને આ બધાની સામે કંઈ જ વાંધો નથી.
અત્યારે આ જે છે એ નાનકડો,
ધૂળની ડમરીઓ ઉડાડતો રસ્તો
થોડે દૂર સુધી ચાલો ત્યાં જ પૂરો થઈ જાય છે.
છતાં રોજ સવારે હું લાકડી લઈને ચાલવા નીકળું ત્યારે
એમ લાગે કે ઘણે દૂર સુધી ચાલી આવી.
હવે આ નવો ડામરનો રોડ
મને ક્યાં લઈ જશે?
ગઈ કાલે બપોરે સહેજ આંખ મળી ત્યારે
કંઈક એવો ભાસ થયો હતો કે
ડામરનો એક નવો જ, ચકચકિત રોડ
હવામાં અધ્ધર ઊડી રહ્યો હતો.
અને રોજ મારી બારીએ આવતાં પંખીઓ
ઘરમાં અંદર આવીને ફર્શ પર ચાલતાં હતાં.
                           * * *
તે દિવસે આખી રાત
ખુલ્લી રહી ગયેલી બારીનો
પવનમાં પછડાવાનો અવાજ સંભળાતો રહ્યો.
બે-ત્રણ વાર વિચાર આવ્યો કે
ઊઠીને બારી બંધ કરું
પણ પછી એ અવાજ ગમવા માંડયો હતો.
નીરવ શાંતિ, પવનની ધીમી લહેરખી,
બારીની કડી થોડીક હલવાનો અવાજ,
પછી બારીનું બારણું સહેજ ખસવાનો અવાજ,
પછી અડધે પહોંચીને અટકવાનો અવાજ,
પછી જોરથી પવનના આવવાનો અવાજ,
અને પછી પૂરા વેગથી બારીનાં બારણાંનો પછડાવાનો અવાજ -
ધડામ...
એક ધ્રાસકો પડે મનમાં
પણ પછી, ઘડી-બે ઘડીમાં શ્વાસ હેઠો બેસે
અને રાહ જુએ એ જ અવાજની.
ફરી પવનની એક ધીમી લહેરખી.
કડી હલે.
બારી સહેજ ખૂલે, અટકે, આખી પછડાય,
અને પછી સમૂળી બંધ થઈ જાય.
એમ લાગે કે હવે તો ગમે તેટલો વેગીલો પવન ફૂંકાશે
તોયે એ નહીં ખૂલે.
પણ ત્યાં જ, ફરી પછડાય બારી બમણા જોરથી.
બારીને હંફાવીને ઘરમાં ઘૂસી આવેલો એ અવાજ
હવે તો ઘરનો જ એક ભાગ બની ગયો છે.
સવારે ઘરનો નોકર આવે છે.
ચૂપચાપ કામ કરીને ચાલ્યો જાય છે.
એ માને છે કે વર્ષોથી આ ઘરમાં કોઈ કંઈ બોલ્યું જ નથી.
પરસાળમાં પડેલા આ તડકા પર
ક્યારેય કોઈ ચાલ્યું જ નથી.
એ જાય, અને પછી
આખા ઘરમાં ફરી વળે
બારીઓ પછડાવાનો અવાજ.
બેફામ, બેહાલ, મધરાતે ઘેર પાછા ફરતા
દારૂડિયા પતિની જેમ.
હું હવે મારા પલંગ પરથી ક્યાંય ખસતી જ નથી.
હું નહીં હોઉં ત્યારે
શું થશે આ બધા અવાજોનું?
કોણ આવવા દેશે
એમને આ ઘરમાં?