કંદરા/મંત્રોચ્ચાર
ટપ અવાજ થયો.
મેં જોયું તો કૉડા જેવા શરીરવાળું
એક જીવડું દીવાલ પરથી પટકાઈ પડ્યું હતું.
એને અસંખ્ય પગ છે.
એના હાથ, એની આંખો,... બધું જ
જાણે કે એના પગ છે.
હવે એ ધીમેથી મારા પગ પાસે
સરકતું આવતું હતું.
હું પગ વાળીને બેસી રહી,
ને જમીન પર પસરાયેલા મારા વાળ પર
એને ચડવા દીધું.
એના દરેક પગલે મને યાદ આવતા રહ્યા
કોઈ પંખીએ ચાંચમાં પકડી રાખેલા
માંસના ટુકડા જેવા, મારા પ્રેમીઓના શબ્દો.
ખુલ્લાં શરીરોનાં જુદાં જુદાં અંગો.
અને લોટનાં પૂતળાં!
એમના ભૂખરા વાળ, અને જાણે કોઈએ
મેલીવિદ્યાના મંત્રોચ્ચાર કર્યા હોય એમ
એમનાં શરીર પર ઉપસી આવેલા ડામ!
હું ભયભીત છું.
એ જીવડું તો મારા વાળમાં પ્રસરી રહ્યું છે.
મારા વાળમાં ખૂબ ખોડો છે.
અને એ એના પગો વડે
એ પડ ખોતરી રહ્યું છે.
ખૂબ ચળ આવે છે.
પણ એના સ્ફૂર્તિલા પગ પકડાતા નથી.
મેં અંબોડો વાળી લીધો છે ને એમાં
હજારીનું પીળું ફૂલ ભરાવી દીધું છે.
અનોખી સુગંધ અને વાળમાં
સતત અનુભવાતો અસહ્ય સ્પર્શ,
જે મને ફોલી ખાય છે,
એ પ્રેમ છે.
એની ભીનાશ યોનિમાં છે.
સાથળો સહેજ પ્રસ્વેદે છે.
ગમે છે, અને ફરી
લોટનાં પૂતળાંઓ પર સૂકાઈ ગયેલા ડામ,
હજારી,
અસંખ્ય પગો,
અને અંબોડામાં રહેતું
કૉડાનું એક શરીર.
❏