કાંચનજંઘા/ચંડીદાસ પ્રસંગે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચંડીદાસ પ્રસંગે

ભોળાભાઈ પટેલ

[પ્રસિદ્ધ વૈષ્ણવ કવિ ચંડીદાસ ક્યાં અને ક્યારે થઈ ગયા એ વાત વિવાદથી પર નથી. વળી ચંડીદાસ, દ્વિજ ચંડીદાસ, બડુ ચંડીદાસ – આ ત્રણે એક કે જુદા જુદા, એ પણ પ્રશ્ન છે. ચંડીદાસને નામે મળતાં અનેક પદોમાં ખરું કર્તૃત્વ કોનું – એ નિર્ણય કરવાનું અઘરું રહ્યું છે.

આ નિબંધમાં જનશ્રુતિમાં જળવાયેલા ચંડીદાસ છે. એ રીતે ચંડીદાસનું ગામ તે નાન્નુર (કે નાનુર) બંગાળના વીરભૂમ જિલ્લામાં બોલપુર – શાંતિનિકેતનથી વીસેક કિલોમીટર દૂર આવેલું છે. જુદી જુદી ઋતુઓમાં અને જુદા જુદા મિત્રો સાથે ત્રણેક વાર ત્યાં જવાનું બન્યું છે. નિબંધમાં ત્રણેય વારના અનુભવો અને અનુભૂતિઓ વણાઈ ગયાં છે.]

સુનહ માનુષ ભાઈ
સબાર ઉપરે માનુષ સત્ય—
તાહાર ઉપરે નાઈ

ચંડીદાસ

મોટરબસ અંદરથી ભરાઈ ગઈ હતી, પણ બસના છાપરા પર ભીડ નહોતી એટલે છાપરા પર બેસવાનું પસંદ કર્યું. બોલપુર શહેરના સાંકડા રસ્તા જેવા પૂરા થયા કે આદિગંત ધાનનાં લીલાં ખેતરો. વચ્ચે એક કાળી સડક વહી જતી હતી. ડાંગરથી હરિયાળી ભૂમિ તડકા- છાંયડાની રમતથી ‘આજ ધાનેર ખેતે રૌદ્ર છાયાય લુકોચુરિ ખેલા રે ભાઈ, લુકોચુરિ ખેલા’ – રવિ ઠાકુરના એ ગીતનો જીવતોજાગતો લેન્ડસ્કેપ બની ગઈ હતી.

પણ થોડી વાર પછી તડકો જતો રહ્યો અને ગાઢ છાયા છવાતી ગઈ. ઉપર આકાશમાં મેદૂર મેઘ. છાપરા પર હતા એટલે પવનનો ભારે સંગાથ તો હતો જ. ત્યાં એકાએક વરસાદ, વરસાદમાં ભીંજાવું તો ગમે છે, પણ ભીંજાવું અને તે બસના વેગમાં પવનની થપાટો સાથે? પ્રેમશંકર મારી સાથે છાપરા પર બેસીને પસ્તાતા હતા પણ સુનીલ અંદર બેસીને જરૂર હસતો હશે..

વરસાદ ઓછો થયો પછી રહી ગયો અને છતાં દૂર દૂર ધરતી- આકાશ એક થઈ ગયાં હતાં એટલે ભરોસો થાય તેમ નહોતું કે હાશ હવે વરસાદ બિલકુલ રહી જશે. વીરભૂમનાં નાનાંનાનાં ગામ આવે, માણસો ચઢે-ઊતરે, માટીની ભીંતો અને ખડનાં છાપરાં, વચ્ચેથી ડોકિયાં કરતાં કેળ, નાળિયેરી, તાલ.

સદીઓથી આ જ ભૂમિ અને ભૂમિકા. તારાશંકર, રવિ ઠાકુરથી પાછે પગે જઈએ તો ચંડીદાસ. જયદેવ સુધી તો પહોંચી જવાય. થોડી વારમાં ચંડીદાસનું નાન્નુર ગામ આવશે અને અજય નદીને કિનારે કેન્દુલીય બહુ દૂર નથી (જયદેવ અને ચંડીદાસ બંને ભલે વૈષ્ણવ કવિ, પણ વીરભૂમની ખ્યાતિ તો એના તાંત્રિકોથી).

નાન્નુર પહોંચ્યા ત્યારે ફરી વરસાદ શરૂ થઈ ગયો હતો. ભીંજાતાં ભીંજાતાં કવિ ચંડીદાસના ગામમાં પ્રવેશ કર્યો. ચંડીદાસના કૃષ્ણ એક વાર પલળતા પલળતા રાધાના આંગણામાં ઊભા હતા, અલબત્ત તે વખતે અંધારી રાત હતી. રાધાએ કૃષ્ણને જોયા, પણ સાસુ-નણંદની બીકે ઘરમાંથી બહાર આવી શકી નહિઃ

એક તો આ ઘોર અંધારી રાત, તેમાં આકાશમાં મેઘની ઘનઘટા, વહાલો કેવી રીતે બહાર નીકળ્યો હશે? અત્યારે આંગણામાં એક ખૂણે ઊભો ઊભો તે ભીંજાય છે, એ જોતાં છાતી ફાટી જાય છે… પણ સખિ રે, તને શું કહું – કેટલાં પુણ્ય કર્યાં હશે કે વહાલો પોતે થઈને મને મળવા આવ્યો છે!

આ કૃષ્ણ તે સાચે જ રાધાના આંગણામાં પલળતા કૃષ્ણ કે પછી રજકિની રામીના આંગણામાં પલળતા સ્વયં ચંડીદાસ? રામીના હૃદયમાં જે સુખમિશ્રિત દુઃખ ઊપડ્યું હશે તે કવિ પામી ગયા છે અને તેની વાત રાધાને મિષે કહી ગયા છે. અમે આજે શતાબ્દીઓ પછી ચંડીદાસના આંગણામાં ભીંજાઈ રહ્યા છીએ, ભીંજાયેલા ચંડીદાસનો એકાદ અણસાર પામવા. પરંતુ ભીંજાવા ભીંજાવામાં પણ ફેર. એ કવિએ જ કહ્યું છે કે રસિક રસિક તો સેંકડો લોક કહેવાય છે, પણ જરા તપાસ કરી તો એકાદ જ રસિક માંડ નીકળ્યો!

‘ચંડીદાસેર ભીટે’ એટલે કે ચંડીદાસનાં ખોરડાં જ્યાં ઊભાં હતાં તે સ્થળે એક ટેકરોમાત્ર છે આજે. જ્યાંથી માટીનાં ખોરડાંવાળું નાન્નુર અને ઝાડીઝૂક્યા કિનારાવાળું તળાવ દેખાય છે. અહીં આ ભૂમિ પર ચંડીદાસ એક વેળા ચાલતા હશે. આટલામાં ક્યાંય રામીનું ઘર પણ હોવું જોઈએ.

ચંડીદાસ તો બાસુલીદેવીના પૂજારી હતા. આ રહ્યું તે બાસુલીનું મંદિર, નાનુંઅમથું. બાસુલી એટલે વિશાલાક્ષી એમ આજના પૂજારીએ કહ્યું. એણે બાસુલીની કાળા પથ્થરની મૂર્તિ પણ બતાવી. આ એ જ મૂર્તિ છે, જેની ચંડીદાસ પૂજા કરતા હતા! બાસુલીની પૂજા કરતાં કરતાં રામી ક્યાંથી આવી ગઈ?

–એકદમ ચમકાવી આભા બનાવી દઈ ચાલી ગઈ એ સોનાની પૂતળી. એનાં નીલ વસનની આરપાર દેખાતું હતું એનું અનુપમ રૂપ…

હવે દેવીની પૂજામાં મન કેમ લાગે! ચંડીદાસે દેવીને જ પૂછ્યું કે બાસુલી, આ શું? હું તો બ્રાહ્મણ છું. ઘણાં પુણ્ય કરીને તમારો પૂજારી થયો છું. પણ આ મને શું થઈ ગયું – તમારા કરતાં રામી મારા માટે વધારે સાચી?

પછી તો કહે છે કે દેવીએ જ આદેશ આપ્યો કે એ નારીને ઇન્દ્રિયજિત થઈને પ્રેમ કર, તારા હૃદયને એ જે પવિત્રતા આપશે, તે હુંય આપી શકવાની નથી.

ચંડીદાસને રામીમાં રાધા દેખાઈ. પ્રેમધર્મ એમને માટે ધર્મ બની ગયો. એ પ્રેમધર્મ એ માનવધર્મ, માનવથી વળી બીજું મોટું શું? રામી એમને માટે દેવી કરતાં પરમ સત્ય બની રહી. એમણે ગાયુંઃ

શુન રજકિનિ રામી
ઓ દુટિ ચરણ શીતલ બલિયા
શરણ લઈનું આમિ…

દેવીની પૂજા તો કરતા રહ્યા, પણ દેવીના આદેશે રજાકિનીનાં બે શીતલ ચરણનું શરણ લીધું.

પછી તો નાન્નુર વૃંદાવન બની ગયું. નાન્નુરનું તળાવ કાલિન્દીનો કાંઠો બની ગયું, એ કાંઠે ઊગ્યાં તમાલ તરુ, તમાલ તરુ નીચેથી વહેવા લાગ્યા વાંસળીના સૂર. પૂર્વરાગ, અનુરાગ, માન, અભિસાર, વિરહ, મિલનની સહજ વૈષ્ણવી લીલા પ્રકટ થવા લાગી. રામી અને રાધા એકાકાર થઈ ગયાં.

એક બાઉલ ભક્તે ગાયું છે કે હે વનમાળી, તમે આવતા જનમમાં રાધા થઈને અવતરજો, ત્યારે તમને ખબર પડશે કે નારીહૃદયની વેદના એટલે શું? પણ ચંડીદાસને બીજા જન્મની જરૂર ન પડી. કવિમાત્રને એવી જરૂર ક્યાં પડે છે? ચંડીદાસ નારીની વેદનાને પામી ગયા અને એ નારીની નજરે કૃષ્ણને એટલે કે પોતાનેય જોયા—

સઈ કે બા શુનાઈલ શ્યામનામ
કાનેર ભીતર ગિયા મરમે પશિલ ગો
આકુલ કરિલ મો પ્રાણ..

હાય સખિ, કોણે સંભળાવ્યું એ શ્યામનું નામ? કાનની અંદર થઈ એ મર્મમાં પેસી ગયું. મારા પ્રાણને આકુળવ્યાકુળ કરી નાખ્યા છે. ‘શ્યામ’ નામમાં કેટલું મધ છે કે તે હોઠેથી અળગું કરી શકતી નથી. હાય, જેનું નામ સાંભળતાં આ દશા થઈ છે. તેનો સ્પર્શ થતાં તો શુંનું શું થશે? તેને જોતાં હવે યુવતીધર્મ શી રીતે પાળી શકાશે? આ શ્યામ તો કુલવંતીના કુળને કલંક લગાડશે.

હવે સમજાયું ‘પિરીતિ’ – પ્રીતિ એટલે શું? પ્રીતિ પ્રીતિ તો આખી દુનિયા કરે છે, પણ પ્રીતિની ખબર કેટલા જણને છે? પ્રીતિનો કાંટો હૃદયમાં પેસી ગયો છે અને દિનરાત ખટક્યા કરે છે.

આ પ્રીતિ માટે તો થઈને ઘરને બહાર કર્યું, બહારને ઘર. પારકાને પોતાના કર્યા અને પોતાનાને પારકા. રાતનો દિવસ કર્યો અને દિવસની રાત, તોયે વહાલા ના સમજી શકી તારી પ્રીતિ.

ઘર કૈનુ બાહિર બાહિર કૈનુ ઘર
પર કૈન આપન, આપન કૈનુ પર
રાતિ કૈનુ દિવસ, દિવસ કૈનુ રાતિ
બુઝિતે નારિનું બંધુ તોમાર પિરીતિ.

બાસુલીનો આદેશ ચંડીદાસે તો સાંભળ્યો, પણ સમાજ પાસે એ આદેશ સાંભળવાના કાન ક્યાં હતાં? રજકિનીને પ્રેમ કરી બ્રાહ્મણનું ખોળિયું અભડાવ્યું. હવે તો? હવે તો પ્રાયશ્ચિત્ત કરી જ્ઞાતિભોજન કરાવી ‘શુદ્ધ’ થવું પડશે. ચંડીદાસ એ માટે તૈયાર થયા, ભાઈના આગ્રહથી. રામીએ એ સાંભળ્યું – બધો મારો જ દોષ છે, વહાલા, બધો મારો જ દોષ છે. જોયાજાણ્યા વિના પ્રીતિ કરી, હવે કોના પર દોષ કરું? અને છતાં રામી દોડી ગઈ હતી, જ્યાં બ્રહ્મ ભોજન થતું હતું. બ્રાહ્મણોની પંગત વચ્ચે રજકિની રામી? ચંડીદાસના બંને હાથ પીરસવામાં રોકાયેલ હતા. સૌની નજરે હડધૂત અને રુદન કરતી રામીને તે આશ્વાસન કેવી રીતે આપે? બ્રાહ્મણો સૌ અવાક્. એમણે જોયું કે પ્રિયાને આશ્વાસન આપવા ચંડીદાસને ખભે બીજા બે હાથ ઊગી આવ્યા છે – ચંડીદાસ કે ચતુર્ભુજ!

આ એ સ્થળ છે, જ્યાં પ્રેમનો આ ચમત્કાર સર્જાયો હશે. આ વિશાલાક્ષી આ બધું જોતી હશે. વિશાલાક્ષીના મંદિરનો પુરાતત્ત્વખાતાએ ભદ્દી રીતે જીર્ણોદ્ધાર કર્યો છે. મંદિરની પાછળ વાંસની ઝાડીમાં થઈ પગથિયાં એક છાયાચ્છન્ન પુકુરમાં ઊતરતાં હતાં. એકદમ ફોટોજિનિક દૃશ્ય. શુદ્ધશીલે કહેલું – જાપાન હોત તો આવું દૃશ્ય ઍરલાઇન્સના કેલેન્ડરમાં હોત. બાસુલીના મંદિરની સામી દિશાએ શિવની દહેરીઓ છે.

બંગાળના પ્રસિદ્ધ ટેરાકોટા શિલ્પથી શોભતી ભીંતો જોઈ રહેવાનું મન થાય, એમાં અંકિત શિલ્પો એવાં તો નમણાં છે. કાચી ઈંટ પર શિલ્પ કંડારી પછી એને પકવતા હશે. એ ઈટોની હાર જડીને સળંગ ભાત ઉપસાવવામાં અહીંના કારીગરોની પ્રસિદ્ધિ રહી છે. સાથીએ અમને ત્યાં ઊભા રાખી ફોટા લીધા. મને અગાઉની યાત્રાનું દૃશ્ય યાદ આવ્યું.

મંદિરની દીવાલની આથમણી બાજુએ એક વિશાળ આંગણવાળું માટીનું બે માળનું ઘર હતું. આંગણને એક છેડે ગાયોનું કોઢારું હતું. ઘરની ઓસરીમાં એક પૂર્ણ યુવતી બેઠી હતી. બાજુમાં ટ્રાન્ઝિસ્ટર હતો. બાસુલીના પ્રાંગણમાં અનેક ભદ્ર આગંતુકોને જોઈ રહી હતી. પછી તે ઊભી થઈ. અલસ ગતિથી તે કોઢારા ભણી ચાલવા લાગી. મૂર્તિમંત છંદ. કોઢારા પાસે જઈ ગાયને નીરી તેને કપાળે હાથ ફેરવવા લાગી અને પછી એ જ ગતિએ પાછી વળી. શુદ્ધ-શીલ કહે, આપણે એને જોઈએ છીએ, એ વાતથી એ સભાન છે, એની ચાલ નાગરિક છે.

તે વખતેય સાંજ પડતી હતી. તડકો હતો. મોહનદાસે પૂછેલું એક ગ્રામવધૂને – રામીનું ઘર ક્યાં હતું? ગોળ લાડુ જેવું જેનું મોં હતું એવી એણે કહેલું કે એ તો ખબર નથી પણ ચંડીદાસ રામી વિશે એ કશુંક કહેતી રહી. પછી એણે કહ્યું કે જે તળાવમાં રામી કપડાં ધોતી હતી, તે તળાવ ગામની ઉગમણે છે. ડૉ. લાલાનો ઉત્સાહ વાચાળ બન્યો હતો, નગીનદાસ ચૂપ હતા, આ જ રસ્તે.

અમે એ તળાવ ભણી ગયા, ગામની ઉગમણી દિશાએ. ત્યાં જવા દરવાજો વટાવ્યો. જતી વેળા ધ્યાન નહિ ગયેલું. પણ પાછા વળતાં જોયું કે દરવાજે ચંડીદાસની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ કોતરી છે – ‘સુનહ માનુષ ભાઈ…’ ચંડીદાસનું જ આ ગામ છે તે હકદાવો નાન્નુર સિદ્ધ કરવા માગતું હતું. દરવાજા પાસેથી એક નાની હોટલના બાંકડા પર બેસી મૃણ્મયપાત્રમાં ‘ધરતીની મહેક’ સાથેની ચા પીધી.

પછી તળાવ ભણી. તળાવ સ્તબ્ધ હતું. રસ્તા ઉપરના કાંઠા તરફ વડના ઝાડ નીચે દેવીનું મંદિર છે, ત્યાં બાજુમાં દીવાલને અડીને એક પાટ પડી છે. આ જ રજકિની રામીની કપડાં ધોવાની પાટ. કંઈ નહિ તો લોકનજરમાં એ જ પાટ છે. એના પર હાથ ફેરવતાં સદીઓનો સમય સરકી ગયો.

કંઈક એવો વિચાર ચમકી ગયો કે ચંડીદાસ રામીની સરખામણીમાં અવશ્ય થોડાક ભીરુ હશે. એમણે, રવીન્દ્રનાથે કહ્યું છે તેમ, હૃદયના ત્રાજવા પર તોલી જોયું છે કે પ્રાણ કરતાં પ્રેમ વજનદાર છે, પણ એ સંકોચશીલેય હશે. નહિતર પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર ન થાત. રામી કદાચ નિર્ભીકપણે પોતાનો પ્રેમ પ્રકટ કરતી હશે, એણે કલંકની ટોપલી માથે ઊંચકીને પ્રિયને ઘેર તેડાવ્યો હશે. કદાચ એની પ્રીતિએ જ ચંડીદાસને પ્રતીતિ કરાવી હશે કે દેવદેવીની પૂજા કરતાં માનવીની પ્રીતિ શ્રેષ્ઠ છે. ‘એ પ્રીતિની જેને ખબર નથી તે ત્રણે ભુવનમાં અને જનમજનમમાં ‘સુખ’ શું તે શું જાણે?’

વાદળ આકાશમાં ઓછાં થયાં હતાં. રમ્ય રંગોની છટા ફેલાઈ હતી. તળાવ સ્તબ્ધ હતું. આ તળાવમાં ચંડીદાસ માછલાં પકડતાં હશે, રામી પેલી પાટ પર કપડાં ધોતી હશે. પૂર્વરાગના એ દિવસો હશે, એક બાઉલે ગાયું છે, ચંડીદાસ રામીને અનુલક્ષીને—

ઓગો જે જન પ્રેમેર ભાવ જાનેના
તાર સાથે પ્રેમ ચલેના ગો ચલેના
રજકિનીર કાપડ કાંચા આર ચંડીદાસેર બાંશી બાવા
ઓ બાર બછર બાઈલો બાંશી બાંશી તે માછ લાગલોના.
રજકિની કથા કઈલો આર ચંડીદાસ માછ ધરિલો…

—જે જન પ્રેમનો ભાવ જાણતું નથી, તેની સાથે પ્રેમ ચાલતો નથી. રજકિની કપડાં ધુએ છે અને ચંડીદાસ ગલ નાખીને માછલી પકડે છે. આમ ને આમ બાર વરસ વીતી ગયાં, પણ ચંડીદાસના ગલમાં માછલી પકડાતી નથી. બાર વર્ષે રજકિનીએ ચંડીદાસ સાથે વાત શરૂ કરી, અને ચંડીદાસના ગલમાં માછલી પકડાઈ…

વાસુદેવ બાઉલને કંઠે આ ગાન સાંભળતાં રજકિની રામી નવે રૂપે દેખાઈ હતી. બાઉલ કવિને તો ચંડીદાસ કરતાં રામીની શક્તિ વધારે દેખાઈ. કદાચ તે પરાશક્તિ હતી. એણે ચંડીદાસને કહ્યું હતું ‘માછ લાગિલો ભાલોઈ હલો આર બેશિ રબોના’ – હવે માછલી પકડાઈ ગઈ છે, તો ચાલો આ ગામમાં હવે નહિ રહીએ. આ માછ-માછલી તે કઈ માછલી હશે? બાઉલ સાધકો કહે તો ખબર પડે. પણ અહીં આ તળાવને કાંઠે તો એક દૃશ્ય આંખો સામે રચાઈ ગયું. એમાં કોઈ રૂપક નહોતું. એમાં ગલ નાખીને બેઠેલા અને કપડાં ધોતી રામી તરફ જોઈ રહેલા ચંડીદાસ હતા. તેમની વચ્ચે બાર વરસ હતાં.

સંધ્યા-આભા વિસ્તરી અમે સૌ ચૂપ હતાં. ત્યાં તો ઘાટ ઉપરથી એક કિશોરી પાણીની ડોલ ભરી, કિનારે મૂકી પહેરેલાં કપડાંમાંથી એક ઓછું કરી સીધી પાણીમાં જઈ સ્નાન કરવા લાગી. સ્નાન કરતાં કરતાં કાંઠે ઊભેલી એક સખી જોડે વાત કરતી હતી, છલછલ થતાં પાણીના અવાજ સાથે તેનો ભીનો અવાજ વહી આવતો હતો. ‘કાન જો આંખ હોય…’ અંધારું ઊતરી આવ્યું હતું. ભાગોળે અમે પાછા જવાની બસની રાહ જોતા ઊભા હતા. આ વ્રજની ત્રીજી વાર યાત્રા થઈ હતી. સુનીલની બીજી વાર. પહેલી વાર તે એક કલાકાર મિત્ર સાથે આવ્યો હતો. એ મિત્રની એક મિત્ર નાન્નુરમાં રહેતી હતી. આવા જ એક વર્ષાભીના દિવસે એકાએક તેણે સુનીલને કહ્યું – ચાલ નાન્નુર. અંધારું થઈ ગયું પહોંચતાં, પહોંચતાં. માંડ ઘર શોધી કાઢ્યું. પેલી ઓસરીમાં બહાર આવી. કલાકારે તેને પૂછ્યું – ‘કેમ છે?’ અને એટલું પૂછી તે તરત જ પાછો વળી ગયેલો. આખી રાત અંધારામાં રઝળી બંને ઠેકાણે પાછા પહોંચેલા. મને એ દશ્ય દેખાવા લાગે છે, પણ પછી મારી નજરમાં આ એકદમ રઝળતા પાછા વળી ગયેલા મિત્રો નથી, ત્યાં પેલી સ્તબ્ધ ઊભી રહી ગયેલી કન્યાનો વિસ્મયવિધુર ચહેરો છે.

રાત્રિની બસમાં ઘેર પાછાં આવી દિવસની ઘટનાઓ ડાયરીમાં ટપકાવતાં મેં છેલ્લે રવીન્દ્રનાથમાંથી ચંડીદાસ વિશેની કેટલીક પંક્તિઓ ગુજરાતી કરીને ઉતારીઃ

‘કઠોર વ્રતસાધના સ્વરૂપે પ્રેમની સાધના કરવી એ ચંડીદાસની ભાવના છે. એ ભાવના ન તો એમના સમયના લોકોની છે, ન તો આજના સમયના. તે ભાવનાનો સમય તો ભવિષ્યમાં આવશે, જ્યારે પ્રેમનું જગત હશે, જ્યારે પ્રેમનું વિતરણ જ જીવનનું એક માત્ર વ્રત હશે. પહેલાંના સમયમાં માણસ જેટલા પ્રમાણમાં બળવાન તેટલા પ્રમાણમાં તેની મહત્તાની ગણતરી થતી, એ રીતે એવો સમય આવશે જ્યારે જે માણસ જેટલા પ્રમાણમાં પ્રેમી હશે, તેટલા પ્રમાણમાં તે આદર્શ ગણાશે. જેમના હૃદયમાં વિશાળ જગા હશે, જે જેટલા વધારે લોકોને હૃદયમાં રાખતાં શીખશે તે તેટલા પ્રમાણમાં વધારે ધનિક ગણાશે. જ્યારે હૃદયનાં દ્વાર દિવસરાત ખુલ્લાં રહેશે અને કોઈ પણ અતિથિ બંધબારણે ટકોરા મારી નિરાશ થઈને પાછો નહિ જાય ત્યારે કવિઓ ગાશેઃ

પિરીતિ નગર વસતિ કરિબ,
પિરીતે બાંધિબ ઘર,
પિરીતિ દેખિયા પડશિ કરિબ
તા બિનુ સકલિ પર.

પણ પ્રીતિનગરમાં વાસ કરવાનો, પ્રીતિનું ઘર બાંધવાનો અને પ્રીતિ જોઈને પડોશી કરવાનો સમય ભવિષ્યમાં આવશે ખરો?

પંચવટી
શાંતિનિકેતન
૧૯૮૪