કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૩. પાણીની જેમ...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૩. પાણીની જેમ...

પાણીની જેમ
તમને ખોબામાં ઝીલ્યાં હતાં
સાચવ્યાં હતાં.
ચાંગળું પીધું,
ચાંગળું ઢોળાયું,
ચાંગળું ઊડી ગયું.
હવે
આંગળાં વચ્ચેના અવકાશમાં
પ્રવાહીનો સંકેત
કે આભાસ.
સુકાયેલા હાથે પત્ર લખતાં
અક્ષરોની અંદર
પ્રવાહીનો અણસાર...
આંગળાં અક્ષરોમાં ઊતરવા
ફાંફાં મારે છે.

૧૯૬૨; ૧૪-૧-૧૯૭૪
(અથવા અને, પૃ. ૫૮)