કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૨૨. તમે બહુ બહુ તો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨. તમે બહુ બહુ તો...

તમે બહુ બહુ તો
પથ્થરની કણી હશો,
સૂકી નદીને તીરે ખંજવાળતા બગલાની પાંખનું જંતુ હશો,
અંધારી રાતના નેવેથી ટપકતા પાણીનું ટીપું હશો,
કે હાંફતી હવાના અંગેઅંગમાં પ્રસરી, એને ઢીલી પાડતી
બાષ્પનો વિસ્તાર હશો.
પરંતુ મોહવશ મયૂરની આંખનો કામ તો કદી નહિ.
શિકારીઓ જેને ખાઈને આડા પડ્યા છે તે માદાને
ઘાસના બીડમાં શોધતો સારસ પણ નહિ.
થાકેલી નાયિકાની ચોળીનો પરસેવોય નહિ,
અપમૃત પ્રેમીની કબર ૫૨નું ફૂલ પણ નહિ.
તમે જો કોઈક વાર કશું હશો
તો કદાચ કબ્રસ્તાનની દીવાલ પર ચડેલી બેશરમ લીલ હશો
જે ભેજ ખાઈને વધ્યા કરતી હશે
અને તડકે ખરી પડતી હશે.
ત્યારે હું કબરના મોગરામાંથી છટકી ગયેલા સાપની
કાંચળીનો એકાદ ટુકડો હોઈશ
એ લીલને અડકીને જમીન પર ખરી પડ્યો હશે.

નવેમ્બર, ૧૯૬૦
(અથવા અને, પૃ. ૫૭)