કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૮. હાથ મેળવીએ
Jump to navigation
Jump to search
૩૮. હાથ મેળવીએ
નિરંજન ભગત
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે —
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!
૩-૧૨-૧૯૫૬
(બૃહદ છંદોલય, પૃ. ૨૩૫)
→