કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૯. એ રત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯. એ રત

ન્હાનાલાલ


મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

કુંજ કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
ચન્દ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !

ઊભી ઊભી નીરખું છું વાટ, અલબેલ રે !
          એ રત આવી, ને રાજ ! આવજો !
ફૂલડેથી લૂમી ઝૂમી મ્હારી વેલ રે,
          એ રત આવી, ને રાજ ! આવજો !
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)