કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/અગની લાગિયો
Jump to navigation
Jump to search
૧૧. અગની લાગિયો
રૂના રે ઢગલામાં અગની લાગિયો!
ઝળઝળ ઝળતી રે ઝાળ,
ભરતો વાયુ વેગે ફાળ,
ઊડે સિંહની કેશવાળ;
રૂના રે ઢગલામાં અગની દાગિયો!
ઝાળે જાગે રોમેરોમ,
નવલા હોમાયે રે હોમ,
આ તે સૂરજ કે સોમ?
હૈયાનો હુતાશન ઝબકી જાગિયો!
કેસૂડાંની રેલે ક્યારી,
ઊડે ફાગણની પિચકારી,
પુલકી ઊઠે કાયા સારી!
ગુલાલે રંગાયે હો, વરણાગિયો!
આવ્યા ભલેરા હુતાશ,
મારી સપનાંની આશ!
પ્રીતે લેજો ગ્રાસેગ્રાસ!
ઊગ્યો અતિથિ અંતરનો સોહાગિયો!
(‘પદ્મા’, પૃ. ૧૧૪)