કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/શ્રી અરવિન્દ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૬. શ્રી અરવિન્દ

ખરે જ અરવિન્દ! ઊગ્યું ધરતીતણા કાદવે
અહો કમલ! આભ સામું મુખડું ધર્યું ઉન્નત.
ખૂલે દલ સહસ્રરશ્મિકરથી, સ્ફુરે સૌરભ.
ઊઠે દલદલે સુગંધ નવલી ફૂટે કૈં છટા!
ઉરેથી અવનીતણા ઊઠત અર્ઘ્ય શું, ઊર્ધ્વને?
ઊઠી અગર પૃથ્વીના ઉરતણી અભીપ્સા સહુ?
રહી પ્રગટી પ્રીતિ? રૂપ નવલું જ સૌંદર્યનું?
ઊગ્યું અવનિના ઉરેથી અરવિન્દ પૂર્ણત્વનું!
ચહંત બસ પૂર્ણતા. નહિ જ ઓછું ચાલે રજે!
સ્વયં થવું સુપૂર્ણ ના બસ; – ઘણું અપૂર્ણત્વ એ!
કથીર પલટાવી દેવું જગનું સુવર્ણે સહુ!
અહો, સ્વપ્ન! સ્વપ્ન આ ન ઇતિહાસહૈયે લહું!
ન સ્વપ્ન અમ સ્વપ્નકેરું પણ : તારું પ્રત્યક્ષ જ!
શું બાણ સમ રામના ગતિ કરે તું, એ લક્ષ જ!
(‘પદ્મા’, પૃ. ૧૪૦)