કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૯. મારું ઘર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૯. મારું ઘર

ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ
એમાં અશ્વત્થ-ટોચે ફરકત ધ્વજ ત્યાં બાજુમાં લાલ નેવે
છાયેલું, સ્વર્ણતેજે અનુપમ સુષમાનો ધરી સાન્ધ્ય રંગ,
જેની મેડીની બારી અહીં લગી નજરું ઢાળતી ર્‌હે સનેહે.

તે મારું કાળ-જૂનું ભવન, નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું;
એની સર્વત્ર, જ્યાં જ્યાં ગતિ મુજ ત્યહીં, રેલાય છાયા અદીઠ.
ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું
કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દૃગ માંડી નિહાળે વ્યતીત!

ને આંહી સૂર્ય, ઝંઝા, જલ, જીવ, વનના ફાલનો જે અનંત
મેળો જામેલ તેના ઋતુ સમ રમતા નિત્ય કોલાહલેય
એનો ગુંજંત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાન્તિમંત્ર,
જેના આનંદછંદે મન મુજ અનુસંધાનમાં ર્‌હે સદૈવ.

હાવાં ગોધૂલિ-વેળા, દ્રુત દ્રુત રવ-દોણી ધરે દૂધ-સેર;
ચાલો એ ઘેર, ઘેલા પવનની અડતી અંગને ઠંડી લ્હેર
(સંકલિત કવિતા, પૃ. ૨૯૮)