કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/પલાશ ફૂલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૫. પલાશ ફૂલ

પલનું પલાશ ફૂલ
એના રૂડા રંગને કેસર મન મારું મશગુલ!

ભાવિની નહીં ભાળ કે નહીં
અતીતની કોઈ છાંય;
કાળનો કાળો ભમરો ભમી
આજના ગીતો ગાય.
અહીંની ભૂમિ મન મારાને લાગતી રે ગોકુળ!

તરસ નહીં : પ્રાણ આ માણે
તૃપ્તિ કેરો ઘૂંટ;
મોકળા મને મ્હાલતાં મળે
એ જ મારે લખલૂંટ
સઘળાનું છે મૂલ મારે મન : હેમ હોયે કે ધૂળ!

૧૯૬૪ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૬૩)