કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૯. આંખડીના અમરતને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯. આંખડીના અમરતને

[સહજાનંદ સ્વામીની મોહિનીથી બચવા દુકાનનાં કમાડ વાસી બેઠેલા વેપારીને સ્વામીની ચાખડીનો અવાજ સાંભળતાં સમાધિ લાગી હતી, એ ઘટના પરથી.]

આંખડીનાં અમરતને ઠેલ્યું, તો દેવ!
તારી ચાખડીને બોલ અમે ડોલ્યા,
નૅણનાં દુવાર બંધ કીધાં, તો દેવ!
તમે રુદિયાને દ્વાર ભેદ ખોલ્યા.
નૅણથી તો દીઠું’તું રૂપ, નૅણ મીંચ્યાં તો
છલક્યો શો તેજનો હિંડોળો,
પળમાં આવે છે પાસેપાસે ને પળમાં
એ આઘો ને આઘો જાય ઝોલો;
એકલા બે હોઠ રહ્યા ચૂપ, મારા વ્હાલમનાં
વાયક અણુએ અણુ બોલ્યાં.
ઊડીને ક્યાંથી આવી ધૂપની સુગંધ,
ક્યાંથી લહરી આ પ્રાણભરી લ્હેરી,
શ્યામલ આકાશ પરે મોરપિચ્છ જેવી
ઝૂકી વાદળીએ ચિત્ત લીધું હેરી;
જીવતરની એક એક ઘડીઓ અમૂલ
એન ઘડીએ જ્યાં નાથ તમે મૂલવ્યા.

૧૯૬૪

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૨)