ખારાં ઝરણ/જેમ બાળક જાય અંગારા તરફ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જેમ બાળક જાય અંગારા તરફ

જેમ બાળક જાય અંગારા તરફ,
મન ભલેને જાય મૂંઝારા તરફ.

હું નહીં પહોંચી શકું તારા સુધી,
ડગ ભલે ભરતો રહ્યો તારા તરફ.

આંગળી ચીંધીને દેખાડ્યો મને,
કેવી બતલાવી દયા મારા તરફ.

ફોસલાવે છે, પટાવે છે પવન,
હોડી ખેંચી જાય ઓવારા તરફ.

કાનપટ્ટી પકડી ઓછું કાઢશે?
ધ્યાન થોડું આપ અણસારા તરફ.

તું વિચારી લે હજીયે છે સમય,
કોણ ખેંચી જાય અંધારાં તરફ?

લ્યો, તપાસો ગળફામાંના લોહીને,
એ સગડ લૈ જાય હત્યારા તરફ?

ઊડશે ‘ઇર્શાદ’ પંખી ડાળથી,
એમનું છે ધ્યાન દેકારા તરફ.

૩-૧૦-૨૦૦૮