ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/રૂપસૃષ્ટિમાં – ગુલાબદાસ બ્રોકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપસૃષ્ટિમાં, ગુલાબદાસ બ્રોકર, ૧૯૬૨
સ્પષ્ટરેખ અને મોકળાશભરી સાહિત્યવિચારણા

૨૦મી સદીનો પાંચમો-છઠ્ઠો દાયકો ગુલાબદાસ બ્રોકરના સાહિત્યિક પ્રભુત્વનો ગાળો હતો. વાર્તાકાર-એકાંકીકાર તરીકે તો એ જાણીતા હતા જ, પણ ૧૯૪૦ આસપાસ તે પી.ઈ.એન.ના સભ્ય તરીકે ને પછી ઠીકઠીક વર્ષો સુધી એના મંત્રી-સ્થાને રહ્યા એણે એમની સાહિત્યપ્રતિષ્ઠા વિશેષપણે ઉપસાવી હતી. અલબત્ત, વિચારક અને વિવેચક તરીકે એમની સમજ પણ મુક્ત વ્યાપવાળી હતી. તે સમયના જાણીતા ને નવા પ્રવેશનારા લેખકોએ, ખાસ તો વાર્તાસર્જકોએ, એમની પાસે પોતાનાં પુસ્તકોની પ્રસ્તાવનાઓ કરાવી તે આ સમજ અને પ્રતિષ્ઠાને કારણે. એનું સૌથી વધુ નોંધપાત્ર દૃષ્ટાન્ત એ છે કે સુરેશ જોષીએ એમના, નવા વળાંકરૂપ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૭)ની પ્રસ્તાવના ગુલાબદાસ બ્રોકર પાસે લખાવેલી. ૧૯૬૨માં પ્રકાશિત થતા એમના પહેલા વિવેચનસંગ્રહનું નામ એમણે ‘રૂપસૃષ્ટિમાં’ રાખ્યું એમાં, એમણે ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવના ‘રમણીય રૂપસૃષ્ટિમાં’ નામે લખેલી એનું જાણે અનુરણન છે. બ્રોકરની વિવેચકરુચિ રૂપ(આકાર તેમજ સૌંદર્ય)લક્ષી છે એનો નિર્દેશ પણ એમાં જોઈ શકાય. ‘રૂપસૃષ્ટિ’માંની ૩૦ પાનાંની પ્રસ્તાવના લખનાર રામપ્રસાદ બક્ષી પણ પોતાના લેખનું શીર્ષક બાંધે છે – ‘રૂપ-દર્શન’. ‘રૂપસૃષ્ટિ’માં લગભગ ૧૯૪૮થી ૧૯૬૦ આસપાસ સુધીમાં ગુલાબદાસ બ્રોકરે વિવિધ નિમિત્તે કરેલાં લેખો-વક્તવ્યો-પ્રસ્તાવનાઓ-આકાશવાણીવાર્તાલાપોનો સંગ્રહ છે. પુસ્તક એમણે બહુ આયોજિત રૂપે કર્યું છે. પુસ્તકના પાંચ વિભાગો પૈકી પહેલામાં ટૂંકી વાર્તાના સ્વરૂપ અને વાર્તાના વિકાસ અંગેના ૮ લેખો છે; બીજા વિભાગમાં એકાંકી અને નાટકના સ્વરૂપ-વિકાસ વિશેના ૪ લેખો છે; ત્રીજો અને વધુ પાનાં રોકતો વિભાગ સાહિત્યવિચારણાના તેમજ સાહિત્ય-સંલગ્ન વિષયો અને સમસ્યાઓ વિશેના ૧૧ લેખો સમાવે છે; વાર્તાસંગ્રહોની સમીક્ષા (બધી જ પ્રસ્તાવનાઓ)ના ૮ લેખો ચોથો વિભાગ રચે છે. છેલ્લા વિભાગમાં નવલકથા, વાર્તા, વિવેચન, આદિ ગ્રંથો વિશેના ટૂંકા આકાશવાણી-વાર્તાલાપો સમાવતા ૭ લેખો છે. એમના વ્યાપ-વૈવિધ્યનો ખ્યાલ આના પરથી આવી શકશે. આવું વિભાજન જેમ એકદમ શાસ્ત્ર-ચુસ્ત લાગે છે એવું જ એમના લેખોનું આંતરિક આયોજન પણ ખાસ્સું શાસ્ત્ર-ચુસ્ત લાગે છે. પર્યાપ્ત સંદર્ભોથી એ પોતાની વિચારણા રજૂ કરતા જાય છે. એક પછી એક મુદ્દાઓને વિકસાવતા જાય છે. અલબત્ત, આવું આયોજન, કે બ્રોકરની લખાવટ પણ, બદ્ધ થઈ ગયેલાં નથી. શૈલીમાં શુષ્કતા કે બરડતા નથી, ઠીકઠીક પ્રવાહિતા છે. અમૂર્તતાને બદલે, દૃષ્ટાંતો ઉપયોજતી મૂર્તતા છે. ને ખાસ તો, એમનામાં વિચારોની મોકળાશ છે – ક્યારેક એમાં ઊંડાણની કે નવીનતાની ઓછપ હોય ત્યારે પણ એ ચોખ્ખા, અસંદિગ્ધ મત રૂપે ઊપસી રહે છે. ટૂંકી વાર્તાના કલાસ્વરૂપ વિશે તો, એમના સમય સુધીમાં પણ ઘણાએ લખેલું છે. તો બ્રોકર કયાંં વિશિષ્ટ કે જુદાં નિરીક્ષણો આપે છે? જ્યારે એવું કહેવાતું કે ટૂંકી વાર્તા ઝડપી ને ઉતાવળના જમાનામાં ઝટ વાંચી શકાય એવા સ્વરૂપ તરીકે ઉદ્ભવી ત્યારે બ્રોકરે એનો અસ્વીકાર કરીને કહ્યું કે, એ તો એની નકારાત્મક ને અપ્રતીતિકર ઓળખ થઈ. એ કહે છે કે ખરેખર તો, નવાં ઊભરાયેલાં અનેકવિધ સામયિકો ટૂંકી વાર્તાના ઉદ્ભવ-ઉછેર-વિકાસનું કારણ બન્યાં. એ જ વખતે પુસ્તકો રૂપે અસંખ્ય નવલકથાઓ પ્રગટ થતી (એટલે કે ‘ઉતાવળના’ જમાનામાં પણ વંચાતી) હતી જ. એક બીજું નિરીક્ષણ એમનું એ હતું કે, જીવનની અસંખ્ય નાની નાની, ક્ષુલ્લક ઘટનાઓ પણ ‘જીવનના અનેક અને વિધવિધ પ્રદેશો પર મર્મગ્રાહી પ્રકાશ નાખે છે’ એટલે આવી નાની ઘટનાઓેને ‘ટૂંકી વાર્તાની કલા સિવાય બીજી કલામાં ભાગ્યે જ સ્થાન મળી શકે.’ (પૃ. ૬). ઘટનાની આ મર્મલક્ષિતા એ પછીના વાર્તાવિવેચનમાં કેન્દ્રમાં આવતી ગઈ છે. ‘આકાર’નો ખ્યાલ ઊંચકાતો જતો હતો ત્યારે એમણે, ‘આકારના સૌંદર્યના લોભમાં, આકાર અને અંતસ્તત્ત્વ વચ્ચેનો સમન્વય, સધાતો સધાતો રહી જાય તો કૃતિ નબળી પડવાની’ (પૃ. ૧૭) – એવો વિચાર મૂક્યો તે કંઈક સ્વીકાર્ય હતો પણ પછી તરત, વિશ્વનાથ ભટ્ટનો આધાર લઈને જ્યારે તે એમ કહે છે કે, ‘આયોજનકલા, રચનાપદ્ધતિ કે નિરૂપણશૈલીને આપણે ગૌણ જ ગણવી જોઈએ’ (પૃ. ૧૭) ત્યારે બ્રોકરને રૂઢતાની દિશામાં પાછા વળતા જોઈ આશ્ચર્ય થાય છે. અલબત્ત, આ લેખ ૧૯૪૮માં લખાયો હતો. એ પછીના દાયકામાં, સુરેશ જોષીના ‘ગૃહપ્રવેશ’ની ચર્ચામાં તે વળી પાછા આકારનો મહિમા પિછાણતા થયા હોય એમ લાગે છે. ‘ગૃહપ્રવેશ’ની વાત કરતાં એમણે ઘણી સમજપૂર્વક ને સ્પષ્ટતાથી કહ્યું કે, અહીં ‘કોણ’ અને ‘શું’ ને આગળ કરતા ઘટનાવિન્યાસને સ્થાન નથી. ‘જે રીતે આખી વાત કહેવાઈ છે’ તે રસ પડે તેવી ને કલાત્મક છે. ઘટના કે પાત્ર કરતાં પણ, ‘પરિસ્થિતિના આઘાતથી સર્જાતી ભૂમિકા’ (પૃ. ૨૨૮) અહીં વાર્તાના કેન્દ્રમાં રહે છે. અલબત્ત, ‘ગૃહપ્રવેશ’ને વધાવતી વખતે પણ એની, એમને લાગેલી ઊણપને, એમણે પૂરી સ્પષ્ટતાથી મૂકી આપી છે. એમનો મુખ્ય વાંધો, ભલે રેખાઓ રૂપે આવતી પણ વાર્તામાં જે ઘટનાપરંપરા આવે છે એની અપ્રતીતિકરતા સામે છે, ને એ તેમણે કેટલીક વાર્તાઓનાં દૃષ્ટાંતો લઈને બતાવી છે પરંતુ, ‘ગૃહપ્રવેશ’ વાર્તાની ગતિની એક વ્યંજકતા બ્રોકર ચૂકી ગયા છે. વાર્તાનો નાયક, અંતે, એના મિત્રે પેલા પડછાયાને ખેંચીને પછાડ્યો એ પછી ગૃહપ્રવેશ કરે છે – એમાં બ્રોકર અપ્રતીતિકરતા જુએ છે. પણ અહીં આખીય ઘટના ચૈતસિક સ્તરે, નાયકની ઇચ્છિત વિચારશૃંખલા રૂપે રહે છે એ એમણે જોયું હોત તો એ એમને અપ્રતીતિકર ન લાગ્યું હોત. એટલે ઘટના, ભલે એના સૂક્ષ્મ સ્તરે પણ, એકદમ સુરેખ બનતી હોય એવી વાર્તા તરફ બ્રોકરનો સ્વાભાવિક પક્ષપાત રહ્યો છે. ‘વૈશાખ સુદ અગિયારસ’ એથી જ એમને સૌથી વધુ ગમેલી – આપણને સ્વીકાર્ય બને એ રીતે ગમેલી – વાર્તા છે. એમણે ઉમળકાપૂર્વક લખ્યું છે કે, એ વાર્તા ‘આ વાર્તાસંગ્રહની જ નહીં પણ આપણા વાર્તાસાહિત્યની ઉત્તમ કૃતિઓમાંની એક’ છે (પૃ. ૨૩૧). ‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓ વિશે એમનો નિષ્કર્ષ પણ વિચારણીય છે. એ કહે છે કે અહીં કેવળ પ્રયોગ જ નથી પણ એ પ્રયોગશીલતા અનેક શક્યતાઓભર્યું નવપ્રસ્થાન બની શકે છે. એથી સુરેશ જોષીને એ કહે છે કે, ‘તમે તો ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં આદરપૂર્વક ગૃહપ્રવેશ પામો છો જ.’ (પૃ. ૨૩૪) વાર્તાના કલાસ્વરૂપની ચર્ચામાં કે ગુજરાતી ટૂંકી વાર્તાની વિકાસરેખામાં – તેમજ, બીજા વિભાગમાં નાટકનાં સ્વરૂપ અને વિકાસની ચર્ચામાં – ગુલાબદાસ બ્રોકરની માહિતીસજ્જતા પણ દેખાય છે. એથી એ લેખો સુરેખ રહ્યા છે. સ્વરૂપ આદિ વિશે પ્રાથમિક અભ્યાસ કરનારને એ પર્યાપ્ત સામગ્રી આપી શક્યા છે – અલબત્ત, લેખકો અને કૃતિઓના ઉલ્લેખોની પસંદગીમાં એમનાં લાક્ષણિક વલણો પણ દેખા દેતાં રહ્યાં છે, એમના કેટલાક પ્રીતિ-પક્ષપાતો ઊપસતા રહ્યા છે. સાહિત્યની વ્યાપક વિચારણા આપતા કેટલાક લેખો – એ વિષયોની પસંદગી પણ – ધ્યાનપાત્ર છે. પી.ઈ.એન.ના ફ્રૅન્કફર્ટ સંમેલનમાં એમણે રજૂ કરેલા નિબંધ ‘Imaginative Literature in the age of Science’નું ગુજરાતી રૂપ ‘વિજ્ઞાનના યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન’ કે ‘સાહિત્ય સામેનું અર્વાચીન જગતનું આહ્વાન’ કે પછી ‘સાહિત્યનું મૂલ્યાંકન અને રાજકીય દૃષ્ટિબિંદુ’ – એવા લેખો, એમણે ચોમેર નજર ફેરવી છે એ તો બતાવે જ છે પણ એમાં એમણે કેટલાંક નોંધપાત્ર નિરીક્ષણો પણ આપ્યાં છે. અત્યારે તો સમૂહમાધ્યમોના આક્રમણે રંજકતાને લેખકની લોકપ્રિયતાની એક અનિવાર્ય શરતરૂપે સ્થાપી દીધી છે પણ આજથી અરધી સદી પૂર્વે પણ બ્રોકરે એક વાત મહત્ત્વની કરી છે કે અક્ષરજ્ઞાન વધતાં જે બહોળો લોકસમુદાય વાંચતો થયો એણે લેખકને મનોરંજનાર્થે લોકપ્રિયતાને રસ્તે ખેંચવા માંડ્યો છે એ ભયસ્થાન છે જ. (જુઓ : ‘સાહિત્ય સામે અર્વાચીન જગતનું આહ્વાન’ લેખ.) ‘અવલોકનનો અધિકાર’ નામનો લેખ બ્રોકર જેવા લેખક પાસેથી મળ્યો એ એક સુખદ આશ્ચર્ય ગણાય. એ કહે છે કે, ‘વિદ્વત્તાપૂર્ણ વિવેચનોનું તો કોઈપણ સાહિત્યમાં કાયમનું ગૌરવભર્યું સ્થાન છે’ (પૃ. ૧૮૬) ને એવાં વિવેચનો મળતાં રહે છે, પણ લોકરુચિ કેળવવા માટે, શિષ્ટ-સુંદર વાચન પ્રત્યે અભિરુચિ કેળવવા માટે પુસ્તકોનાં અવલોકનનું કાર્ય ઓછા મહત્ત્વનું નથી.’ (૧૮૬). આ સ્પષ્ટતા પછી, ખરી મુદ્દાની વાત તો એમણે એ કરી કે, આવાં વ્યાપક પુસ્તકોનાં અવલોકનો પરત્વે અધિકારી વિદ્વદ્વર્ગ ઉદાસીન છે એ બરાબર નથી. ટીકા પરત્વે લેખકો આળા હોય છે એ, અને ઉત્તમ ઘણું વાંચવાનું સામે હોય ત્યાં વ્યાપક પુસ્તકો વાંચવામાં સમય શો આપવો એ બે બાબતોને આ વિદ્વાન લેખકો આગળ ધરતા હોય છે. પણ, બ્રોકર કહે છે કે, અવલોકનકારની નિષ્ઠા અને અધિકારનો ખ્યાલ આવતાં લેખકોનું આળાપણું ઓછું થઈ શકે, ને ખાસ તો, અવલોકન એ વિવેચકનું કર્તવ્ય છે એમાંથી ચ્યુત ન થવાય. આ આખો લેખ આજે ફરી ક્યાંક પ્રગટ કરવા જેવો છે. સુરેશ જોષી અને સરોજ પાઠકના વાર્તાસંગ્રહો ઉપરાંત કોઈ આંકડિયાકર કે જગદીશ પરમારના વાર્તાસંગ્રહોની પ્રસ્તાવનાઓ એમણે લખી એમાં પ્રતિષ્ઠિત મુરબ્બીનો શુભેચ્છાભાવ તો દેખાય છે. પણ બ્રોકરે સાવ અછડતી રીતે સમીક્ષા નથી કરી, વાર્તાકૃતિઓમાંથી પસાર થઈને પોતાનાં નિરીક્ષણો પણ આપ્યાં છે. આકાશવાણી વાર્તાલાપો રૂપે એમણે એક રીતે તો સંક્ષિપ્ત અવલોકનો જ આપ્યાં છે. કૃતિપસંદગી ઘણી વ્યાપક ને ઘણી ઉચ્ચાવચતાવાળી પણ છે. એમણે ‘ગોરા’ વિશે પણ લખ્યું ને ઉમાશંકરના વિવેચનપુસ્તક ‘સમસંવેદન’ વિશે પણ લખ્યું. (આકાશવાણી વાર્તાલાપમાં વિવેચનની પસંદગી એ બ્રોકરના પેલા ‘અવલોકન-કર્તવ્ય’નું નોંધપાત્ર દૃષ્ટાંત ગણાય). આ વાર્તાલાપો ક્યારેક અછડતા લાગે. ‘ગોરા’ વિશે, ‘જૂજવાં’ (જયંતિ દલાલ) વિશે ઘણું અપર્યાપ્ત લખાણ લાગે; પરંતુ બ્રોકરે કોઈપણ અવલોકન, સરાહનારૂપ કે ટીકારૂપ નિરીક્ષણ વિનાનું જવા દીધું નથી. ‘સમસંવેદન’ની પ્રશંસા કરીનેય એમણે, ભલે પોતાના અભિપ્રાય રૂપે પણ, એટલું તો નોંધ્યું જ કે, એમાં ‘ક્યાંકક્યાંક વિગતની ચર્ચા, જરૂર મટી ગયા પછી પણ થયા કરે છે. ક્યાંકક્યાંક અનાવશ્યક અંશ પર ઝાઝો ભાર મુકાતો હોય એવું લાગે છે’ (પૃ. ૩૪૩). મોહંમદ માંકડની એક સઘન ટૂંકી નવલકથા ‘કાયર’ વિશેનું એમનું અવલોકન સારી સમીક્ષાના નમૂનારૂપ છે. બ્રોકર સામાન્ય રીતે કથાસાહિત્ય અને નાટકના ક્ષેત્રના સર્જક, ને એ ક્ષેત્રના અભ્યાસી, પણ ‘કવિતા અને પ્રણાલિકા’ નામના લેખમાં, ઉત્તમ કાવ્યપંક્તિઓને ગૂંથતી, પરંપરાની ઉત્તમ કવિતાની વાત એમણે કરી છે. એમાં એમની કાવ્યરુચિ ને કાવ્યસમજનો પ્રસન્નકર પરિચય થાય છે. ગુલાબદાસ બ્રોકરનું મુખ્ય પ્રદાન વાર્તા-એકાંકીના સર્જનના ક્ષેત્રે. વિવેચન લખ્યું એ કંઈક આપદ્ધર્મથી, કંઈક વ્યાખ્યાન-નિમંત્રણ આદિના પરિણામે. પરંતુ, એ ઉપરાંત બ્રોકર ચર્ચારસિક હતા. અનેક પદભૂમિકાએથી એમને સાહિત્યચર્ચા કરવાની આવી હતી, એમણે સામે ચાલીનેય એવી ચર્ચા ઉમળકાથી પણ તર્કશીલતાથી કરી. પરિષદના એક અધિવેશનમાં રજૂ કરેલું વક્તવ્ય ‘એક મૂંઝવણ’ એનું ઉત્તમ દૃષ્ટાંત છે. આ ચર્ચારસિકતાએ પણ એમની પાસે વિવેચન કરાવ્યું. એનું બીજું પરિણામ તે ૧૯૭૭માં પ્રગટ થયેલો ‘સાહિત્ય : તત્ત્વ અને તંત્ર’ વિવેચનસંગ્રહ. એટલે, આ બંને સંગ્રહો બ્રોકરને ગુજરાતી વિવેચનમાં એક ચર્ચારસિક, અધ્યયનશીલ વિચારક તરીકે ઉપસાવી આપે છે. વિવેચનના મુખ્ય પ્રવાહમાં એમનું કારકિર્દીપરક વિવેચનકાર્ય ચાલ્યું નથી પણ સ્પષ્ટરેખ રહેતી મોકળાશભરી વિચારણા એમણે આપી છે એથી એમનાં વિવેચનો સુવાચ્ય બન્યાં છે.

● ‘બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ ૨૦૦૯ ● ગુલાબદાસ બ્રોકર અધ્યયન ગ્રંથ, સંપા. અસ્મા માંકડ, ૨૦૧૦ – માં ગ્રંથસ્થ