ગુજરાતનો જય/૩૦. નવી ખુમારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૦. નવી ખુમારી

અનુપમાએ ધોળકામાંથી વિદાય લેતા પહેલાં જેતલબાને મળી લીધું. “કેવી સુખી છે તું!” જેતલબાએ આ વિદાયની વેદનાને દબાવતાં દબાવતાં કહ્યું: “દીકરો જુવાન, પોતે સાધુડી; ધણીને નવી એક ઢગલી ભળાવીને મોકળી થઈ ગઈ.” “આપ પણ થાવને મોકળાં!” “પૂછવા તો જા તારા રાણાને! એને તો નીવડેલ કામ છોડવું જ નથી. ફરી પરણવાનો વિનોદ પણ ખમી શકતા નથીને!” “તમે પણ ઠીક રાણાજીને વાતોનાં વાળુ કરાવીને કબજે રાખો છો, બા! કહોને કે, પોતાને જ છૂટવાનું મન નથી.” “ના રે, બાઈ! મારે તો આ હજી નાનો છે,” એમ કહીને પાસે બેઠેલા નાના કુમાર વીસળદેવને માથે હાથ મૂક્યો. એ વખતે જ અનુપમાને વીરમદેવ યાદ આવ્યા. આ વખતે તો પોતે પાટણ જઈને એને મળવાની જ હતી; મનાવી, ઠેકાણે લાવી પાછા ધોળકા ભેગા કરવાની જ હતી. પણ એનું નામ લેતા પહેલાં અનુપમાએ જેતલબાનું મોં જોયું. એ મોં પર 'આ મારે નાનો છે' એમ બોલતી વખતે જ ઝાંખપ આવી ગઈ હતી. અનુપમા જનની હોવાથી જનેતાનું હૃદય જોઈ શકી. એણે કહ્યું: “બા, પાટણમાં વીરમદેવજીને કંઈ કહેવરાવો તો ખરું?” “હા, કહેજે કે માને પેટ પાણો કાં ન પડ્યો!” "રહો રહો હવે, બા!” અનુપમાએ જેતલદેવીનાં નેત્રો પ્રથમ લાલઘૂમ અને પછી અશ્રુભીનાં બનેલાં જોઈને કહ્યું. “રહે તે કયા સુખે! કઈ ઠારકે! તારા વરને અને જેઠને કારભારું ભળાવ્યું – ભળાવ્યું શું, ગળામાં પરાણે પહેરાવ્યું – તે દિવસને હું ભૂલી નથી ગઈ. આ જ અમારા પેટનું પાપ પાડ્યું. તેણે જ એ બેય ભાઈઓનાં ભાણામાં ઝેર ભભરાવ્યું છે ના!” “એવું કંઈ નથી, બા!” “ન શું હોય?” ભોળી જેતલરાણી પોતાને ને રાણાને મંત્રીઓનાં જ સદાનાં ઓશિંગણ માનતી હતી તેથી આ ઉત્પાત એને છોડતો જ નહોતો; “કોળિયામાં તો કાંકરો જેને આવતો હોય તેને જ ખબર પડે કે કચરડાટી કેવીક બોલે છે. એ નપાવટને પાટણ મોકલ્યો તો પાટણમાં કારસ્તાન માંડ્યાં. મુલક બધો તમારા સંઘની ચરણરજ લેવામાં પુણ્ય માનતો'તો ત્યારે એ કાળમુખાએ એક જાત્રાળુ બાઈને ઉઠાવી ગેબ કરી!” અનુપમાએ પણ આ વાત સાંભળી હતી. ચોમેર બસ એ જ વાત પ્રસરી ગઈ હતી. "અમે બેઉએ તો એનું સ્નાન પણ કરી નાખ્યું છે એમ કહેજે, જો મળે તો.” રજપૂતાણીનો એ પુણ્યપ્રકોપ બોલતો હતો તેની પાછળ માતૃહૃદયના છૂપા તાર ઝણઝણતા હતા, ‘હા હા, મળજે ને સાફ કહેજે!' એ શબ્દો વારંવાર બોલાતા હતા, કેમ કે, જનેતા એટલું તો ઈચ્છતી હતી કે અનુપમા જો દીકરાને નજરે નિહાળે તો પત્રમાં કાંઈક ખરખબર તો લખી જણાવશે. “મારા બાપુને મળી લઉં?” "હા, ચાલો. પણ ખબરદાર હો, એ કાળમુખાનું નામેય ત્યાં ઉચ્ચારશો નહીં. એ નહીં રહી શકે. અને વહેમાશે કે મેં જ તને ઇશારો કર્યો હશે.” પાલવ પાથરી પ્રણામ કરતી અનુપમાને રાણા વીરધવલે આશિષ આપીને કહ્યું: “હવે તો અમે પણ ચંદ્રાવતી આવી પહોંચવાનાં.” “ભલે, બાપુ! ને ચંદ્રાવતી આપને માટે વિજયમાળા ગૂંથી જ રાખશે.” “એ તો માતાજીની મરજી.” “અંબામાની મરજી મોળી નથી, બાપુ! આપ ચિંતા કરશો નહીં.” “ચિંતા તો મને કોણ કરવા જ આપે છે! હું તો નવરાશથી જ થાકી જાઉં છું. એક કોર બાપુ ને બીજી કોર આ બે તમારા, ત્રણેએ મળીને મને તો બગાડી જ મૂક્યો છે. આમ જો ચાલશે તો તો આયુષ્ય પૂરું થતાં વાર શી લાગશે?” રાણા વીરધવલ આ રીતે પોતાના જીવનમાં જહેમતોને અને સંકટોને પૂરું સ્થાન ન મળતું હોવાનો સંતાપ પામી રહ્યા હતા. "પવન છે તો પાંદડાં હલે છે, બાપુ” અનુપમાએ કહ્યું, “કરવૈયા થવા કરતાં પ્રેરક થવાની જ બલિહારી છે.” "પ્રેરક એક વિશ્વંભર અને બીજી આ ધરણી.” એમ બોલીને રાણા ચૂપ બન્યા. અનુપમા વિદાય લેતી હતી ત્યારે લૂણસીએ આવીને માને એક છાનો કાગળ આપ્યો. એ કાગળ કુંવર વીરમદેવ પર લખેલો હતો. અંદર લખ્યું હતું કે – 

નાનપણની અણસમજણમાં આપણે એકબીજાને સંતાપ્યા છે. પણ તમે જતા રહ્યા છો તે દિવસથી પૂરું ગમતું નથી. ભલા થઈને પાછા પધારો. રેવતી તમને નહીં ચીડવે. એ તો મોટી ને ડાહી થઈ ગઈ છે. લૂણસી તમારી લાતો પણ ખમી લેશે. પાછા આવો, જેતલબાને કેવું થતું હશે તે આજે મારી બાની વિદાય વખતે મને સમજાય છે.	આ કાગળ તો વીરમદેવને જરૂર કૂણા પાડશે એવી આશા રાખીને અનુપમા પાટણ આવી ને આઘાત પામી. કુંવર વીરમદેવ આગલે દિવસે જ પાટણ છોડીને પોતાને સાસરે ચાલી નીકળ્યા હતા. રાણા લવણપ્રસાદે જ એને કહી દીધું હતું કે “આંહીં વસ્તુપાલ-તેજપાલનું કારભારું સ્થપાય છે માટે તમે જાવ, ઝાલોર તમારે સાસરે જઈ રહો. અહીં તમારા જીવની સલામતી નહીં રહે. ટાણું આવ્યે પાછા તેડાવી લેશું.” 

મંત્રી બાંધવો આમ ઇચ્છે છે એવું કહેવાને બદલે રાણા લવણપ્રસાદે જે કહ્યું તે ભયાનક હતું. વીરમદેવને મંત્રીઓ પર વધુ ને વધુ ખુન્નસ વ્યાપ્યું. વાણિયાઓ શું મને મરાવી નાખવા માગે છે! એમ! ત્યારે તો હવે હું જોઈ લઈશ. રોષ અને વેદનાનાં કેવાં આંસુઓ ખેરતો ખેરતો વીરમદેવ પોતાના પિતાની પૃથ્વીને છોડી ગયો હતો તેનું વૃત્તાંત અનુપમાએ જાણ્યું ત્યારે એ પણ પારાવાર દુભાણી. એ પાટણ હતી ત્યાં જ તેજપાલ ભૃગુકચ્છમાં સંગ્રામસિંહ પર દંડનાયક સ્થાપીને સૈન્ય સહિત પાટણ આવી પહોંચ્યો, અને કશા ભભકા વગર એણે પત્નીની ઇચ્છાથી બીજી વાર પરણી લીધું. નવાં દંપતીને ધોળકા તરફ વળાવીને અનુપમા ચંદ્રાવતી પહોંચી ત્યારે નગરીનો રંગ ગયા વખતના કરતાં ઊલટેરો જ દીપી નીકળ્યો હતો. વણિકોના છોકરાઓએ ભદ્રેશ્વર અને દેવગિરિના રાજાઓ પરના ગુર્જરવિજયનો નવો કેફ ચાખ્યો હતો. એકચક્રી શાસનની આણ નીચે તેમનાં દિલોમાં આપોઆપ ખુમારી આવી હતી. તેઓના વિચારનું મધ્યબિંદુ ચંદ્રાવતી મટી જઈને સમગ્ર ગુજરાત બન્યું હતું. નારાયણસરોવરથી નર્મદાતીર સુધી અને પ્રભાસપાટણથી ચંદ્રાવતી સુધી કોઈપણ સ્થાને ‘જય ગુજરાત’ કહી ઊભા રહી શકાય છે, એક જ ધારાધોરણોની આણ પાળવાની અનુકૂળતા છે, એક જ તોલમાપ, એક જ વિદ્યાભ્યાસ, એક જ ન્યાયતંત્ર, એક જ રક્ષપાલ અને એક જ નૃપતિનું નામ, એ તો કોઈક ન સાંભળી હોય તેવી અદ્દભુત વસ્તુ બની હતી. બે બે કોસને અંતરે કોઈ નવા સીમાડા કે નવી શાસનવ્યવસ્થા આવતી બંધ પડી હતી એ કંઈ જેવાતેવા આશ્ચર્યની વાત હતી! સેંકડો યોજન જઈએ ને ન કોઈ રોકેટોકે, કોઈ ફરી ફરી દાણ કે જકાત ન લે, કોઈ પોટલાં ન વીંખાવે કે કોઈ હૂડ હૂડે ન કરે, એ અનુભવ નવી પેઢીને અદ્ભુત ચેતનકારી લાગ્યો. ઠેર ઠેર ગુર્જર અશ્વારોહીઓ ને પદાતિઓ એક જ ગણવેશમાં મળતા હોય, પાંચસો ગાઉને અંતરે પણ એક જ પ્રકારની નોબતો ગુંજતી હોય ને નેકી પોકારાતી હોય, ઘોડા ખેલતા હોય ને ગજરાજો ડોલતા હોય, શંખો ફુકાતા હોય ને નિશાનો ઘોરતાં હોય, તેનું નામ એકચક્રી શાસનઃ તે શાસનની ગુજરાતમાં કેટલે વર્ષે પુન:પ્રતિષ્ઠા! ચંદ્રાવતીથી પાટણ આવતાં જેમણે જુદાપણાનાં જ પ્રત્યેક ચિહ્ન જોયાં હતાં અને મહીતટે ગોધ્રકમાં કે લાટમાં તો જવાનું જેમણે સ્વપ્ન પણ સેવ્યું નહોતું તેવા ચંદ્રાવતીનાં બાળકોએ આજે યૌવનમાં પ્રવેશ કરતાં તો નવું નવું - ચોમેર નવું નવું ને નેત્રો ઠારતું એકરાષ્ટ્રત્વ નિહાળ્યું. ચંદ્રાવતીના તરુણો છેક ભદ્રેશ્વર ગોધ્રકમાં નોકરીની નિમણૂકો પામવા લાગ્યા. ચંદ્રાવતીના નવયુવકોએ ખંભાતને બારે જઈ પેઢીઓ ખોલી અને વામનસ્થલી સુધી વણરૂંધી વણજારો ચલાવી. ચંદ્રાવતીને ઘેર ઘેર જેમ આરસ હતો, તેમ ઘેર ઘેર હણહણતા ઘોડલા બંધાયા હતા. ફુમકિયાળા સાજે સજાતા એ અશ્વો પર રાંગ વાળતા ચંદ્રાવતીના યુવકોને ઘોડે ચડવા માટે ચોતરા કે ટેકાની જરૂર રહી નહોતી. કેશવાળી ઝાલીને કાયાને ઉછાળો લેવરાવતા ઝબ દેતા ઘોડલાંની પીઠ પર પલાણી બેસતા. ચંદ્રાવતીની પનિહારીઓ પોતપોતાના મનગમતા વરને કે પરણેલા કંથને અશ્વ પર ચડી ધનુર્વિદ્યા સાધતો નિહાળવાનું મળે તો સવારથી સાંજ સુધી બેડાં ખેંચવાનું પસંદ કરતી. ચંદ્રાવતીનો શરાફ પાલિતાણે હૂંડી લખતો તેમાં 'જય ગુજરાત' લખી સહી કરતો. એકચક્રી શાસનથી સાંપડેલી આ એકતા કોઈએ પ્રબોધી કે પડો વજડાવી સંભળાવી નહોતી, ભિન્નતા સાથે સરખાવી દેખાડી નહોતી, કોઈએ ક્યાંય લખી કે વાંચી નહોતી. એ તો સર્વેએ વાયુમંડલમાંથી પીધી હતી, મૌનને મનોમંદિરે આરાધી હતી, નયનોની ચકચૂર ખુમારીથી વ્યક્ત કરી હતી. આવી ચંદ્રાવતીમાં પ્રવેશતાં જ અનુપમાને હવા બદલી ગઈ લાગી. એવી નગરીમાં અનુપમાનો વસવાટ નાનામોટા સર્વના માનવમધપૂડા સરીખો બની ગયો. અનુપમા આબુ પર ગઈ, ધારાવર્ષદેવને પ્રણમી. ચંદ્રાવતીની મૂંગી પ્રેરણામૂર્તિને પાછી આવેલી નિહાળી બુઢ્ઢા ક્ષત્રિયની દાઢીના રૂપેરી કાતરા ગર્વે ને ગૌરવે ફરફરી ઊઠ્યા. “જય ગુજરાત, બાપુ!” અનુપમાએ નવો નમસ્કાર વાપર્યો. “જય ગુજરાત, બેટા! જય શંભુ! જય અંબા! ભલે આવી, મારે તારી જરૂર હતી.” પરમારદેવે આદર આપ્યો. અનુપમાની આંખો સોમ પરમારને શોધતી હતી. સોમ ક્યાંય દેખાતો નહોતો. અનુપમા આવે ને સોમ સામો ન દોડ્યો જાય એ વાત વિસ્મયકારી હતી. એણે ધારાવર્ષદેવને પૂછ્યું. વૃદ્ધ ઘડીક ખચકાઈને પછી નેત્રો નીચે ઢાળીને કહ્યું: “સોમ તો મોં સંતાડવા જેવું કરી બેઠો છે, બેટા! અને અમારી તો સર્વની સ્થિતિને એણે સાંપટમાં મૂકી છે. અમે મહિનાઓથી વિમાસીને બેઠા છીએ.”, “એવું શું છે?” અનુપમા કશી જ કલ્પના ચલાવી ન શકી. “તારા સંઘમાંથી વળતાં સોમ એક પરાક્રમ કરી આવ્યો હતો. એક સ્ત્રીને સાંઢણી પર લાવ્યો હતો. એટલું જ હોત તો તો ઠીક હતું, પણ બડો નાદાન બની ગયો હતો.” "સ્ત્રીને! અમારા સંઘમાંથી!” અનુપમાના કાન ચમક્યા. “હા, અને એ પણ પુરુષવેશે! સોમની યુવાન આંખોમાં એણે અભૂતતાનું અંજન આંજયું હતું, અને પોતે તારા જેઠે અપહરેલી દુખિયારી ક્ષત્રિય કન્યા છે એવું ભંભેરીને એ સ્ત્રીએ સોમને પોતાના પર જીવન ન્યોછાવર થવા ભોળવ્યો હતો. છોકરો બાપડો જૂના જુગની વીરકથાઓની દુનિયાને સાચી માની લઈ પોતે પણ કોઈ સંતાપિત સુંદરીનો તારણહાર બની ગયો હોય એવા તોરમાં ચડી ગયો.” "પછી?” અનુપમાં હેબત પામતી પામતી કથાના અંત પર આવવા ઉત્સુક હતી. એના મનમાં સોમનો પ્રશ્ન નહોતો, વીરમદેવનો પ્રશ્ન હતો. “પછી તો –” પરમારદેવ યૌવનની ઘેલછા પર દયામિશ્રિત સ્મિત વેરતા આગળ વધ્યાઃ “સોમે આ નિરાધાર માનેલી સ્વપ્નસુંદરીને અમારાથી સૌથી છૂપો ગઢમાં પ્રવેશ કરાવ્યો, મલાજામાં ગુપ્તપણે રાખી, એની માને જઈ એની ઘેલી વાતો કરી, અને મારા સુધી સમાચાર પહોંચાડ્યા. મેં સોમનું સ્વપ્ન ભાંગી નાખવાની ઉતાવળ ન કરી છતાં હું સમજતો હતો કે આ જિંદગી અને પેલી અલૌકિક રૂપકથાઓની સૃષ્ટિ, એ બેઉ વચ્ચે કશો જ મેળ કે સંબંધ નથી હોતો. મેં કહાવ્યું કે સુખેથી સોમ લગ્ન કરે, પણ છ મહિના એ કન્યાને આંહીં રાખીને જોઈ લે કે એનું અંતર આંહીં પહાડોમાં આપણાં કઠોર લૂખા ક્ષત્રીજીવનમાં ઠરે છે ખરું? "પછી એક દિવસ સોમનો પિત્તો બદલી ગયો. આખા દુર્ગ પર સોમે દોટાદોટ કરીને ચોકીઓ ગોઠવી. અને મારી પાસે આવી ધ્રુસકે રોતો પોકારી ઊઠ્યો કે ‘કાવતરું છે, કાવતરું છે, સાવધાન થજો, બાપ!” શું હતું તેની ખબર મને તો પછી પડી, કે એ નિરાધાર કન્યા નિરાધાર પણ નહોતી કે કન્યા પણ નહોતી. એને તો દિલ્હીપતિ મોજુદ્દીન જેવો મોટો આધાર હતો અને એ તો ગુણિકા હતી. એણે સોમ પાસેથી આબુગઢના શસ્ત્રભંડારો અને ચોકીઓ થાણાંઓ જાણી લીધાં હતાં. કેમ કે અસૂરે ટાણે સોમ એને ઘોડે ચડાવી પહાડો પર ફરવા લઈ જતો હતો. એક દિવસ એ ભાગવાની તૈયારી કરતી પકડાઈ, એની પાસેથી આપણા નકશા પકડાયા. સોમની આંખો ફાટી ગઈ. એને સોમે ચોટલે ઝાલી ત્યારે એણે સોમનું બીજું અપમાન કર્યું. ગુજરાતને દગો દઈને પરમારો જો તુરક-ફોજને આંહીં પ્રવેશવા આપે તો પોતે પરમારોને ગુર્જરપતિ બનાવી શકે તેવી સ્થિતિની ખાતરી કરાવી. એ બાબતે સોમના મોતિયા સાવ મારી નાખ્યા. આખા આબુને ફેંકી દઈ ઉરાડી મૂકે તેવી જાણે કે ભયંકર સુરંગની આ સળગતી જામગરીની અમને છેલ્લી ઘડીએ ભાળ મળી. આ તે દિવસથી સોમનું રુદન સુકાતું નથી. એ પોતાને કલંકિત, જીવનભ્રષ્ટ ગણી પ્રાણત્યાગ કરવા તલસે છે. અમે એક તરફથી એના ઉપર અને બીજી બાજુ પેલી વિષધરી નાગણ ઉપર દિવસરાત ચોકી ભરીએ છીએ. નીંદર જેવું કાંઈ રહ્યું નથી.” “મને એ બાઈ પાસે લઈ જશો?” અનુપમાં હજી પણ સોમને બદલે વીરમદેવના જ વિચારોમાં ઘૂમતી હતી. અંધારિયા અને છૂપા એક ભોંયરામાં સગવડોવાળું, રૂપાળું ચોખુંફૂલ ઘર હતું. દ્વાર પર જેમની ચોકી હતી તે ક્ષત્રિયો પણ હજારોમાં એકાદ જેવા જડે તેવા ખાનદાન અને વિભૂતિમાન હતા. આખા આબુરાજની પવિત્રતા તેમના ચહેરા પર આવીને બેઠી હતી. એ બહારની ચોકીની અંદર સ્ત્રીઓની ચોકી હતી. ચોકીના જાપ્તા વચ્ચે એક યુવાન સ્ત્રી બેઠી હતી. "આ જ એ.” પરમારદેવે કહ્યું. પછી બેઉ બહાર આવ્યાં. “આને તો મેં જોઈ છે.” ચકિત બનેલી અને ફાળ ખાધેલી અનુપમાએ એ યુવતીને ધારીને નિહાળી. એની પાસે પરમારદેવે મેના-પોપટનાં પીંજરાં મુકાવ્યાં હતાં. પક્ષીઓને એ સ્ત્રી રમાડતી હતી. "આ તો સંઘમાં હતાં.” અનુપમાને યાદ આવ્યું. “પતિનું મરણ સાંભળી ઘેર જવા સંઘથી જુદાં પડેલાં તે તો નહીં? આ તો કુમાર વીરમદેવે અપહરેલાં તે નહીં?” ધારાવર્ષદેવે ચિતાભેર કહ્યું: “વીરમદેવે કોઈક સ્ત્રીને સતાવી છે એમ તો આ બાઈના કહેવાથી જ સોમ ભોળવાયો હતો, પણ પછી તો એ સ્ત્રીએ તારા જેઠનું નામ પણ મેળવ્યું, અને સોમના બધા સંસ્કાર પર દુષ્ટ સંદેહનું ઢાંકણ ઢાંકી દીધું.” “આપે મંત્રીજીને ખબર નથી કર્યા?” “ના.” "બહુ બૂરી થઈ.” અનુપમાએ ભય અનુભવ્યોઃ “આ બાઈને પ્રતાપે તો કુંવર વીરમદેવે પાટણ છોડ્યું છે અને ગુજરાતને રોળી નાખવાનો નિશ્ચય કર્યો છે!” અનુપમાનું મન વીરમદેવની પાછળ દોડી રહ્યું હતું. એ અનાડી અનાચારી કુંવરના પુનરુદ્ધારની સર્વ આશાઓ ધૂળ મળી હતી. આ સ્ત્રીએ ફેલાવેલી ગેરસમજણ ભાવિ ગુજરાતની વિષવેલડી બની ગઈ હતી. એક માણસની માણસાઈ છેલ્લે પાટલે બેઠી હતી. પાટણ-ધોળકાના દૂરના ભવિષ્ય ઉપર અનુપમાએ વીરમદેવના વૈરની છાયા ઢળતી દીઠી. શરમાતા ધારાવર્ષદેવે પૂછ્યું: “હવે શું કરીશું?” “તાકીદે મંત્રીજીને ખબર મોકલી દઈએ, બાપુ, અને આને આપે સાચવી છે તેવી જ માનભરી રીતે સાચવીએ. પણ આ તો તંબોળી નાગણ છે, બાપુ!” "પરમારોને તો બેટા, નાગના કરંડિયા જ સાચવવાના છેના!” વસ્તુપાલને અનુપમાએ પત્ર મોકલી વિગતે વાકેફ કર્યા, અને તેના જવાબમાં મંત્રીએ ટૂંકી સૂચના લખી કે 'એને બને તેટલી કોમળતાથી જાળવી રાખજો. અનુપમાએ એને મળતાહળતા રહી એનું મન હુલાવ્યે-ફુલાવ્યે રાખવાનું છે.'