ગુજરાતનો જય/૨૯. જૈસે કો તૈસા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૯. જૈસે કો તૈસા!

સાંજ પડી ગઈ હતી. ઘરમાં બેઠેલા સોમેશ્વરદેવના હાથમાં લેખણ અને પાનાં થંભ્યાં હતાં. બાજઠ પરના બળતા દીવા સામે એની આંખો ફાટી રહી હતી. લખેલાં સાહિત્યપાનાંને ચાટી જવા પોતાની શિખા-જીભ લાંબી કરતો દીવો પવનમાં માથું ઘુમાવતો હતો. પાઠશાળામાં શિષ્યોનું વૃંદ ચૂપ બેઠું હતું. કોઈ કોઈને કશું પૂછી પણ શકતા નહોતા. બહારના લોકો આવતા હતા અને શું થયું, શી વાત હતી, સાચી બાબત શી છે, એવું એવું પૂછીને સોમેશ્વરના અંતરની આગમાં આશ્વાસનનું ઘી હોમતા હતા. દિમૂઢ ગુરુદેવ કોઈને કશો જવાબ દેતા ન હતા. આશ્વાસકો વધી પડ્યા. રેવતી બહાર આવી. દ્વાર પર ઊભી રહીને એણે હિંમત રાખીને સૌને પાછા વાળ્યા. પાછી ન વાળી શકી એક પોતાની બાને. “આ તે શું થવા બેઠું છે?” બોલતાં બોલતાં રેવતીની બા સોમેશ્વરદેવના સૂનમૂન દેહ પાસે આવી બેઠાં અને પતિના શરીર પર હાથ ફેરવતાં બોલ્યા: “અરે ૨! કાયા તો જો કાયા, પડછંદી જેવી કાયા એક દા'ડામાં તો કેવી સુકાઈને ચામડું થઈ ગઈ!” સોમેશ્વરદેવની જીભ ચૂપ હતી. એનું મન જાણે મૂર્છામાં પડી ગયું હતું. “હેં – પણ તમે મને કહો તો ખરા, કોઈને નહીં કહું – હું મરું, મને એકલીને તો કહો સાચી વાત, ઈવડા ઈ શ્લોકો તમારા નથી?” સ્વામી એવો પ્રશ્ન સાંભળીને સળગતો હતો. એની જીભ પર જવાબ ન હતો. "ના, ના, પણ હું – સાચું જે હોય તે કહી દેવામાં આપણું શું જાય છે? સાચું નહીં કહો તો રાજની ચાકરી જશે, રાજનો આશરો જશે. એમ થશે તો આપણે કરશું શું? તમે તે ઉડાઉ ઓછા હતા! અક્કેક શ્લોકના લાખ લાખ દ્રમ્મની બક્ષિસો મળી તેય વગરવિચારી બસ લૂંટાવી દીધી, જે આવ્યો તેને દઈ જ દીધી, પણ હવે આ રેવતી મોટી થઈ તેના વીવાનું શું કરશું? આપણે બે જણ નભશું શી રીતે? રેવતીનો વીવા...” પત્નીના બોલ સોમેશ્વરને દઝાડતા હતા. પોતાના વિદ્યા જીવનનો એકનો એક ગર્વ – પોતાને મળેલાં પારિતોષિકોની શિષ્યોમાં મોકળે હાથે વહેંચણી – એને પણ નાદાન પત્ની અપમાનિત કરી રહી હતી. પોતાની દરિદ્રતાનું ગૌરવ ટુકડા થતું હતું. પણ એથી વધુ અપમાન તો પુત્રીનું થતું હતું. સરસ્વતીમંદિરના બાજુના જ ખંડમાં રેવતી હતી. એ પિતાના આ એકસો આઠ શ્લોકોની રચનાની મૂળ કાચી, પ્રતનાં વેરણછેરણ પાનાં ગોતી એકઠાં કરી રહી હતી. એને કાને બાના નાદાન બોલ અથડાયા. પિતાના શરીર પર ઊતરેલી કન્યા ઊંચી, પાતળી અને ગૌર ગૌર શરીરવાળી હતી. એનું મોં તપી ગયું. એ કોને કહે કે મારા વિવાહની વાત બંધ કરો! બા તો લપ્પી હતાં. દર્પભરી રેવતી હોઠ કરડી રહી. કોઈકની છાયા પડી, કોઈકે એ ખંડમાં હળવે પગલે પ્રવેશ કર્યો અને રેવતીના કામમાં વિક્ષેપ નાખ્યા વગર એ ઊભો ઊભો રેવતીનાં બંને પડખાંના મરોડને, પાલવના ઢળાવને, કાન પર ઝૂલતી લટોને, સ્વપ્નભરી આંખે જોતો હતો. એ શિલ્પી શોભનદેવ હતો. સંઘની સાથે પોતે ધોળકા પાછો વળ્યો હતો. અનુપમાદેવીની સાથે એને ચંદ્રાવતી જવાનું હતું. સંઘમાં માશી સાથે ગયેલી રેવતી શોભનદેવની શિલ્પકલાના ચાળા પાડતી અને ચીડવતી. શોભનદેવને એમાં સુખ મળતું. કારણ કે વખાણનારા સૌ મળતા, બેકદર બેવકૂફો પણ ઘણા હતા, વણસમજ્યે માત્ર 'સુંદર છે' કહીને પોતાની સૌંદર્યપારખુ શક્તિનું પ્રદર્શન કરનારા પણ કંઈક વેપારીઓનો શોભનદેવને સંઘમાં ભેટો થયો હતો; પણ પોતાની પ્રતિમાઓના દેહમરોડોના ચાંડિયા પાડી નારી-દેહનું વિરલ દાક્ષિણ્ય દાખવનારી રેવતીની વિનોદભરી કળાસમજ પર શોભનદેવ મુગ્ધ હતો. કેટલીય સંધ્યાએ એણે રેવતીને શત્રુંજયગિરનારના શિખરો પર અને પ્રભાસને સિંધુતીરે બંકી છટા સાથે ઊભેલી જોઈ જોઈ, આબુ પર નવા બાંધવાના મંદિરની માનવપૂતળીઓની કલ્પના તૈયાર કરી હતી. "પિતાજી પાસે જઈ બેસશો?” રેવતીએ પહેલી જ વાર શોભનદેવને કરગરતે સ્વરે કહ્યું. અપમાનિત ભવ્યતાની હૃદય-જ્યોત જેવી રેવતી શોભનદેવને અપૂર્વ લાગી. એ જઈને સોમેશ્વરદેવના ખંડની બહાર ઉંબર પાસે અબોલ બેઠો. એ એક જ આશ્વાસક શબ્દહીન હતો. સોમેશ્વરદેવે પત્નીના ચાલ્યા ગયા પછી એને પાસે બોલાવ્યો: “શિલ્પી! આવો અંદર.” શોભનદેવ અંદર જઈને ઊભો રહ્યો. "રેવતી, બેટા,” સોમેશ્વરદેવે સાદ પાડ્યો: “આબુના ચૈત્યમાં કોતરવાની, ડભોઈના દુર્ગ-દ્વાર પર મૂકવાની, મેં રચેલી જે કોઈ પ્રશસ્તિઓ હોય તે બધી જ આંહીં લાવ.” “એ જ શોધું છું, બાપુજી!” રેવતીએ કહ્યું. પણ પોતે જાણતી હતી. પિતા એ બધી રચનાઓને ભસ્મ કરવા મગાવે છે! એણે શોધ લંબાવ્યે જ રાખી. “શોભનદેવ.” સોમેશ્વરદેવે કહ્યું, “તમે કેમ મને આશ્વાસન આપતા નથી?” મૂંગો ને મધુરો શિલ્પી સહજ જે હસ્યો તેનો જાણે કે ઓરડામાં ઉજાસ પડ્યો. “હું બીજું તો બધું જ બાળી દઈશ, શોભનદેવ;” સોમેશ્વરદેવે ગદ્ગદ સ્વરે કહ્યું, “પણ મારી એક કૃતિને – મારી રેવતીને શી રીતે નષ્ટ કરી શકીશ?” શોભનદેવના હોઠ પર 'હું સાચવીશ' એ શબ્દો આવીને પાછા વળી ગયા. એણે ફક્ત એટલું જ કહ્યું: “હું પાષાણનો શિલ્પી છું, તેમ આપ શબ્દના શિલ્પી છો. વેદના તો આપણી શિલ્પીની જનની છે, દેવ! આપને આ ઉકળાટ શોભે?” “રેવતી” સોમેશ્વરદેવ ઘડીએ ઘડીએ પૂછતા હતા, "જો તો ખરી બેટા, મંત્રીકાકા ક્યાંય આવે છે? જોને સિદ્ધેશ્વરને શિખરે ચડીને!” "આવે છે, બાપુજી!” રેવતી દિલાસો દેતી હતી. રાત પડી. વસ્તુપાલ ખંભાતથી આવી પહોંચ્યા. સભામાં બનેલી વાત અને સોમેશ્વરદેવની આત્મહત્યાની તૈયારી જાણી. છાનામાના મિત્રને ઘેર ગયા. અને જઈને પહલું પ્રથમ તો ખડખડાટ એક મોટું હાસ્ય કર્યું ને પછી કહ્યું, “અલ્યા બામણા! કાંઈક શરમા હવે, શરમા શીદ બાયડીના ને છોકરીના શ્વાસ ઊંચા કરતો બેઠો છે! મરી જવું છે, એમ ને લે, મરી જા. એટલે વગર ચોરીએ સદાકાળનો ચોર ઠરીને સેંકડો વર્ષો સુધી ઇતિહાસનો ફિટકાર પામતો રહેજે!” “જીવીને શું કરું?” સોમેશ્વરને સાચું પૂછવા ઠેકાણું જડ્યું. “સંગ્રામ કર અમારી જેમ, શું કરે શું બીજું? સાહિત્યને શું ઉનો, ફળફળતા, ઝટ ગળે ઊતરી જનારો શીરો જ સમજી બેઠો છે! હાથે કરીને શાહુકાર મટી ચોર ઠરવા બેઠો છે?” "ભાઈ, મારી શાહુકારી હું શી રીતે સાબિત કરું? હું કોને, રાણાજીને ઉજ્જૈન ખાતરી કરવા મોકલું?” “ઉજ્જૈન ઉજ્જૈન કરો મા, મહારાજા આવશે ઉજેણીવાળા આંહીં જો ગરજ હશે તો! ઊઠો, કંઈક શરમાઓ. આઠ દાડાની મહેતલ માગું . પછી જોઈએ તો બળી મરજો, હું જ ચિતા ખડકી આપીશ.” “આપ શું કરશો?” "એણે – એ હરિહરે શું કર્યું છે?” “મારો દ્વેષ કર્યો છે, મારા શ્લોકોનું ગમે તે રસ્તે અપહરણ કર્યું છે.” "છે તો શબ્દેશબ્દ તારી જ કૃતિને? ચોરી હોય તો કહી દેજે, તો એનોય રસ્તો કાઢતાં મને આવડે છે.” “સિદ્ધેશ્વરની આણ, મેં ઉજ્જૈન જોયું પણ નથી.” "ત્યારે તો એણે ટોડો જ ફેંક્યો છે એ નક્કી કે?” “સંપૂર્ણ સત્ય.” “ઊઠ ત્યારે, જઈને ઊંઘી જા નિરાંતે. જો પેલી ગોરાણી પડી પડી લોચતી હશે. ક્યાં ગયાં ભાભી? પડ્યાં છો શું? આ રઢિયાળાને લલાટે ચંદન પૂરો, પગે ઘી ઘસો, માથે તેલનું મર્દન કરો, એ રોતલની ભેગાં રોવા શું બેઠાં છો? પ્રભાત તો પડવા દો.” પ્રભાત પડ્યું ત્યારથી સાંજ સુધીમાં મંત્રીએ હરિહર પંડિતની સામે સરભરાનાં પુષ્પો પાથરી દીધાં. પારિતોષિકોના ઢગેઢગ હરિહર પંડિતના ખોળામાં ખડક્યા, અને એકાંતે જઈ વાત કરી: “આપ ખરું કહો છો, ધોળકા તેર વર્ષનું ટીપડું છે. અને તેમાં પાછા અમને સોમેશ્વર જેવા જરા બોદા માણસ મળી ગયા છે.” “માણસોનો ક્યાં તોટો છે, મંત્રીજી!” હરિહર પંડિતે સોમેશ્વરદેવની તોછડાઈ પર પૂરી દાઝ ઉતારી. "હું તો આપના કોઈ પ્રતિનિધિને આંહીં ખાતે મેળવવાની કૃપા યાચું છું.” “એ પણ થઈ રહેશે.” “હાલ તો તુરત આપ અહીં ઠેરો.” “મારે સોમનાથ સુધી જઈ આવવું છે.” "શંભુની કૃપાથી આપની એ યાત્રાનો ભાર રાજ્ય જ ઉપાડશે. પણ કોઈરીતે પાછા પધારીને અહીંના સંસ્કાર સુધારી આપો. અમે તો ઠગાઈ રહ્યા છીએ. હમણાં કોઈ નવી રચના કરી છે આપે?” “હા, નૈષધકાવ્ય કર્યું છે.” “તે તો શ્રીહર્ષનું છે ને?” "તે તો છે, પણ આ તો મારું નવું સ્વતંત્ર છે.” "ત્યારે તો શ્રીહર્ષનાને ટક્કર મારે તેવું હશે. કંઈક સંભળાવવા કૃપા કરશો?” હરિહર પંડિતે થોડા શ્લોકો સંભળાવ્યા. ઊઠતાં ઊઠતાં મંત્રીએ કહ્યું: “આજે તો ઊંઘ નહીં આવે.” “કેમ?” “આ કાવ્ય પૂરું જોઈ ગયા વગર.” "તો સાથે લઈ જાઓ.” “તો કૃપા! સવારે પાછું કરીશ.” “કાંઈ હરકત નહીં.” એ આખી રાત પાંચેક લહિયાઓ અને મંત્રી પોતે ઊંઘ્યા નહોતા. દીવીઓ ઓલવાઈ નહોતી. પ્રભાત થયું ત્યાં તો એ કાવ્યની નવી એક નકલ તૈયાર થઈ ગઈ. મંત્રીએ સૂચના આપીઃ “દો હવે એ પત્તાંને ધુમાડો. પછી રગદોળો ધૂળમાં, ને પછી બાંધી વાળો મેલા કોઈક કિનખાબમાં.” એવી રીતે તૈયાર થયેલી એ નૈષધકાવ્યની નકલ તુરત મંત્રીના ખંભાતના ગ્રંથભંડારમાં મુકાવાને માટે ચાલી ગઈ. પ્રભાતે મૂળ નૈષધકાવ્ય પાછું હરિહર પંડિતને સોંપતાં વસ્તુપાલે કહ્યું: “આ કાવ્ય આપે કોઈ સભામાં સંભળાવ્યું છે?” “ક્યાંય નહીં.” “તો ધોળકાને જ એ ગૌરવ લેવા દેશો?” “જેવી ધોળકાની શક્તિ!” પંડિતનું લાલચુ મન ડોકિયાં કરી રહ્યું. “આપને અસંતોષ નહીં રહેવા દઉં.” પ્રભાતની રાજસભામાં એ કાવ્ય વંચાયું. અને પછી મંત્રીએ સભાજનોને સંભળાવ્યું: “આવી કૃતિઓ જ પ્રજાના સંસ્કારને ઘડે છે. આપણે કૂવાના દેડકાં જેવા છીએ. શક્તિ નહીં એટલે ચોરીઓ કરી કરી શોભીએ છીએ.” હરિહરના પાંચસો ચેલાઓએ ગર્વની ઘોષણા કરી અને રાણા પાસેથી વસ્તુપાલે પંડિતને મોટું પારિતોષિક અપાવ્યું. બે દિવસ જવા દઈને મંત્રી હરિહર પંડિતને ખંભાત લઈ ગયા. આંખોને આંજી નાખે તેવા સત્કારનો સમારંભ કરાવ્યો. પોતાના પુસ્તકભંડારમાં લીધા ને પછી કહ્યું: “આપના નૈષધકાવ્યના શ્લોકો કેમ જાણે મેં પૂર્વે ક્યાંઈક વાંચ્યા હોય તેવા કંઈક ભણકારા વાગ્યા કરે છે.” "સારું જોઈને તો એવા ભણકારા વાગે જ ને, મહારાજ! એ તો આપણી પ્રગતિ કરવાની નિશાની છે.” "હા, એ ખરું. જુઓને, અમારો સોમેશ્વર આમ તો બાપડો ચોખ્ખો છે, પણ હવે પેલા શ્લોકો ક્યાંક વાંચેલા તે પોતાના જ છે એવી ભ્રમણા એને રહી ગઈ છે.” “એક રીતે તો એ ભ્રમણા પણ પ્રગતિશીલતા જ છેના!” પુસ્તક ભંડારમાં ફરતાંફરતાં અને બરાબર એ જ ઠેકાણે આવ્યા કે જ્યાં નૈષધકાવ્યની નવી પ્રત પરમ પ્રાચીન બનીને મુકાઈ હતી. "ઓહો! આ રહ્યું નૈષધકાવ્ય. આ કોનું?” મોટું નામ વાંચી, દોરી ઉખેળી મંત્રીએ પુસ્તક વાંચવા માંડ્યું. સાંભળતાં જ હરિહર પંડિત ચોંક્યા. વાઢો તોય લોહી ન નીકળે! “મને થતું જ હતું કે મારા વાંચવામાં ક્યાંઈક આવેલ છે.” મંત્રીએ ડામ પર ડામ દેવા માંડ્યા, “પણ આપ જેવા સજ્જનને કંઈ કહેવાય? આ તો વળી અચાનક નીકળી પડ્યું. આ તો સારું થયું કે આપણને આંહીં જડ્યું. આપણા બે સિવાય કોઈને ખબર નથી એ સદ્ભાગ્ય છે, પણ સોમેશ્વર જાણે તો વૈર જ વાળેને?” "આપે – આપે – આપે ઊઠીને મારી કૃતિ –” હરિહર કાંઈ વધુ બોલે તે પૂર્વે તો મંત્રીએ હસીને કહ્યું: “ચોરી! ધરાર ચોરી.” "આપ જેવા –” "મારા જેવો તો આ ગુજરાતમાં બીજો કોઈ શઠ નથી, એ હું કબૂલ કરું છું, મહારાજ!” “આપ તો વિદ્યાના આશ્રયદાતા છો.” "હા, અને કુવિદ્યાનો પણ.” "મારી કુવિદ્યા?” "ન હોય તો કહો કે સોમેશ્વરના શ્લોકો એ કોની ચોરી છે? આપની કે એની?” “મારી નહીં, સરસ્વતીદેવીની.” “એ બાપડીને કાં વગોવો?” “એણે મને શીધ્ર સ્મરણશક્તિનું વરદાન દીધું છે. એક વાર જે સાંભળું છું તે સ્મરણમાં રહી જાય છે.” “એવી સરસ્વતી-કૃપા આવાં તરકટો કરી વૈર વાળવા માટે મળી છે?” “હવે ક્ષમા કરો. મને છોડો.” "પણ સોમેશ્વરદેવને કોણ છોડાવશે? પધારો પાછા ધોળકે, ને એ જ ભરસભામાં મારા ભોળિયા રાણાને, પ્રજાને, પંડિતોને, સર્વને ખાતરી કરાવો, નહીંતર ભારતવર્ષની એકેય રાજસભામાં ઊભવાનું સ્થાન નહીં રહે તેવું કરી બતાવીશ.” વળતે દિવસે ધોળકાની રાજસભામાં અગાઉ નહોતી તેટલી મોટી મેદનીએ હાજરી આપી. હરિહર પંડિતે રાણા વીરધવલ આગળ પોતાની અદ્ભુત યાદશક્તિના જોરથી ઊભા કરેલા આળનો આ પ્રમાણે એકરાર કર્યો. “નદીકાંઠે મેં સરસ્વતીનો મંત્ર સાધેલો હતો. એના હોમકાળે સરસ્વતી પ્રત્યક્ષ થયાં, “માગ માગ’ કહ્યું. મેં માગ્યું કે, એકસામટાં એકસો ને આઠ ઋચા, શ્લોક, કાવ્ય કે વસ્તુ બીજો કોઈ બોલી જાય તે હું ધારી શકું. મા સરસ્વતીએ તથાસ્તુ કીધું. તેના સામર્થ્યથી જ મેં સોમેશ્વરદેવના શ્લોકો યાદ રાખી લઈને તેમને ચોર ઠરાવ્યા હતા. એ શ્લોકો તદ્દન સ્વતંત્ર છે.” "ઘણું સારું! ઘણો આનંદ થયો!” રાણા વીરધવલને હર્ષાવેશ આવી ગયો. “એમ તે કંઈ હોય, બાપુ!” કહેતા વસ્તુપાલ ઊભા થયા. "હવે તો એ વાતની પૂરી પરીક્ષા થવી જોઈએ. હરિહર પંડિતના સંરસ્વતી-વરદાનનું સાચજૂઠ સાબિત કરવું પડશે. તે પૂર્વે આપણા રાજગુરુ સોમેશ્વર નિર્દોષ નહીં ઠરી શકે.” "તો આપ કોઈપણ એકસો આઠ શ્લોકો સંભળાવો.” હરિહર પંડિત આહવાન આપ્યું. સત્ય સિદ્ધ થયું, સોમેશ્વરદેવને માનપાનથી તેડાવવામાં આવ્યા, હરિહર પંડિત એને પગે પડ્યા, સોમેશ્વરદેવ હરિહરને ભેટી પડ્યા. "લો આ, ને મનેય ક્ષમા કરજો.” એમ કહેતા વસ્તુપાલે હરિહર પંડિતને ઉતારે જઈ પોતે કરેલી તે નૈષધચરિતની નકલ ભળાવી અને સંપૂર્ણ માનદક્ષિણા સહિત સોમનાથ તરફ વળાવ્યા. પણ હરિહરના પરાજયથી વસ્તુપાલને મન વાત પતી નહોતી ગઈ. “આટલી મોટી ધાપ મારી શકાય છે! સાહિત્યકારો શું આટલી સહેલાઈથી લોકોની આંખોમાં ધૂળ નાખી શકે?” વિચારતા વિચારતા એ સોમેશ્વરદેવને મળ્યા. પૂછ્યું, “આનું કારણ શું છે?” "એનું કારણ પારકી વિદ્યા પ્રત્યે વધુ પડતો મોહ! આંહીંનો પ્રત્યેક વિદ્યાપ્રેમી ઉજ્જૈન અને અવન્તી, વારાણસી અને ગૌડદેશ તરફ જ ડોકી ઊંચી કરે છે. અને ત્યાંથી આવતી ગાથાઓની પૂર્તિ કરવા આપણે ખોપરીઓની કચુંબર કરીએ છીએ.” "દોષ કોનો?” “પોતાને જે “લઘુભોજરાજ કહેવરાવવામાં રાચતો હોય તેનો.” સોમેશ્વરદેવે વસ્તુપાલને વિદેશી પંડિતોએ મોટાં ઇનામોની લાલચે આરોપેલા આ બિરદ પર ટોણો લગાવ્યો. વસ્તુપાલને આ ઘા વાગ્યો પણ ખરો. “પારકાઓ પર કેટલી બધી મુગ્ધતા!” સોમેશ્વર દુઃખ પ્રકટ કરતા હતા: “મારા શ્લોકોને સદંતર અપહરણ કહેનાર એક અજાણ્યો માણસ ફાવી જાય છે, હું ચોર નથી એમ કહેનારો હું ઘરનો માણસ સંદેહને પાત્ર બની જાઉં છું! કોઈ ચૂં કે ચાં કરતું નથી. કોઈ વધુ ખાતરી માગતું નથી.” "સોમેશ્વર! ભાઈ!” વસ્તુપાલે હસીને સાંત્વન આપ્યું, “એનું નામ જ જગત! તું કે હું એ જગતને આપણા પ્રભાવમાં આંજી શકશું, પણ એને એ છે તે કરતાં વધુ ડાહ્યું કે વધુ વિચારશીલ નહીં કરી શકીએ.” તે વખતે ઘરને પાછલે દરવાજેથી સિદ્ધેશ્વરમાં અનુપમા આવી અને સાથે એક દરિદ્ર બ્રાહ્મણને લાવી, કહ્યું: “આ મહારાજ એક પ્રશસ્તિ રચીને લાવ્યા છે.” “આપણી વિદ્યાસભામાં જ આવજોને, મહારાજ!” વસ્તુપાલે કહ્યું. "ત્યાં તો આવ્યો હતો, અને આપના માણસોએ મને આ ઇનામ આપીને બહારથી જ પાછો વળાવ્યો.” એમ બોલી એણે પોતાના શરીર પરની ફાટેલી પિછોડી બતાવી, “હું આપને એ દાન બદલનું જ આશીર્વચન કહેવા આવ્યો છું. એમ કહીને બ્રાહ્મણે શ્લોક લલકાર્યો: क्वचित्तूलं क्वचित्सूत्रं कापसास्थि क्वचित्क्वचित् । देव त्वदरिनारीणां कूटीतुल्या पटी मम ॥ [ક્યાંક રૂ, ક્યાંક સૂતર અને ક્યાંક ક્યાંક કપાસિયા લાગેલી આ પટી – આ પિછોડી, જે મને તારા માણસે દાનમાં દીધેલ છે, તે મને તો તારા શત્રુઓની સ્ત્રીઓની છિન્નભિન્ન બનેલી રાવટી સમી લાગે છે.] “વાહ રે વિપ્રદેવ, વાહ! કેટલી ચમત્કૃતિ મૂકી છે એક જ કલ્પનામાં!” સોમેશ્વરદેવે વખાણ કર્યાં. “અનુપમા” વસ્તુપાલે હર્ષ અનુભવીને કહ્યું, “એને દોઢ હજાર દ્રમ્મ દેવાનું કહો લૂણસીને!” "જેવી આજ્ઞા.” કહીને અનુપમા કંઈક વ્યગ્ર ચહેરે ઊભાં. "તમને આ કાવ્યનો મર્મ તો સમજાયોને, અનુપમા” મંત્રીએ પૂછ્યું. "જી હા! આપે આપેલી ખરાબ પટી (પિછોડી)ને નિંદવામાં જ એ આપનું ગૌરવ આલેખે છે. આપના શત્રુની સ્ત્રીઓની દુર્દશાનો એમાં ચિતાર છે.” "આની પાસે ઉજ્જૈન અવન્તી તે પાણી જ ભરે ના!” સોમેશ્વરદેવ વધુ વધુ પ્રસન્ન થતા હતા. “રહો, દેવ! અનુપમા કંઈક બીજું જ કહેવા ઇચ્છતી હોય તેવું મને લાગે છે. કહો અનુપમાં, શું લાગે છે?” "લાગે છે – વિદ્યાનું દુષ્ટ વિનોદમાં પતન!” એમ કહીને એ પોતાની પાછળ બેઉ કવિ-પંડિતોને વિમાસતા છોડી ઝડપથી વહી ગઈ. “એને કેમ ન ગમ્યું?” સોમેશ્વરને નવાઈ લાગી. “શત્રુની સ્ત્રીની અવદશાનો ચિતાર એને જંગલી લાગ્યો. કાવ્યવિનોદની આવી કરામતો એને ફાવતી નથી. એનું દિલ ધસી રહ્યું છે ચંદ્રાવતી તરફ. લાંબી મુદતને માટે એ જાય છે. પાછી એ અહીં કોણ જાણે ક્યારે વળશે. પછી મને તો કોઈ ઠપકો દેનારુંય નહીં રહે! એ હતી – એની બીક લાગતી – તો ઠીક હતું. એના જવાથી હું ઉઘાડો પડી જઈશ.” એ વિષાદની લાગણીમાં ડૂબતા બચવા માટે વસ્તુપાલ જલદી ઊઠી ગયા અને અનુપમાની હાજરી વગરના ધોળકાની ભાવી શૂન્યતાને કલ્પી અંદરથી અકળાતા એ રાત્રિએ, અપાસરે પોતાના મુનિમહારાજના દર્શને ગયા. અંદર એકલા એ વૃદ્ધ ગુરુ બેઠા હતા. શિષ્યો પૈકીનો એકેય ત્યાં હાજર નહોતો. 'રાતને વખતે અપાસરો છોડીને આ બધા ક્યાં સટકાવી જતા હશે!' ઉપરાઉપરી ત્રણ રાત્રિઓથી પોતે આ કૌતુક આંહીં દેખતા હતા તેનો તેને વિચાર થઈ આવ્યો. દીક્ષાધારીઓની ચિંતા મંત્રીને સતત મૂંઝવતી. એક તરફ એને સર્વ પંથો પ્રત્યે સમદ્રષ્ટિ સાચવવી હતી ને બીજી તરફ આ જૈન સાધુઓનું જીવન-કોકડું ભારી જટિલ હતું. તેમની ત્યાગી દશામાં જ તેમને હડસેલી દેતાં આખા પંથમાં વૈરાગ્યની નીરસતા વ્યાપતી હતી, અને એ નીરસતામાં રસિકતાને મૂકવા જતાં આચારમાં શિથિલતા આવી જતી હતી. બન્નેમાંથી કઈ રીતે બચાવી લેવાય? આ વિષમ વૈરાગ્યબંધને જકડાઈને પૌષધશાળાઓમાં જ પડી રહેતા સાધુઓમાં સાર્વજનિક જીવન-રસ શી રીતે પેદા કરી શકાય? એ કરવાને માટે પોતે પોતાની વિદ્યાસભાને બ્રાહ્મણ અને શ્રાવક સર્વનું મિલનસ્થાન બનાવી હતી. એ સભામાં સંસારીઓ તેમ જ ત્યાગીઓ સાથે મળી પ્રશસ્તિઓ રચતા, ગાથાઓની હરીફાઈ માંડતા, રસિકતાને મોકળી મૂકતા, મહત્ત્વાકાંક્ષાઓને પણ સંતોષવાની સીડી મેળવતા. આમ છતાં આ યુવાન સાધુઓ ત્રણ-ત્રણ રાતથી ક્યાં જઈ છુપાય છે? ને શું કરે છે? રાજ્યના શાસનપતિ તરીકે એ પોતાને ધર્માચારનો પણ ચોકીદાર સમજતા હતા. એણે આવી શિથિલતા સહી ન લીધી. વૃદ્ધ ગુરુની પાસેથી એણે વિનયપૂર્વક સત્ય જાણવા માંગ્યું. તેમણે શરમાઈ જઈને કહ્યું: “આજકાલ નગરમાં એક વિદ્વાન ચાચરિયાક (માણભટ્ટ) આવ્યા છે. એની વાણી સાંભળવાને માટે રોજ સૂરિઓ વેશપલટો કરીને જાય છે.” સાંભળીને પહેલાં તો એને ગુસ્સો આવ્યો, પછી અનુકંપા આવી. નગરના ચોકમાં કથા માંડી બેઠેલા ચાચરિયાકની શ્રોતામંડળીમાં જઈને સાધુઓને ગુપ્તવેશે વિદ્યારસ લૂંટતા દીઠા, તે વખતે કંઈ ન કહ્યું. ચાલ્યા ગયા. જઈને એકાંતે એ સાધુઓના ચહેરા યાદ કરી જોયા. કેવી કેવી કથનીઓ એ ચહેરાઓ પર લખાઈ હતી! કોઈ ચહેરો આચાર્યપદની મહત્ત્વાકાંક્ષાએ તલસતો હતો, કોઈ મોં પર પ્રેમભગ્નતાની હતાશા હતી, કોઈક ભોળવાઈ ગયેલા શિશુઓ હતા જેમના મોં પર જનેતાનું ધાવણ મહેકતું હતું, કોઈકને કર્કશા સ્ત્રીએ દીક્ષા તરફ ધકેલ્યો હતો તો કોઈકને ગરીબીએ. આમ એ પ્રત્યેક મોં એક પ્રશ્ન જેવું હતું. તે સર્વનું શરણું શારદાનો ખોળો હતું. ચાચરિયાકની વિદ્વતાભરી વાતોમાં રસ લેવો એ મિથ્યાત્વ હો તો ભલે હો, આ સાધુઓની માનવસુલભ લાગણીઓને સંસ્કારી પોષણ આપવા વગર છૂટકો નથી એવું ભાવતા મંત્રી સૂતા. અપાસરે પાછા ફરતા સૂરિઓને મંત્રી-તપાસની જાણ થતાં તેમણે ભોંઠામણ અને ઠપકાનો ભય અનુભવ્યાં. પ્રભાતે શું થશે તેની ફાળ લાગી. પ્રભાતે મંત્રી તો અપાસરે ન ડોકાયા, પણ રાત પડી ત્યાં સૂરિઓએ જોયું કે પેલા આગલી રાતના ચાચરિયાકે તો અપાસરાને દરવાજે આવીને ચાચર રોપી દીધેલ છે ને એનાં કથાગાનની જમાવટ ત્યાં જ થઈ રહી છે! “આંહીં કેમ?” ચાચરિયાકને પૂછતાં તેણે જવાબ વાળ્યો: "મંત્રીએ આજ્ઞા કરી છે, કે જૈન સાધુઓ ધરાઈને સાંભળે તેટલા દિવસ સુધી આંહીં જ કથાવાર્તા માંડવી.”