ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પાણી વિના
પાણી વિના
દિલીપ ઝવેરી
પાણી વિનાના જગતની કલ્પના કરો
મુશ્કેલ છે
પણ આપણા ઓળખીતા કેટલાય ગ્રહો કે ઉપગ્રહો પર પાણી અજાણ છે
કેટલાય જાણીતા શબ્દોને ત્યાં અર્થ નથી
ચંદ્ર પર આંસુનો શો અર્થ?
મંગળ અને નહેર
બુધ અને બરફ
ગુરુ અને નદી
શુક્ર અને ઝાકળ
શનિ અને ઝાંઝવાં
યમ અને કૂવો
વરુણ અને પૂર
રાહુ અને ધુમ્મસ
કેતુ અને વાદળ
તરસ વિનાના દેશમાં આગ લાગે તો બુઝાવવી કેમ?
તરાપા હોડી વહાણ વિના કઠિયારા સુથાર ખલાસી ખારવાનો શો ખપ?
પવાલું લોટો કૂંડી બાલદી હાંડો ટાંકી છોડી કંસારા શું ઘડે?
પાણી નહીં તો માછલી નહીં
માછલી નહીં તો જાળ નહીં
જાળ નહીં તો માછિયા નહીં
માછિયા નહીં મરજીવા નહીં તો મોતી નહીં વીંટી નહીં
તો કોણ અપાવે યાદ?
માછલી નહીં તો બગલા નહીં
બગલા નહીં સારસ નહીં
કોઈ વીંધાય નહીં તો સીતા નહીં
સીતાની કોઈ કવિતા નહીં
કોઈની આંખે આંસુ નહીં
તો તરતાં તરતાં ફૂલો ગાતી ઓફેલિયાની યાદ અપાવું
પહેલાં
કવિતા વિનાની ભાષાની કલ્પના કરો