ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/શબ્દપાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શબ્દપાત
અનિલ જોશી

જેમ લંગડી છોકરીના હાથમાં,
કાચા સૂતરનાં મોરપગલાં
એમ મારા હાથમાં
બાપુજીએ વાપરવા દીધેલ
શબ્દના સિક્કા હોય
હું સિક્કો લઈને
ઊભી બજારે
કંઈક
ખરીદવા જાઉં ત્યાં
દુકાનદાર ઘુરકિયું કરીને
તાડૂકે :
‘તારો સિક્કો ખોટો છે ભાઈ, ચાલતી પકડ.’
ચાલતી બસે
ચડવું ફાવે નહીં,
હોહોગોકીરો ને ધક્કામુક્કીમાં
ચંપલની પટ્ટીયે તૂટી જાય,
ચશ્માં નાક ઉપર આવી જાય,
ખમીસની સિલાઈ વછૂટી જાય.
છેવટે
ઉઘાડપગો હું મંદિરે જઈને,
સિક્કો ઉછાળીને નક્કી કરું કે
સિક્કો આરતીમાં નાખી દેવો.
સંધ્યાકાળની આરતીમાં
હું ધ્રૂજતે હાથે સિક્કો નાખવા
જાઉં છું ત્યાં
મંદિરનો પરિચિત પૂજારી
મારો હાથ પકડીને કહે છે :
‘અરે, ભાઈ તું તો કવિ છે.
તારે તો
દીવો ઠરવો ન જોઈએ
એ શરતે વાવાઝોડાની આરતી
ઉતારવાની છે. લે આરતી
ને ગંગાઘાટે જઈ ગંગાલહરી લખ’
ગંગાઘાટે તો
જેની આખીયે જિંદગી
લૂગડાની કરચલી ભાંગવામાં ગઈ
એ ગંગાઘાટનો ધોબી
કાયાની કરચલી ભાંગી શકતો નથી.
કરચલીવાળા હાથે
ઊંચકાતી ઇસ્ત્રીની જેમ
હું કલમ ઊંચકીને
ગંગાલહરીની માંડણી કરું છું,
ને ગંગાનાં પાણી
શ્લોકે શ્લોકે
સુકાતાં જાય
સુકાતાં જાય
સુકાતાં
સુકા
સુ...