ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સ્વવાચકની શોધ
સ્વવાચકની શોધ
રાજેન્દ્ર શુકલ
પૂર્વે કોઈ એક સમયે
સાથે જ બહાર નીકળ્યા હતા અમે.
કશેક જવું હતું.
કશેક એટલે ક્યાં તેની
મને આજે પણ ખબર નથી.
કશેક એટલે ક્યાં તેની તો
એને પણ ખબર નહીં હોય.
એનું શું થયું હશે?
શું થયું હશે એનું?
એક સાથે જ કશેક જવાનું
તેથી કશેક એટલે ક્યાં
કે કશેક એટલે ક્યારે કે કેટલેક
એવી ખબર પણ
એક સાથે જ હોય ને?
અરે, છેલ્લે પાન પણ ખાધાં હતાં સાથે
ને બસની રાહ જોતા ઊભા હતા અમે.
ચાલતી બસે એકસાથે ચડી તો શકાય,
પણ એકસાથે નયે ચડી શકાય.
તે કશેક, ક્યારેક જવાનું
એમનું એમ જ રહી ગયું છે સાવ.
શક્યતાની બસોની શક્યતાનાં સ્ટૅન્ડોના
બધા જ શક્ય સમયોમાં
હું એકલો એકલો ઘૂમી વળ્યો છું ક્લાંત.
એનેય એકલા એકલા ઘૂમવાનું જ આમ.
એનો નાદ, એના સ્વરવ્યંજન, એનો અર્થ,
કશું જ યાદ નથી મને.
કેવળ ઝાંખીપાંખી એક આકૃતિ યાદ છે
અને યાદ છે ઝાંખુંપાંખું
કે અમારું ઘણુંબધું સહિયારું હતું...