ગુજરાતી નારીસંપદા : કવિતા/અજાણ્યો પથ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બસ, એક સૂરજ આપો

ચન્દ્રાબહેન શ્રીમાળી ‘ચાહના’

સદીઓથી સબડી રહ્યા છીએ અમે
અસ્પૃશ્યતાની અધોર કંદરાઓમાં
અકળાઈ ઉઠ્યા છીએ હવે આ યાતનાઓથી
હવે, અમને અમારો આગવો સૂરજ આપો
જે ઉલેચે અંધારાં, અમારી આખરી અમાસનાં
‘ને ઊગે અમારે ઉંબરે, પ્રભાતની લાલિમા લઇ.
બસ, એવો એક અખંડ ઉજાસક સૂરજ આપો.
કહો? આ આકાશ ગોરંભાયું શીદને?
આમ અમારા જ ઘર ઉંબરે?
જેનું છાપરું ય રહેવા દીધું નથી તમે
ધોમધખતા ઉઘાડા મસ્તક પરે?
હવે સુફિયાણી વાતો શા કામની અમારે?
કહો? એક વ્હેંતના આંગણીયે
ક્યાંથી વાવીએ તુલસીક્યારો?
ના રે ના, ના ખપે હવે જરીકેય ઓછું ના ખપે,
બસ, અમને તો અમારો ઝળહળતો સૂરજ આપો
આ પૂજન-અર્ચન, ભજન-કીર્તન કોના કાજે?
કોણ કરશે અમારો ઉગારો?
કોનો દિલાસો? કોનો સહારો?
હા, અમને અમારો એકલાનો સૂરજ આપો,
એ નથી તમારા એકલાનો આગવો,
એ તો છે આ સૃષ્ટિનો સહિયારો
બસ, અમને તો એ સૂરજ આપો...

***