ગુજરાતી નારીસંપદા : કવિતા/ઇતિહાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઇતિહાસ

નીતા રામૈયા

તમે જે ઇતિહાસ લખ્યો
તે હતો અમારા નામ વિના પારવો
તમે જે ખડિયો લઈને બેઠા
તે હતો શાહી વિનાનો
તમે કલમને જોતરી બેઠા
અને થોથાં ઉપર થોથાં ઠાલવ્યાં
કથની તમારી ગાથા તમારી
ને તમારી જ મોટપ
તમે પૂરું પાનું બન્યા
ને અમે એક હાંસિયો પણ નહીં
અમે પાદપૂર્તિ કે નોંધમાંયે
ક્યાંય હાજર નહીં
અમે શાહી બનવા ગયા તો
તમે શાહીચૂસ થઈ બેઠા
તમે અમારા ધોરિયે દટ્ટો માર્યો
અમારી રગરગમાં
તમારો ઇતિહાસ ભર્યો છે
તે અમે લખી બેસીએ તો?

***