ગુજરાતી નારીસંપદા : કવિતા/ચહેરો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચહેરો

પુષ્પા વ્યાસ

બહારથી આવી,
બહારનો ચહેરો
બારસાખે ટાંગી દીધો!
ઘરમાં આવી,
ઘરનો ચહેરો
ડામચિયેથી કાઢી લીધો!
દી’ આથમતાં-
દિવસનો ચહેરો
ઊતારીને મૂકી દીધો,

દિવસ ઊગતાં
રાતનો ચહેરો
ફાડીને ફેંકી દીધો!
ચહેરાઓના ઢગલાએ તો
ઉકરડાને ભરખી લીધો,
ગમ્મે તેવા ચહેરાને પણ
ચહેરાઓએ ઢાંકી દીધો!
ચહેરાઓનો ગંજ, કદિ શું
આભને પણ ખાઈ જશે?
કે તારકતેજે ઉજજવળ થઈને
ધરતી ઉપર છાઈ જશે?

***