ગુજરાતી નારીસંપદા : કવિતા/મૌનમાં સરી જવા દો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મૌનમાં સરી જવા દો

કુન્દનિકા કાપડિયા

હૃદયના
વધી રહેલા ધબકારાને
ધીરે ધીરે શમી જવા દો
ગતિ નાડીની
મંદ થવા દો
બંધ થવા દો
મને મૌનમાં સરી જવા દો
શાથી માન્યું ક્યાંક મને છે
ડર- ઉંબરને ઓળંગવાનો
અંધકારમાં ડૂબી જવાનો?
હું તો ખૂબ રાજી છું
ઉત્સુકતાથી વાટ જોઉં છું
પ્રવાસ હવે પૂરો થયો છે;
યાત્રાનો આવ્યો છે અંત.
કશી ઉતાવળ નથી
હૃદયને રંજ નથી
રાહ જોઉં છું: ઉંબર પરના
જીવન-મૃત્યુના આલિંગનની
અંતિમ પળની સુવર્ણ ક્ષણને
એની સંગે
જરીક મનને રમી લેવા દો
ધીરે ધીરે વિરમવા દો
વિરમી જવા દો
અજ્ઞાતના અદ્ભુત પ્રદેશમાં
સુખ-શાંતિથી વીંટળાઈને
મને જવા દો
તમને સહુને વહાલ ધરીને
હૃદયમાં સૌનો પ્રેમ ભરીને
આ સુંદર નભ પૃથ્વીને
વૃક્ષ પાંદ ઝરણાંને
સૂરજને ચાંદાને
છેલ્લી વેળા પ્રણામ કરી લઉં
‘પરમ સમીપે’ મને જવા દો
મહામૌનમાં સરી જવા દો
મહામૌનમાં સરી જવા દો

***