ગુજરાતી નારીસંપદા : કવિતા/સમજી શકો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સમજી શકો

ભાર્ગવી પંડ્યા

મૌન છું, સંમત નથી, એ ફેર જો સમજી શકો,
ગ્લાસ અડધો છે ભરેલો, ખેર જો સમજી શકો.

સાવ ખરબચડી હથેળી જિંદગી વેંઢારતી,
એક સાંધે ત્યાં જ તૂટે તેર જો સમજી શકો.

કોઈ પોતીકું ને અંગત શું અમીઝરતી નજર,
શક્ય છે એ આંખમાં હો ઝેર જો સમજી શકો.

કર મથામણ કેટલી પણ, ક્યાં કશું બદલાય છે,
 વિસ્તરે છે મૂળથી અંધેર જો સમજી શકો.

છો સમજની બ્હાર લાગે, વાંચજો વીત્યો સમય,
ના ગઝલ આખી ભલે એક શેર જો સમજી શકો.

***