ગુજરાતી નારીસંપદા : કવિતા/ગઝલ

ગઝલ

જિજ્ઞા ત્રિવેદી

નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,
કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા.

સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.

સમયના બહાને વફાની અમારી,
ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા!

બધા દોષ દુર્ગુણ નજરમાં સમાવી,
અમે જાતની પણ કરી છે સમીક્ષા!

ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા?

***