ગુજરાતી બાળવાર્તા સંપદા/કીડીબાઈ વિમાનમાં બેઠાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કીડીબાઈ વિમાનમાં બેઠાં

શ્રદ્ધા ત્રિવેદી

એક હતી કીડી. એનું નામ આશુ. નાનકડી આશુ અહીંથી તહીં જાય... હરતીફરતી ખાતી જાય... ને ગીત ગાતી જાય :

‘મારું નામ આશુ,
માલમલીદા ખાશું,
ઊંચે આભે ઊડશું,
ને પછી ઊંઘી જાશું.’

આશુ આવું ગાય એટલે બીજી કીડીઓ કહે : ‘નાની કીડી ક્યારેય આભમાં ઊડે નહીં. તું બકબક ના કર.’...પણ... આશુ તો બસ ગાયા જ કરે. ને કોઈ વા૨ કહે પણ ખરી : ‘કેમ ના ઉડાય ?’ કોઈ પંખીને આકાશમાં ઊડતું જુએ તો કહે : ‘મને તારી પાંખ પર બેસાડી દે ને !’ પણ પંખી કંઈ ઓછી તેની વાત સાંભળે ? પંખી ઊડતું ઊડતું દૂર જતું રહે એટલે આશુબહેન પાછાં ગાવા માંડે... એક દિવસની વાત છે. આશુબહેન ફરતાં ફરતાં એક બંગલે પહોંચ્યાં. બંગલામાં સરસ મઝાનો બગીચો. તેમાં ભાતભાતનાં ફૂલ ! વચ્ચે સરસ મઝાનો ફુવારો, બાજુમાં એક હીંચકો. હીંચકા ૫૨ બેઠેલાં દાદીમા ને બાજુમાં હતાં નાનકડાં ચાર્વીબહેન. દાદીમા બેઠાં બેઠાં માળા કરે ને ચાર્વીબહેન પૂરી ખાય. ચાર્વીબહેને તો સરસ ગુલાબી ફ્રોક-પાયજામો પહેરેલાં ને પગમાં નાનકડી મોજડી ! ચાર્વીબહેનનું એવું કે ખાય તેટલું વેરે ! અડધી પૂરીમાંથીયે અડધી પૂરી ખાય ને બાકીની નાંખે નીચે. દાદી વઢે પણ ચાર્વીબહેન તો જેમ કરતાં હોય તેમ જ કરે. આશુબહેન ફરતાં ફરતાં ત્યાં આવ્યાં. પૂરીના કટકા જોયા કે ખુશખુશાલ ! એ તો કટકાની ચારે બાજુએ ફરે પણ કટકો પકડાય નહીં. આશુબહેન તો થાકી ગયાં. અચાનક ચાર્વીબહેનની નજર એના પર પડી. ‘વાહ ! આ નાનકડી કીડી કેવી સરસ છે ! અ૨૨... પણ આ કટકો એનાથી લેવાતો નથી. શું કરું? શું કરું ?... લાવને કટકો નાનો કરી દઉં... પણ આ દાદી...’ પણ ત્યાં તો દાદીમા કોઈ કામ માટે ત્યાંથી ઊઠ્યાં ને ઘરમાં ગયાં. ચાર્વીબહેન ધીમે રહી હીંચકા પરથી નીચે ઊતર્યાં ને પૂરીનો કટકો નાનો કર્યો. આશુબહેને તરત મોંમાં મૂકી દીધો. ચાર્વીબહેન તો પછી કીડીબહેન સાથે વાત કરવા લાગ્યાં : ‘કીડી ઓ કીડી ! તું ક્યાં હીંડી ?’ આશુબહેનના પેટમાં થોડી પૂરી ગયેલી તે હવે તાજાંમાજાં થઈ ગયાં હતાં. આશુબહેન કહે :

‘નાની મારી બહેન !
ચાલ રમીએ એનઘેન.’

ચાર્વીબહેન તો ખુશ થઈ ગયાં. તેમણે લીધું એક પાંદડું, તેના પર કીડીબાઈ ચઢી ગયાં. એટલે ચાર્વીએ પાંદડું લીધું હાથમાં ને બેઉ બેઠાં હીંચકા પર. આશુ બોલી : ‘મારું નામ આશુ. તારું નામ?’ ત્યાં તો અંદરથી મમ્મીએ બૂમ પાડી : ‘ચાર્વી, ઓ ચાર્વી, ચાલ હવે અંદર આવ. આપણે જવાનો ટાઇમ થઈ ગયો છે.’ ‘હં...અ...અ... તો તારું નામ ચાર્વી છે ! પણ... તું ક્યાં જવાની ? મનેય લઈ જાને !’ ચાર્વી તો આંખ પટપટાવતી તેની સામું જુએ ને કહે : ‘ઠીક, લે, આ મારા નાસ્તાનો ડબ્બો. તેમાં આવી જા.’ ને આશુબહેન તો ચાર્વીના ડબ્બામાં બેસી ગયાં. ચાર્વીબહેન ડબ્બો લઈને ચાલ્યાં ઘરમાં. ચાર્વી, તેનાં મમ્મી-પપ્પા બધાં તૈયાર હતાં. બધાં દાદીમાને પગે લાગ્યાં. ને પછી સરસ મઝાની ગાડીમાં બેસી ગયાં દૂર…દૂર... ગાડી જરાક જ શરૂ થઈ કે ચાર્વીબહેને ડબ્બો ખોલ્યો ને કટકો પૂરી લીધી. ડબ્બો ખૂલ્યો કે આશુબહેન નીકળ્યાં બહાર ને ચાર્વીબહેનના હાથ પર ચઢવા લાગ્યાં ને ચઢતાં ચઢતાં તેના ખભે જઈને બેઠાં. ચાર્વી કહે : ‘ઓ.કે. ?’ આશુ કહે : ‘ઓ હો સરસ ! સરસ ! મઝા જ મઝા... ’ ને પછી સૌ પહોંચ્યાં વિમાનઘર ૫૨. જ્યાં જ્યાં ચાર્વીબહેન ફરે, આશુબહેન તેમની સાથે ને સાથે ! નાની કીડીબહેનને તો કાંઈ ચિંતા નહીં. તેમણે તો હવે ચાલવાનું પણ નહીં. બસ જોયા જ કરવાનું. તે ચકરવકર આમ જુએ ને તેમ જુએ... તેમણે જોયું... પૈડાવાળી નાની નાની ગાડીઓ - ટ્રૉલીઓ. બધાંએ તેમાં સામાન મૂક્યો. ચાલ્યાં આગળ. પછી આવ્યો એક દરવાજો. ચાર્વીબહેન કહે : ‘એય આશુ ! ઊતરી જા ! તારા વજનથી મને થાક લાગે છે.’ આશુ કહે : ‘જા, જા, હું હવે નહીં ઊતરું. હું ક્યાંય નહીં જાઉં. તારે ખભે જ બેસી રહીશ.’ ચાર્વી તો હસી પડી : ‘લે, તારું તો શું વજન હોય ? મને તો ખબરેય નથી પડતી કે તું મારે ખભે છે. પણ તું બહુ જબરી હોં ! કેવી ના પાડી દીધી ઊતરવાની ? આશુ, તને ખબર છે કે આપણે ક્યાં જઈએ છીએ ?’ આશુ કહે : ‘ના રે મારી બહેન ! તું જ કહેને !’ ચાર્વી કહે : ‘આપણે છે ને હવે વિમાનમાં બેસીશું, આકાશમાં ઊડીશું ને દૂર દૂર દરિયાપારના દેશમાં જાશું.’ ‘હેં ! ખરેખર !’ પણ... ! તો... તો... ચાર્વી... મને ઉતારી દે ! મને તો બહુ બીક લાગે છે... તારે ખભેથી હું પડી જાઉં તો દરિયામાં ડૂબી જઉં... એ તો ઠીક... પણ હું દરિયામાં પડું તો આખો દરિયો ઊછળે... કિનારા પર પાણી ધસી જાય... લોકો કેટલા બધા હેરાન હેરાન થઈ જાય ! ના... ના... તું મને ઉતારી દે.’ ચાર્વી તો ખડખડ હસે. કહે : ‘અરે ! તું સાવ ઝીણા ટપકા જેવી ઝીણી અમથી કીડી ! કોઈને ખબરેય નથી પડી કે તું મારી સાથે છે ને તું કહે છે કે દરિયો ઊછળશે ? અરે મૂરખ... બેસ ચૂપચાપ.’ કીડીબાઈ ચૂપ. ને પછી તો એક દાદર ચઢી સૌ ગયાં વિમાનમાં. ચાર્વી બારી પાસે બેઠી. આશુબહેન તો ખભે બેઠેલાં જ હતાં... તે તો બહાર જુએ... ‘ચાર્વી... ચાર્વી.... ઓ ચાર્વી !’ ચાર્વી કહે : ‘હવે ચૂપચાપ જોયા કર. ભૂખ લાગે તો જ કહેજે. બાકી તું જો ને મનેય જોવા દે.’ આશુએ જોયું કે ચાર્વીએ પટ્ટો પહેર્યો... ને થોડી વારમાં તો વિમાન ઘ...ર...ર...ર... સ..મ... કરતું દોડવા લાગ્યું ને પછી ઊડવા લાગ્યું. આશુબહેન તો બારી બહાર જોતાં જ રહ્યાં... ‘અરે ! અરે ! ચાર્વી... જો તો ખરી !.. આ પેલાં ઘર...જાણે રમકડાં... ને પેલી નદી... જાણે ચમકતો ચાંદીનો તાર. ને... પેલાં ઝાડપાન... જો...જો... જાણે તારા ડ્રેસ પરની લીલી મઝાની ભાત... ચાર્વી... જો...જો... પેલો પહાડ... અરે ! એ તો સાવ નાની ટેકરી થઈ ગયો... ને ઓ બાપ રે ! આ શું ? ચાર્વી... જો... જો... બારી બંધ કર. આ વાદળું... એ... અથડાયું... બારી બંધ કર... અંદર આવી જશે.’ ચાર્વી : ‘ચૂપ !... બારી બહાર જોયા જ કર. જો... આપણું વિમાન વાદળ વચ્ચેથી પસાર થયું.... થયું કશું ? જો... બારી બંધ જ છે.’ ‘હા...લ્લા..... જો...જો... હવે તો આપણે વાદળનીયે ઉપર આવી ગયાં. અરે ! ચાર્વી... પેલા.... રૂના ઢગલા કોણ અહીં કરી ગયું હશે ?’ ‘અરે ! ગાંડી ! એ રૂના ઢગલા નથી. એ તો વાદળો છે.’ ‘હેં... આટલાં બધાં વાદળો ? આપણે તેનીયે ઉપર આવી ગયાં ?... ને આ વાદળી... રંગનો... દરિયો ? આપણે હવે દરિયામાંથી જઈશું ?’ ‘આશુ ? આ શું ગાંડા કાઢે છે ? આટલે ઊંચે દરિયો હોય ! આ તો આકાશ છે. જો... હવે આવું જ દેખાશે. તું ચૂપ ૨હે. માત્ર જોયા કર ને નહીં તો આંખ બંધ કરીને સૂઈ જા. મને વાંચવા દે.’ આશુનું મોં પડી ગયું. ચાર્વીને થયું, મારે એને વઢવું નહોતું જોઈતું. ધીમે રહી તે કહે : ‘આશુ... તું હવે ધીમે ધીમે નીચે આવ. આપણે બે નાસ્તો કરીએ. જો, મમ્મીએ જાતભાતના ડબ્બા કાઢ્યા છે. આવી જા નીચે. જોજે હોં ! કોઈની નજરે ના ચઢીશ. નહીં તો ચપટીમાં પકડીને નાંખી દેશે.’ આશુ ધીમે ધીમે નીચે આવી. ચાર્વીના ડબ્બાની બહાર તેના ખોળામાં પાથરેલા રૂમાલમાં બેસી ગઈ... પછી તો ચાર્વી અને આશુએ ગાંઠિયા ખાધા, ગોટા ખાધા, બિસ્કિટ ખાધાં, ઢેબરાં ખાધાં, ખાખરા ખાધા, સુખડી ખાધી... ને ખાતાં ખાતાં આશુબહેન તો એવાં થાકી ગયાં કે ઊંઘી જ ગયાં... ચાર્વીના રૂમાલમાં જ. થોડી વારે ચાર્વીએ ઊંઘી ગઈ. મમ્મીએ બધા ડબ્બા બંધ કર્યા. મમ્મીએ જોયું તો ચાર્વીના ખોળામાં રૂમાલ. તેમાં બિસ્કિટનો ભૂકો વેરાયેલો. મમ્મીએ ધીમે રહી રૂમાલ લઈ લીધો ને કચરાના ડબ્બામાં ખંખેર્યો. આશુબહેન પડ્યાં નીચે. પણ તોય તે ઊંઘતાં રહ્યાં. થોડી વારે વિમાન ઊભું રહ્યું. મમ્મી-પપ્પા ઊભાં થયાં. મમ્મીએ ચાર્વીને ઉઠાડી ને કહ્યું : ‘ચાર્વી, ઊઠ. ઊતરવાનું આવ્યું.’ ચાર્વી ઊભી થઈ ને તરત તેને આશુ યાદ આવી. એ તો આશુને ખોળવા લાગી. મમ્મીએ પૂછ્યું પણ ચાર્વી કહે શું ? વિમાન ખાલી થઈ ગયું. છેવટે ચાર્વીને પણ ઊતરવું પડ્યું. આશુબહેન તો એક ખૂણામાં ભરાઈ ગયેલાં. ઘણી વારે તે જાગ્યાં. વિમાનમાં ઘણાં બધાં આવે ને જાય. આશુબહેન કંઈક કંઈક ખાય ને પાછાં ખૂણામાં જતાં રહે. આશુને કંઈ સમજ ના પડી કે ચાર્વી ગઈ ક્યાં ? ઘણા દિવસ પછી એક વાર આશુએ સાંભળ્યું. ‘ચાર્વી, આ રહી આપણી સીટ. બેસી જા.’ ચાર્વી નામ સાંભળ્યું કે આશુ તો રાજી રાજી ! ચાર્વી તેની મમ્મી સાથે વાતો કરતી હતી. ચાર્વીનો અવાજ સાંભળી ધીમે ધીમે તેની પાસે ગઈ. પછી ધીમે ધીમે તેના પગ પર ચડી ને તેના ખોળામાં જઈ બેઠી. ને બોલી : ‘ચાર્વી...’ ચાર્વી તો ખોળામાં આશુને જોઈ ખુશ ખુશ ! ‘આશુ... તું... તું... આટલા દિવસ અહીં જ હતી !’ ‘હા... તને રોજ યાદ કરતી હતી. હોં !’ એટલે ચાર્વીએ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો ને આશુને બતાવ્યો. ‘જો..જો... આ તું છે. મેં તારું ચિત્ર આમાં દોર્યું હતું. તને રોજ રમાડતી હતી. તારી સાથે વાતો કરતી હતી. તને જાતભાતનું ખવડાવતી હતી.’ ‘હં...અ...અ... એટલે જ મને અહીં મઝા પડતી હતી. પણ ચાર્વી... હવે તું મને મૂકીને જતી ના રહેતી હોં !’ ચાર્વી કહે : ‘તું મારા ખભે જ બેસી જા.’ આશુ ટપ...ટપ...ટપ... કરતી ચાલવા લાગી ને ચાર્વીના ખભે પહોંચી ગઈ. ત્યાં તો વિમાન ઊડ્યું. આશુ ને ચાર્વી બહા૨ જોતાં જ રહ્યાં. રમકડાં જેવાં મકાનો... ચાંદીના તાર જેવી નદી... લીલી ભાત જેવા ખેતર... સાવ ટેકરી જેવા પહાડ...ને આશુ-ચાર્વી પહોંચ્યાં પાછાં ઘેર. આશુ કહે : ‘ચાર્વી ! કાલે તું બગીચામાં આવજે. હીંચકે બેસજે. આપણે વાતો કરીશું. હું અત્યારે તો મારે ઘેર જઉં. મારી મા ચિંતામાં અડધી થઈ ગઈ હશે.’ - ને આશુબહેન તો ગાતાં ગાતાં પહોંચ્યાં મા પાસે. એને જોઈ મા તો ખુશખુશાલ ! ‘અરે બેટા ! ક્યાં ગઈ હતી ? મને તો...’ ‘હા મા ! તને ચિંતા થતી હશે. એટલે તો તને મળવા માટે આવી છું. મને તું બહુ યાદ આવતી હતી. મા... તને ખબર છે... મારે એક બહેનપણી છે... એનું નામ ચાર્વી. એની સાથે હું વિમાનમાં ફરી આવી.’ મા તો ફાટી આંખે એને જોયા જ કરે. આશુ આવી ગઈ છે એવું જાણ્યું એટલે બધી કીડીઓ તેને મળવા આવી. બધાંએ સાંભળ્યું કે આશુ વિમાનમાં બેસી આવી. બધાં પૂછ પૂછ કરે. એટલે આશુએ કહ્યું : ‘વિમાન તો ખૂબ ઊંચે ઊડે. એટલે છે ને મોટાં મોટાં મકાનો તો સાવ નાનાં નાનાં રમકડાં જેવાં લાગે... ને નદી તો ચાંદીના તાર જેવી ને... પહાડ તો ડુંગરી જેવો ને...’ બધી કીડીઓ સાંભળતી જ રહી ! આશુ કહે : ‘વિમાન ઊડે ને તો ઘ..ર...ર...ર... અવાજ આવે.’ એટલામાં આકાશમાંથી ઘ..ર...ર...ર... અવાજ આવ્યો. બધી કીડીઓએ ઊંચે જોયું... તો વિમાન ! આશુ કહે : ‘જો તમારે આકાશમાં ઊડવું હોય તો રોજ ગાવ કે ઊંચે ઊંચે ઊડશું ને આભમાં ફ૨શું... તો જરૂર ક્યારેક જવાશે. બાકી તો... અહીંયાંય મઝા જ છે ને ! હેં ને !’ બધાંએ હા પાડી ને પાછાં પોતાના કામે લાગી ગયાં... ને આશુબહેન ગાતાં રહ્યાં.... ને પછી માના ખોળામાં ઘસઘસાટ ઊંઘી ગયાં.