ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણજી
કૃષ્ણજી [ઈ.૧૮૫૦ સુધીમાં] : ભૂલથી અખાના સમકાલીન ગણાવાયેલા જ્ઞાનમાર્ગી કવિ. એમનાં પદે (લે.ઈ.૧૮૫૦) જે ૯૦ આસપાસ હોવાનું જણાયું છે તેમાંથી ચાલીસેક પદો મુદ્રિત મળે છે. આ પદોમાં ૨ સાત-વારની કૃતિઓ છે તે ઉપરાંત ગરબો, ધોળ, આરતી વગેરે પ્રકારો પણ જોવા મળે છે. બધાં પદો અધ્યાત્મજ્ઞાનનો વિષય કરીને ચાલે છે જેમાં કવિની દાર્શનિક ભૂમિકા નિર્ગુણવાદની જણાય છે. જો કે, કવિએ શૃંગારની પરિભાષાનો પણ ઉપયોગ કર્યો છે. કવિની વાણીમાં તાજગી છે અને કવચિત્ અલંકારોનો નોંધપાત્ર વિનિયોગ પણ છે. “હું ખરે, તું ખરો, હું વિના તું નહીં.”, “અનુભવીને એટલું આનંદમાં રહેવું રે” વગેરે કેટલાંક પદોની કાવ્યાત્મક અભિવ્યક્તિ વધારે ધ્યાન ખેંચે છે. ‘સંતોની વાણી’માં કૃષ્ણજીનાં પદો હરિકૃષ્ણને નામે મૂકવામાં આવ્યાં છે તે માટે કશો આધાર જણાતો નથી. જુઓ લાલદાસશિષ્ય હરિકૃષ્ણ. કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી બીજી આ.); ૨. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦; ૩. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૯ - ‘અખાના સમકાલીન અજ્ઞાત કૃષ્ણજીનાં પદો’, સં. મંજુલાલ મજમુદાર (+સં.). સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગૂહાયાદી.[ચ.શે.]