ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/‘ગૌતમસ્વામી-રાસ’
‘ગૌતમસ્વામી-રાસ’ [ર.ઈ.૧૩૫૬/સં. ૧૪૧૨, કારતક સુદ ૧] : જિનકુશલસૂરિશિષ્ય વિનયપ્રભ-ઉપાધ્યાયરચિત, ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદોબદ્ધ ૬૩ કડીનો આ રાસ (મુ.) મહાવીરસ્વામીના ગણધર ગૌતમનું જીવનવૃત્તાંત વર્ણવે છે, જે પૂર્વાશ્રમમાં વૈદિક બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ હતા અને મહાવીરસ્વામીના શાસ્ત્રાર્થથી પ્રભાવિત થઈ એમના શિષ્ય બન્યા હતા. કાવ્યમાં વિશેષે ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા થયો છે અને એમને કેવળજ્ઞાની બનતાં વિલંબ થયો તેની કથા વીગતે રજૂ થઈ છે.પૂર્વાશ્રમમાં ઇન્દ્રભૂતિ અને કેવળજ્ઞાની ગૌતમસ્વામીનાં આલંકારિક વર્ણનોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. એમાં પણ ગૌતમસ્વામીના સૌભાગ્ય, ગુણ, લબ્ધિ અને જિનશાસનમાંના સ્થાનને ‘પૂનમને દિવસે ચંદ્ર જેમ શોભે છે, તેમ જિનશાસનમાં આ મુનિવર શોભે છે’ જેવી રમણીય ઉપમાવલિઓથી રજૂ કરવાનો પ્રયાસ ધ્યાન ખેંચે છે. કૃતિની પ્રત્યેક ભાસના અંતે એ ભાસમાં નિરૂપિત કથાનકનો ટૂંક સાર આપતી, વસ્તુ છંદની ૧-૧ કડીની યોજના આ કાવ્યની રચનાગત વિશિષ્ટતા છે. માત્રામેળ છંદોને ‘તો’ અને ‘એ’ જેવા ઘટકોના ઉપયોગથી સુગેય બનાવ્યા છે. કૃતિ સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બની છે તેનું કારણ તેની સામગ્રી હશે તેમ આ ગેયતા પણ હશે. આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો મળે છે અને એમાં પાછળથી પ્રક્ષેપ થયેલો પણ જણાય છે. કૃતિ ઉદયવંત/મંગલપ્રભ/વિજયપ્રભ/વિજયભદ્ર/વિનયવંત વગેરે ઘણાં કર્તાનામોથી મળે છે, પણ એમાંનાં થોડાંક નામો વાચનદોષને કારણે આવેલાં છે, જ્યારે અન્ય નામો પાછળથી ઉમેરાયેલી કડીઓમાંથી વાંચવામાં આવ્યાં છે. પરંતુ કાવ્યના રચનાસમયની નજીકની જ ઈ.૧૩૭૪ની પ્રત વિનયપ્રભનું નામ કર્તા તરીકે સ્પષ્ટ રીતે આપે છે. એ જ પ્રત, ઉમેરણ તથા કડી-વિભાજનના ફરકને કારણે ૪૫થી ૮૧ સુધીની કડીસંખ્યા દર્શાવતી આ કૃતિની કડીસંખ્યા ૬૩ નિશ્ચિત કરી આપે છે. [ર.ર.દ.]