ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકંઠ-સાબરમતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આકંઠ-સાબરમતી : ગુજરાતી નાટક સંદર્ભે, નાટ્યલેખન અને મંચન વચ્ચે પ્રવર્તતી ખાઈને મિટાવવાના મધુ રાય, લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી, ચિનુ મોદી વગેરેના સંનિષ્ઠ પુરુષાર્થ રૂપે કશીય ઔપચારિકતા વિના જ સ્થપાયેલી નાટ્યલેખન અને મંચનપ્રવૃત્તિ કરતી સંસ્થા. નાટ્યલેખક પોતે લખવા ધારેલી નાટ્યકૃતિનું વિષયવસ્તુ નટસમૂહ સમક્ષ વર્ણવે, નટસમૂહ તેને મંચિત કરવા મથે, લેખક તે વેળા, સંવાદ જ નહીં અભિનય અંગેની પોતાની અપેક્ષા સમજાવે, નટસમૂહ પણ એ ચર્ચાવિચારણામાં સંકળાય અને આમ લેખક, દિગ્દર્શક અને નટસમૂહના સહિયારા પ્રયત્નોથી નાટક ભજવાય અને તે પછી લેખક તેને શબ્દરૂપ આપે એવી નાટ્યલેખન-મંચનની વર્કશોપ/કાર્યશાળા આકંઠ-સાબરમતી દ્વારા વર્ષો સુધી ચાલી છે. સૂચિત પ્રક્રિયાના પરિણામ લેખે નીવડી આવેલી નાટ્યકૃતિઓના સંગ્રહ ‘આકંઠ’નું પ્રકાશન તથા વિવિધ શહેરોમાં કેટલીક નાટ્યકૃતિઓનું પ્રાસંગિક મંચન પણ સંસ્થા દ્વારા થયું છે. ર.ર.દ.