ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યકૌતુક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્યકૌતુક : ભટ્ટ તૌત(કે તોત)નો દસમી સદીના ઉત્તરાર્ધનો સાહિત્યવિષયક ગ્રન્થ. આ ગ્રન્થ પર અભિનવગુપ્તે ‘વિવરણ’ નામે ટીકા લખી છે પરંતુ ગ્રન્થ અને ટીકા બંને અત્યારે ઉપલબ્ધ નથી. અભિનવગુપ્તની કૃતિઓમાં એમનો ઉલ્લેખ વારંવાર આવે છે. ઉપરાંત એમના અભિપ્રાયો ‘અભિનવભારતી’, ‘ઔચિત્યવિચારચર્ચા’, ‘કાવ્યાનુશાસન’, માણિક્યચંદ્રકૃત ‘કાવ્યપ્રકાશસંકેત’માં વેરાયેલા પડ્યા છે. લાગે છે કે મોટાભાગે આ ગ્રન્થ પદ્યમાં હશે અને સામાન્ય રીતે કાવ્યસિદ્ધાન્ત અને વિશેષ રીતે રસનિરૂપણ કે રસસિદ્ધાન્તને નિરૂપતો હશે. ભટ્ટ તૌતનો અભિનવગુપ્ત પર અને અભિનવગુપ્ત મારફતે રસસિદ્ધાન્ત પર મોટો પ્રભાવ છે. એમણે બતાવ્યું છે કે માત્ર નાટકથી જ નહીં, કાવ્ય દ્વારા પણ રસની પ્રતીતિ થાય છે. રસસિદ્ધાન્ત કવિનાં દર્શન અને વર્ણન બંનેને અત્યંત આવશ્યક ગણે છે. એનાથી જ કવિને ઋષિપદ મળે છે. વળી, રસની પૂર્ણતામાં કવિ, નાયક અને સહૃદય ત્રણેનું સાધારણીકરણ થાય છે. ‘રસાનુભૂતિ સુખાત્મક જ હોય છે’ અને ‘રસ જ નાટ્ય છે’ એવાં એમનાં દૃઢ મંતવ્યો છે. સાથેસાથે શાંતરસને સંજ્ઞા આપવાનું શ્રેય પણ ભટ્ટ તૌતને ફાળે જાય છે. તેઓ શાંતરસને સર્વ રસમાં શ્રેષ્ઠ માને છે કારણકે શાંતરસ જ મોક્ષપ્રદ છે. આ ઉપરાંત ક્ષેમેન્દ્રે દર્શાવ્યું છે કે ‘પ્રજ્ઞા નવનવોન્મેષશાલિની’ની વ્યાખ્યા પણ ભટ્ટ તૌતની છે. ભટ્ટ તૌત કાશ્મીરી વિદ્વાન અને અભિનવગુપ્તના ગુરુ હતા. ચં.ટો.