ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંહિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંહિતા જુઓ, સંધિ

સંહિતા(Code) : સંકેતવિજ્ઞાની રોલાં બાર્થે પ્રચલિત કરેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાનીઓ એવું માને છે કે બુદ્ધિગ્રાહ્યતાનો આધાર સંહિતા છે. જ્યારે આપણે કોઈ ઘટનાને અર્થયુક્ત બનાવીએ છીએ, ત્યારે તેનું કારણ આપણે વિચારોની એક વ્યવસ્થા ધરાવીએ છીએ તે જ હોય છે. જેને આપણે ‘સંહિતા’ કહીએ છીએ તેના દ્વારા જ આ શક્ય બને છે. પ્રાચીન કાળમાં જ્યારે આકાશમાં વીજળી થતી હતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઊંચા પર્વતોમાં કે આકાશમાં રહેનારી કોઈ શક્તિનું આ કામ હશે. હવે એને એક ભૌતિકવિજ્ઞાનીય ઘટના જ સમજવામાં આવે છે. આમ એક પુરાકલ્પનાત્મક(Mythical) સંહિતાનું સ્થાન એક વૈજ્ઞાનિક સંહિતાએ લીધું છે. માનવભાષાઓ ‘સંહિતાકરણ’(Codification)નાં સૌથી વધુ વિકસિત ઉદાહરણો છે. જે સંહિતાઓ અસ્તિત્વમાં છે તે ઉપભાષિક (sub-linguistic) છે યા તો પરાભાષિક(supra- linguistic) છે. ચહેરાના હાવભાવ એ પરાભાષિક સંહિતાનું ઉદાહરણ છે; જ્યારે સાહિત્યિક પ્રણાલી એ ઉપભાષિક સાહિત્યનું ઉદાહરણ છે. આમ સંહિતા એ અમૂર્ત નિયમોની એક વ્યવસ્થા છે. હ.ત્રિ.