ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અને પ્રભાવ : પ્રભાવ વિશે જે મહત્ત્વના પ્રશ્નો ઊભા થયા છે તે કંઈક આ પ્રકારના છે. પ્રભાવ ખરેખર શું છે? એનું કઈ રીતે વર્ણન થઈ શકે? એનાથી કયો હેતુ સિદ્ધ થાય છે? એક સર્જક અથવા કૃતિના બીજા સર્જક કે તેની કૃતિ પર જે સંસ્કાર પડે છે, કેટલીક છાપો ઊપસી આવે છે તેને સામાન્ય રીતે ‘પ્રભાવ’ તરીકે ઓળખવામાં આવે છે. આવા ‘પ્રભાવ’ને કેટલાક ‘વ્યક્તિગત સ્વીકારની પ્રક્રિયા’ લેખે છે. કેટલાક તેને ‘આંતરચરિત્ર’ના એક ભાગ રૂપે ધરાવે છે. શૈશવનાં અનેક સ્મરણો જે તે સર્જકના વ્યક્તિત્વના જેમ અકાટ્ય અંશો બની રહે છે તેમ અમુક સર્જક કે સમર્થ કૃતિનો પ્રભાવ પણ આંતરચરિત્રનો જ હિસ્સો બની જતો હોય છે. ‘પ્રભાવ’ના મુદ્દાનો કેટલાક વિદ્વાનોએ રાજકીય સંદર્ભે પણ વિચાર કર્યો છે. તેઓનું કહેવું છે કે પ્રભાવ અને તેનો અભ્યાસ ક્યારેક ગેરમાર્ગે પણ દોરે. કોઈ એક સમયમાં પ્રભાવ પાડનાર અને પ્રભાવ ઝીલનારનો અભ્યાસ કરતાં એવું પણ આવી મળે કે પ્રભાવ ઝીલનારને નીચું સ્થાન અપાય અને પ્રભાવ વિસ્તારનારને ઊંચું સ્થાન અપાય. પરાધીન ભારતના સાહિત્યકારો ઉપર અંગ્રેજી સાહિત્યનો કેવો પ્રભાવ રહ્યો તેવી ચર્ચાવેળાએ આવાં ભયસ્થાનો જરૂર નજર સામે આવે. સંભવ છે કે પ્રભાવનો મુદ્દો ત્યાં સાહિત્યિક બનવાને બદલે રાજકીય બનીને અટકી જાય! પ્રભાવ પાડનારા દેશના કોઈક એને સાહિત્યિક આધિપત્ય લેખી ગૌરવ પણ અનુભવે. આ સર્વ ઉપરથી ‘પ્રભાવ’ સંજ્ઞા કેવી અટપટી છે તે સમજાશે. ‘પ્રભાવ’ની આવી સંકુલતા જ એના વધુ અભ્યાસ માટે તકાજો કરે છે. કોઈપણ સર્જક કોઈનો પણ પ્રભાવ ઝીલ્યા વિના આગળ વધ્યો હોય એવું ભાગ્યે જ બનવાનું. કોઈ એક સર્જક ઉત્તમ થવા ઇચ્છતો હોય, પોતાની કૃતિમાં ઊંડું-ઊંચું તાકવા માગતો હોય તો તેણે પોતાના લઘુક કોચલામાં પુરાઈ રહેવાનું પોસાય નહિ. અન્ય શ્રેષ્ઠ સર્જક-કૃતિના પ્રભાવક અંશો તેણે ઝીલવા જ રહ્યા. દરેક નીવડેલા સર્જક ઉપર પોતાના કોઈક સમકાલીન કે પુરોગામીની, તેની રચના કે સાહિત્યની એવી ‘છાપો’ જરૂર જોવા મળવાની. પછી તે શેક્સ્પીયર હોય કે ટાગોર – એલિયટ હોય. આવો પ્રભાવ સ્થૂળકક્ષાએ છે કે સૂક્ષ્મકક્ષાએ, કૃતિ એવા પ્રભાવથી બળવત્તર બની છે કે કેમ, આપણી અપેક્ષાઓ ત્યાં સંતોષાય છે કે અધૂરી રહે છે વગેરે પ્રશ્નોનું પણ આ સંદર્ભે ઘણું મહત્ત્વ રહ્યું છે. તુલનાત્મક સાહિત્યમાં તેથી ‘પ્રભાવ’ને પ્રાણરૂપ તત્ત્વ લેખવામાં આવે છે. કેટલાક પ્રભાવને બહિર્ગત ગણે છે, તો કેટલાક તેને માનસશાસ્ત્રીય પ્રક્રિયા રૂપે પણ નિહાળે છે. પ્રત્યક્ષ પ્રભાવને બદલે સ્મૃતિમાં ઝમી ઝમી એકઠી થયેલી સામગ્રી સ્વકીયતા સાથે પ્રકટે ત્યારે તેનું મૂલ્ય જુદી રીતે અંકાય છે. ટાગોરના પ્રભાવને આપણે ત્યાં સુરેશ જોષી વગેરેના નિબંધોમાં એ સ્તરે ઝિલાતો જોઈએ છીએ. આવો ‘પ્રભાવ ક્યારેક નકારાત્મક પરિણામો પણ નીપજાવે. કોઈ એક દેશ માટે એક કૃતિ અનેક કારણોસર મહત્ત્વની લેખાઈ હોય પણ બીજા દેશ માટે એનો પ્રભાવ વિપરીત સ્થિતિનું પણ નિર્માણ કરે. ક્યારેક એકસાથે વિધેયાત્મક અને નિષેધાત્મક બંને પ્રભાવો પણ જોઈ શકાય. પશ્ચિમની ઘટનાશ્રિત વાર્તાઓના પ્રભાવ ટાણે જ આપણે ત્યાં સુરેશ જોષીએ ઘટના-તિરોધાન માટે ભૂમિકા ઊભી કરી હતી. સામાન્ય સર્જકોમાં ‘પ્રભાવ’ અનુકરણની કક્ષાએ રહી જાય છે. આવી સ્થિતિ સાહિત્ય માટે જોખમી છે. ‘પ્રભાવ’ અને ‘અનુકરણ’ બંને ભિન્ન છે. ‘પ્રભાવ’ માત્ર દિશા છે, ધકેલે છે, તે દ્વારા જે નિર્માઈ આવે તે તદ્દન સ્વતંત્ર, નિજી હોવું જોઈએ. મૌલિકતાને દૃઢીભૂત, કરતી ક્રિયા તે બનવી જોઈએ. ‘હેમ્લેટ’ ઉપર ‘એમ્લેટ’ની દંતકથાનો પ્રભાવ જરૂર છે પણ એ પ્રભાવ શેક્સ્પીયરમાં ઓગળીને, આત્મસાત્ થઈને માનવીય વેદનાનો વ્યાપક સ્તરે અનુભવ કરાવે છે. સાહિત્ય અને તુલનાત્મક સાહિત્યમાં ‘પ્રભાવ’ આમ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેની શંકાસ્પદ ભૂમિકા પ્રત્યે પણ સંકેત થયા છે છતાં ગ્રહણ કરનાર સર્જક તેવું કઈ કક્ષાએ અને કેવા આશયથી ગ્રહણ કરે છે તેના ઉપર તેનું મૂલ્ય રહ્યું છે. પ્ર.દ.