ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રયોગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અને પ્રયોગ : કૃતિના સહજ નવોન્મેષ ઉપરાંત પરંપરાનો, સભાનપણે, ચીલો ચાતરવો એ પ્રયોગનું મુખ્ય લક્ષણ છે. પ્રયોગ આ રીતે એક વિશિષ્ટ ઘટના તરીકે સાહિત્યમાં સ્થાન અને મહત્ત્વ ધરાવે છે. પ્રયોગના મૂળમાં ચાલુ સાહિત્યવલણો અને રૂઢિઓ પરત્વે વિરોધ, વિભેદ, પ્રતિક્રિયા, ખંડન, વિદ્રોહ, પરિવર્તનેચ્છા, નવો વળાંક, નવીન દિશાની શોધ વગેરે જેવાં મનઃસ્થિતિઓ અને આશયો પ્રવર્તતાં હોય છે. એ બધાની પાછળ ગંભીર અને સુચિંતિત સમજ પણ પ્રવૃત્ત થઈ હોય છે. તો ક્યારેક અગંભીર નવતા-આકર્ષણ પણ એમાં પડેલાં હોય છે. પ્રયોગનાં ઉદ્ભવનિમિત્તો અનેક હોય છે કોઈ સાહિત્ય પરંપરાનું વર્ચસ્વ આદેશમૂલક બની રૂંધામણ ઊભી કરતું હોય, પરંપરા અનુગતિક અને કુંઠિત બની ગઈ હોય, સમય સાથે સંગત ન રહેતાં કાલબાહ્ય અને રેઢિયાળ થઈ ગઈ હોય ત્યારે પ્રયોગ એક વિદ્રોહ રૂપે આવે છે, તો કોઈવાર મોટાં સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક પરિવર્તનો પણ પ્રયોગને નોતરતાં હોય છે – જેમકે યુદ્ધોત્તર વિશ્વસાહિત્યની પ્રયોગશીલતા. ક્યારેક માનવજાતને અને સમાજને જોવાના નવા દૃષ્ટિકોણોને વ્યક્ત કરવા પણ પ્રયોગશીલ વલણો જન્મતાં હોય છે. સાહિત્યનાં સામગ્રી અને સ્વરૂપ બન્ને સ્તરે, એકસાથે કે અલગઅલગ રીતે પ્રયોગશીલતા પ્રવર્તતી હોય છે. આ બે મુખ્ય સ્તરો ઉપરાંત કૃતિના વિવિધ ઘટકો પરત્વે પણ નવા પ્રયોગ આકાર ધરતા હોય છે. કલ્પનપ્રતીક આદિના વિશિષ્ટ વિનિયોગની, છંદના આંતરિક સ્વરૂપબંધારણની ને નૂતન છંદસંયોજનાની, કથાસાહિત્યમાં ઘટનાસંયોજનની, નિરૂપણની ને કથનરીતિઓની, નાટકમાં દૃષ્ટાસંયોજનાદિ પ્રયુક્તિઓની – એવી અનેકવિધ દિશાઓ પ્રયોગો માટે ખુલ્લી હોય છે. પરંપરાથી ફંટાવું તે પ્રયોગનું લક્ષણ હોવા છતાં જૂની પરંપરાઓનો પ્રયુક્તિ લેખે વિનિયોગ કરવો એ પણ પ્રયોગનું ક્ષેત્ર છે. (જેમકે આધુનિક નાટકોમાં જૂની રંગભૂમિની સંવાદ-શૈલીનો વિનિયોગ), કેમકે કોઈપણ પ્રયોગ સમકાલીન પરંપરાસાપેક્ષ હોય છે. પ્રયોગનું પ્રાથમિક સ્વરૂપ, આમ સાપેક્ષતામૂલક છે પણ એનું સાચું મૂલ્ય તો લેખકની આંતરિક આવશ્યકતામાં રહેલું છે. પ્રવર્તમાન સાંસ્કૃતિક ને સાહિત્યિક અનેક સંદર્ભોની વચ્ચે કશુંક વિશેષ ઉમેરવાની, પરિવર્તન લાવવાની કે સ્થગિત પર આઘાત કરીને નવા સ્રોત વહેતા કરવાની અનિવાર્યતા એને પ્રતીત થવી જોઈએ. તો જ, વિરોધ, વિદ્રોહ – ખંડન એના આરંભમાં હોવા છતાં સાચી પ્રયોગશીલતા એક વિધાયક મૂલ્ય રૂપે ઊપસી રહે છે. કોઈપણ ભાષાના સાહિત્યનો ઇતિહાસ પ્રયોગ અને પરંપરાની -આવી કડીઓનો આલેખ હોય છે, જૂની અને જીર્ણ થતી પરંપરાને પડકારતો ને એનું ખંડન કરી પોતાની સત્ત્વશીલ નવીનતાને સ્થાપતો પ્રયોગ પરંપરાનો મોભો પ્રાપ્ત કરે છે, પણ પછી વળી, એના બાહ્ય કોચલાની અનુગતિક આરાધનાને લીધે એ પણ રૂઢ ને નિષ્પ્રાણ બનતાં નવો પ્રયોગ એનું સ્થાન લે છે. પ્રયોગના કેન્દ્રમાં એક વ્યક્તિ (લેખક) હોય છે, પછી પરંપરાને દૃઢ, પુષ્ટ અને (ક્યારેક) દોદળી કરવામાં અલ્પશક્તિ અનુયાયી-ઓનો સમુદાય હોય છે. વ્યક્તિગત પ્રતિભા અને પરંપરાનું આ રહસ્ય છે. સુચિંતિત હોય કે મુગ્ધ – પ્રયોગ પ્રાથમિકપણે તો તણખાનાં તે જ અને ચમકવાળો જ હોવાનો. ઉત્સાહ, વેગ, તાજગી ને નવીનતાથી એની મુદ્રા બંધાય છે કારણકે આખરે તો નૂતન સૌન્દર્યબોધ એનું પ્રયોજન છે. ર.સો.