ગુજરાતી સૉનેટકાવ્યો/ઉપડી ડમણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦૧. ઉપડી ડમણી

ભાનુપ્રસાદ પંડ્યા

દા’ડી સાંજે સીમથી વળતું વાતનું રમ્ય ટોળું,
વીંખી, લીધું ટીખળ મહીંથી એક; પેલા કૂવાના
કાંઠે દીઠા કમનીય વળાંકો વીંટીને, નદીની
રેફૂડીની રમત બધી પાનેતરે ગોપવીને,
તોફાનોની ઢગલી અમથી એક નાની કરીને,
ઑગાળીને નયન ગમતીલાં, મજાકો વિખેરી,
માફાવાળી ડમણી નીકળી નૂર લૈ આંગણાનું!

સાંતી છોડી ગુસપુસ કરી ગોઠડી ભેરુ સંગે
મોં ભાળ્યાની ચગળી ચગળી કોઈ મધ્યાહ્નવેળા
છાંયે બેસી ઝગતી બીડીનાં ગૂંચળામાં ધસંતું
શેઢે જોયું રૂપ ધુમસિયું! આજ ગાડું ભરીને
સોડે બેઠું! રજનીભરનું રુક્ષ એકાંત લીલું
લીલું થાશે? મબલખ લણી પાક સૌ સોણલાંનો
સાફાવાળી ઉપડી ડમણી ગામને ગોંદરેથી!