ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/ભાષાવિજ્ઞાન / વ્યાકરણ
| ૧. | શીર્ષક | : | A Linguistic Study of Siddi Dialect & Bedi Village of Jamnagar |
| સંશોધક | : | નિવેદિતા પી. બસુ | |
| માર્ગદર્શક | : | ડૉ. શાંતિભાઈ આચાર્ય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૮૩ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ભારતમાંથી લુપ્ત થતી સીદી જાતિના લોકોની બોલી અને ભાષાને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં સંશોધન એટલે શું? તેની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી છે. ગુજરાતના જામનગર જિલ્લાના બેદી ગામમાં વસવાટ કરતા સીદી લોકોની બોલી તથા ભાષા વિશે સંશોધન રજૂ કર્યું છે. સીદી લોકોનો ઈતિહાસ, રીત-રિવાજો, ધર્મ, ભાષા, સંગીત-નૃત્ય, આર્થિક-સામાજિક પરિસ્થિતિ વગેરે વિશે માહિતી આપી છે. સીદી લોકોની બોલીમાં ઉચ્ચારાતા સ્વર-વ્યંજનોનો ઉદાહરણ સહિત પરિચય આપ્યો છે. સીદી લોકોની શબ્દ તથા વાક્યરચનાના ઉદાહરણો રજૂ કર્યા છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.
| ૨. | શીર્ષક | : | શ્રી પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓમાં રૂઢિપ્રયોગો, કહેવતો અને અલંકારોની અભિવ્યક્તિનો અભ્યાસ (‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’ના સંદર્ભમાં) |
| સંશોધક | : | ઉષાબહેન જે. દવે | |
| માર્ગદર્શક | : | ડૉ. જગદીશ વ્યાસ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૯૬ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધમાં નવલકથાકાર પન્નાલાલ પટેલની ઉપરોક્ત ત્રણેય નવલકથામાં પ્રયોજાયેલ રૂઢિપ્રયોગો, કહેવતો તથા અલંકારોનો અભ્યાસ કરી પન્નાલાલના ભાષા પ્રભુત્વને તપાસવાનો પ્રયત્ન કરેલ છે. પ્રારંભમાં પન્નાલાલના જીવન-સર્જનનો પરિચય કરાવી ત્રણેય નવલકથાના કથાવસ્તુનો સાર રજૂ કર્યો છે. ત્રણે કૃતિઓનો ઝીણવટથી અભ્યાસ કરી તેમાં પ્રયોજાયેલ રૂઢિપ્રયોગો, કહેવતો અને અલંકારો જુદા તારવી તેનું વર્ગીકરણ કરી, તેના અર્થો સહિત વિગતો મૂકી આપી છે. આમ પ્રાદેશિક બોલીના અભ્યાસની રીતે તથા ગુજરાતી ભાષાના વ્યાકરણની રીતે આ શોધનિબંધ રજૂ થયો છે.
| ૩. | શીર્ષક | : | શ્રી પીતાંબર પટેલની નવલકથાઓમાં રૂઢિપ્રયોગો, કહેવતો અને અલંકારોની અભિવ્યક્તિનો અભ્યાસ |
| સંશોધક | : | સુશીલાબહેન પટેલ | |
| માર્ગદર્શક | : | ડૉ. જગદીશ વ્યાસ | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૧૯૯૬ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. નવલકથાકાર શ્રી પિતાંબર પટેલની નવલકથાઓમાં પ્રયોજાયેલાં રૂઢિપ્રયોગો, કહેવતો તથા અલંકારોનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં પીતાંબર પટેલનાં જીવન – સર્જનનો પરિચય રજૂ કર્યો છે. શોધકર્તાએ પીતાંબર પટેલની ‘રસિયો જીવ’, ‘પરિવર્તન’, ‘ઊગ્યું પ્રભાત’, ‘ખેતરને ખોળે’ ભાગ-૧-૨, ‘ચિરંતન જ્યોત’ વગેરે ૧૧ જેટલી નવલકથાઓનો પરિચય આપ્યો છે. આ કૃતિઓમાં પ્રયોજાયેલ વિવિધ રૂઢિપ્રયોગો, કહેવતો અને અલંકારો જુદા તારવી, તેનું વર્ગીકરણ કરી અર્થ સહિત અભ્યાસ રજૂ કર્યો છે. પ્રાદેશિક બોલીની લાક્ષણિકતાઓના સુંદર નમૂના અહીં મળી રહે છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.
| ૪. | શીર્ષક | : | સુધારકયુગનો વ્યુત્પત્તિવિચાર: એક અધ્યયન |
| સંશોધક | : | દિનેશકુમાર પી. ચૌહાણ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૫ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગુજરાતી ભાષાનાં વ્યાકરણને કેન્દ્રમાં રાખી સુધારકયુગનાં વ્યુત્પત્તિ વિષયક ચાર પુસ્તકો સંદર્ભે ઝીણવટભર્યો અભ્યાસ રજૂ કર્યો છે ‘વ્યુત્પત્તિપાઠ’ (નવલરામ પંડ્યા ૧૮૭૩), ‘વ્યુત્પત્તિ પ્રકાશ’ (મહીપતરામ નીલકંઠ-૧૮૮૩), ‘વ્યુત્પત્તિસાર’ (જયચંદ બ. ઝવેરી ૧૯૦૫), ‘વ્યુત્પત્તિ પ્રકાશ’ (પ્રેમચંદ ક. શાહ-૧૯૨૩) એ ચાર પુસ્તકોનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં સંશોધન એટલે શું? તેની પધ્ધતિઓ, સુધારકયુગમાં અન્ય ક્ષેત્રે થયેલાં સંશોધનો વગેરેનો પરિચય કરાવ્યો છે. વ્યુત્પત્તિ સંજ્ઞા, સ્વરૂપ, તેનો ઈતિહાસ વગેરેની ચર્ચા કરી છે. ઉપરોક્ત ચારે પુસ્તકોમાં પ્રયોજાયેલાં પ્રત્યય, ઉત્સર્ગ, ઉપસર્ગ, ધાતુ વગેરેનો અભ્યાસ રજૂ કર્યો છે. અંતે તેનાં અન્ય અધ્યયન ક્ષેત્રો સમાસ, સંધિ, ગુજરાતી ભાષાનો ઈતિહાસ, શબ્દભંડોળ વગેરેની રીતે ચર્ચા કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.
| ૫. | શીર્ષક | : | સુધારકયુગના ભાષાશાસ્ત્રીય સંશોધનોમાં વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીનો ફાળો |
| સંશોધક | : | શૈલેષકુમાર સી. પટેલ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ઈ.સ. ૨૦૦૫ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં સુધારક યુગના ભાષાશાસ્ત્રી શ્રી વ્રજલાલ કા. શાસ્ત્રીના ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન વિશે અભ્યાસ રજૂ થયો છે. વ્રજલાલ શાસ્ત્રીના જીવન અને પ્રદાન વિશે માહિતી આપી તેમના ‘ગુજરાતી ભાષાનો ઈતિહાસ’, ‘ઉત્સર્ગમાળા’, ‘રસગંગા’, ‘ધાતુસંગ્રહ’, ‘ઉક્તિસંગ્રહ’ જેવાં પુસ્તકોનો પરિચય આપ્યો છે. સુધારકયુગમાં ભાષાશાસ્ત્ર વિશે થયેલાં જુદાં જુદાં સંશોધનો વિશે માહિતી આપી છે. ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ પુસ્તક વિશે ઝીણવટભર્યો અભ્યાસ રજૂ કર્યો છે. આ ઉપરાંત ‘ધાતુસંગ્રહ’માંના ૧૨૩ જેટલા ઉત્સર્ગોની સુંદર ચર્ચા રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.
| ૬. | શીર્ષક | : | ’સરસ્વતીચંદ્ર’ નવલકથામાં રૂઢિપ્રયોગો અને કહેવતોનો વિનિયોગ : એક અભ્યાસ |
| સંશોધક | : | દશરથ એસ. પટેલ | |
| માર્ગદર્શક | : | ડૉ. ઉષા ઉપાધ્યાય | |
| સંશોધન વર્ષ | : | ૨૦૦૬ |
ટૂંકસાર :
પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણમાં ગોવર્ધનરામ ત્રિપાઠીનું જીવન, તેમનું સાહિત્યસર્જન તેમ જ તેમનાં વ્યક્તિત્વ અને વાઙ્મયની ચર્ચા થઈ છે. બીજાં પ્રકરણમાં કહેવત, રૂઢિપ્રયોગનો સંજ્ઞાવિચાર, વ્યાખ્યા અને વિભાવનાનો ખ્યાલ રજૂ થયો છે. ત્રીજાં પ્રકરણમાં ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં પ્રયોજાયેલી કહેવતોનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે. ચોથાં પ્રકરણમાં નવલકથામાં પ્રયોજાયેલા રૂઢિપ્રયોગોના અર્થ આપીને તેનું વિવરણ કર્યું છે. પાંચમાં પ્રકરણમાં સમગ્ર શોધનિબંધનો ઉપસંહાર રજૂ થયો છે. અંતે સંદર્ભસૂચિ આપવામાં આવી છે.