ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સૌ. સુમતિ લલ્લુભાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(સૌ.) સુમતિ લલ્લુભાઈ શામળદાસ

ગુજરાતી સાહિત્યના આકાશમાં ઉદય પામીને તરત અસ્ત પામી જનાર આ લેખિકા બહેનનો જન્મ ઈ.સ. ૧૮૯૦માં ભાવનગરના સુપ્રસિદ્ધ વણિક ગૃહસ્થ લલ્લુભાઈ શામળદાસને ત્યાં થયો હતો. સરદાર ભોળાનાથ સારાભાઈના પુત્ર સ્વ. ભીમરાવનાં એ દોહિત્રી થાય. તેમણે શાળામાં રીતસર અભ્યાસ બહુ થોડો કરેલો, પણ ‘બુદ્ધિની તીવ્રતા, જ્ઞાનની જિજ્ઞાસા અને પિતાના ઘરનું પુસ્તકમય વાતાવરણ એ સર્વને પરિણામે’ સુમતિને ‘વાંચવાનો શૉખ બેહદ થયો’ હતો. માંગરોળવાળા વૈષ્ણવ અનંતપ્રસાદની પાસે તેમણે સંસ્કૃતનો અભ્યાસ ઘેર કર્યો હતો. અંગ્રેજી સાહિત્યનો પણ તેમને ઠીક પરિચય હતો. અંગ્રેજ કવિ રૉબર્ટ બ્રાઉનિંગ તથા મિસિસ બ્રાઉનિંગની કાવ્યકૃતિઓનો શૉખ તેમને તેમના પિતાના મિત્ર મિત્ર મિ. બરજોરજી પાદશાહે લગાડ્યો હતો. આમ, ઊગતી વયથી જ સાહિત્યરસિકતાનાં બીજ સુમતિના હૃદયમાં પડ્યાં હતાં. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસ સાથે તેમની સર્ગશક્તિ ભળતાં સુંમતિએ સત્તર અઢાર વર્ષની વયે લેખનકાર્ય શરૂ કર્યું હતું. તેમણે ભાષાંતર, ૫છી અનુકરણ, સયોજન-રૂપાન્તર અને છેવટે સ્વતઃકલ્પિત રચના-એ ક્રમ અનુસાર કાવ્યરચના કરી જણાય છે. દક્ષિણની મુસાફરી કરતાં ડોળીમાં બેઠાં બેઠાં પોતે ઈશ્વરભક્તિનાં કેટલાંક કાવ્યો લખ્યાં હતાં તેનો ‘પ્રભુપ્રસાદી’ નામે પહેલો કાવ્યસંગ્રહ તેમણે અઢાર વર્ષની વયે બહાર પાડ્યો હતો. પછી કુદરત, સમાજ, ઈશ્વરભક્તિ અને અંગત અનુભવોને આલેખતી ૫૮ કૃતિઓનો બીજો સંગ્રહ ‘કાવ્યઝરણાં’ નામે તેમના મૃત્યુ બાદ પ્રગટ થયો હતો. તેમાં મોટા ભાગની (૪૦) સ્વત:કલ્પિત રચનાઓ હતી. સુમતિની કવિતામાં, અલંકાર, છંદ, ભાષા, પદ્યરૂપ આદિ પરત્વે કોઈ વિશેષતા જોવા નહિ મળે, પણ સુકુમાર રસયુક્ત કલ્પના અને ‘સરલગામિની શૈલી’ તેમનો નિસર્ગસિદ્ધ કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. તેમણે અંગ્રેજીમાંથી આધારરૂપ વસ્તુ લઈને સ્વતંત્ર કલાવિધાનવાળી કેટલીક ટૂંકી નવલકથાના કદની વાર્તાઓ લખી હતી, જેનાં નિર્દોષ અને સાત્ત્વિક છતાં વાસ્તવદર્શી પાત્રચિત્રણો ઠીક આકર્ષક નીવડ્યાં હતાં. વાર્તાનું નાટકરૂપે કે કાવ્યરૂપે અથવા કાવ્યનું વાર્તારૂપે પુનર્ઘટન કરવાની કુશળતા પણ તેમનામાં હતી. સમર્થ સર્જકની આગાહી આપતી તેમની આ કૃતિઓ પરિપકવ કલાસ્વરૂપે પરિણત થાય તે પહેલાં તો, સુમતિ માત્ર ૨૧ વર્ષની વયે, તા. ૯ જુલાઈ ૧૯૧૧ના રોજ, લાંબી બિમારીને અંતે પ્રભુશરણ પામ્યાં.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન સાલ *પ્રકાશક
૧. પ્રભુપ્રસાદી *કાવ્યસંગ્રહ *૧૯૦૮ *પોતે
૨. કાવ્ય ઝરણાં *કાવ્ય સંગ્રહ *૧૯૧૨ *પોતે
૩. કેટલીક નવલકથાઓ *ચાર ટૂંકી નવલકથાઓ *૧૯૧૨ *વૈકુંઠ લલ્લુભાઈ શામળદાસ

અભ્યાસ-સામગ્રી

૧. મનોમુકુર, ગ્રન્થ ૨ (ન. ભો. દી.) પૃ. ૧.
૨. ‘કેટલીક નવલકથાઓ’ની પ્રસ્તાવના (શ્રી વિદ્યાગૌરી નીલકંઠ)
૩. ‘સ્ત્રીબોધ’ (માસિક), મહિલા પરિષદ અંક; જાન્યુઆરિ ૧૯૩૭, પૃ. ૧૭-૧૮

***