ચૈતર ચમકે ચાંદની/એક બીજી દ્રૌપદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક બીજી દ્રૌપદી

આ વખતે બંગાળના પ્રવાસ દરમિયાન બે મહત્ત્વના સાહિત્યકારોને પહેલી વાર મળવાનું બન્યું. એક તે યુવાન કવિ જય ગોસ્વામી અને બીજાં તે પ્રસિદ્ધ કથાલેખિકા મહાશ્વેતા દેવી.

એક સવારે શાંતિનિકેતનમાં રોયિસ્ટ તરીકે પ્રસિદ્ધ શ્રી શિવનારાયણ રાયને મળવા ગયો. શ્રી રાય મુખ્યત્વે તો કલકત્તામાં રહે છે, પણ શાંતિનિકેતનમાં એક વિશાળ આવાસ લઈ રાખ્યો છે. વચ્ચે વચ્ચે ત્યાં રહેવા આવી જાય. આ આવાસમાં તેમની પુત્રવધૂએ બાળકો માટે કિન્ડર ગાર્ટન શરૂ કર્યું છે.

શિવનારાયણ રાયને મળવામાં એક ઉત્તેજના રહે છે. કલકત્તાના પ્રસિદ્ધ બૌદ્ધિકોમાંના એક, અનેક લોકો એમને મળે. હમણાં ઑક્સફર્ડ તરફથી એમણે સંપાદિત કરેલ ‘એમ. એન. રોયની ગ્રંથાવલિ’ અંગ્રેજીમાં પ્રકટ થઈ રહી છે.

શરૂઆતમાં એમના ઘર આગળથી પસાર થયો તો જોયું કે વરંડામાં ત્રણ-ચાર ખુરશીઓમાં બેઠેલા લોકો સાથે ગપસપ ચાલી રહી છે. એમાં ભંગ ન પડે એટલે થોડો સમય વિતાવી પછી ગયો. તે વખતે એક જ વ્યક્તિ તેમની સામે બેઠી હતી. આ વખતે તો મળી જ લઉં.

આગળનું મોટું આંગણ પાર કરી પગથિયાં ચઢું છું. ત્યાં તેમનાં પત્ની ગીતાબહેને મને જોયો. આઠેક વર્ષ પછી મળતાં હતાં પણ ઓળખી ગયાં. શિવનારાયણ રાયને મેં નમસ્કાર કર્યા. ‘કેમ છો?’ વગેરે પૂછપરછ પછી સામેની ખુરશીમાં બેઠેલ વ્યક્તિ ભણી નજર કરી મને પૂછ્યું : ‘ઓળખો છો?’ એમની આંખોમાં આંખો પરોવતાં મેં ક્ષમાભાવે ના પાડી. તો કહે છે – એ છે કવિ જય ગોસ્વામી.

‘સાચે જ? કવિ જય ગોસ્વામી?’ મને એટલો બધો આનંદ થયો કે હું લગભગ ઊભો થઈ ગયો, તેમને નમસ્કાર કરતો. જોકે કવિ વયમાં મારાથી ઘણા નાના હતા. સફેદ ઝભ્ભો, સફેદ પાયજામો, ખાસ્સી દાઢી – અલબત્ત યુવાનની – એ નમસ્કાર કરતા જોઈ રહ્યા.

મેં શિવનારાયણને કહ્યું : આ જ તો ‘ઝાઉ પાતા ધુમિયેછો’ના કવિ. હમણાં જ મેં એમનો એ સંગ્રહ વાંચ્યો છે. મુંબઈમાં ‘સહૃદય’ સંસ્થાના ઉપક્રમે બંગાળી કવિતા વિષે વાર્તાલાપ આપતાં તેમની કવિતાનું પઠન કરેલું.

શિવનારાયણ રાયે જય ગોસ્વામીને મારો પરિચય કરાવ્યો, પછી અમે નક્કી કર્યું કે જરા નિરાંતે મળીએ. હું પૂર્વપલ્લી અતિથિગૃહમાં ઊતર્યો હતો. કલાકેક પછી અમે બન્ને અતિથિગૃહના નાના પાર્કમાં એક ઝાડ નીચે બેઠા અને બે કલાક સુધી વાતો કરતા રહ્યા.

કોઈને પહેલી વાર મળતા હોઈએ ને એની સાથે બે કલાક વાતો કરીએ અને છતાં થાય કે વાતો ચાલતી રહે, એ પણ અનુભવ. જય ગોસ્વામી વિષે હું સાંભળતો આવ્યો હતો. અત્યારની યુવાન પેઢીમાં સૌથી શ્રેષ્ઠ બંગાળી કવિ તે જય ગોસ્વામી.

મેં એમને કહ્યું કે ‘તમે મળશો એવી તો કલ્પના પણ નહિ. તમે મળ્યા અને તે પણ કવિ રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં. આ ધન્ય સ્મરણ રહી જશે.’ રવીન્દ્રનાથની વાત નીકળતાં જય ગોસ્વામી જાણે ગદ્ગદ થયા. કહે – એમની કવિતા પર હું ઊછર્યો છું. હું બહુ ભણ્યો નથી. કૉલેજમાં તો કદી ગયો જ નથી. અંગ્રેજી થોડું સમજી શકું છું, પણ વાંચવા-બોલવાની મુશ્કેલી છે.

મને આશ્ચર્ય થયું. અંગ્રેજી જાણ્યા વિના આ કવિ આજની પેઢીના અગ્રણી કવિ કેવી રીતે માન્ય થયા હશે? કહે – ‘અમે બહુ ગરીબ હતાં. પિતા નાની વયે ગુમાવેલા. મા શિક્ષિકા અને ભણેલાં. તે અંગ્રેજીમાંથી કવિતાઓ સંભળાવે. હું ભણી શકતો નહિ, પણ રવીન્દ્રનાથ તે મારા પ્રિય કવિ. એ પછી સુનીલ ગંગોપાધ્યાય. એ પછી શંખ ઘોષ.’

મેં કહ્યું : આ બન્ને કવિઓનો મને પરિચય છે. સુનીલ દા તો અમદાવાદ મારે ઘરે પણ રહી ગયા છે. શંખ ઘોષની કવિતાની અને એમના એક પુસ્તક ‘જર્નલ’ની વાત મેં કરી. તો કહે – ‘ ‘જર્નલ’ કોને અર્પણ કરવામાં આવી છે – જાણો છો? મને.’

સ્વાભાવિક રીતે જ પૂછ્યું : તમે બીજું શું કામ કરો છો? આપણે ત્યાં સાહિત્યલેખન એ મુખ્ય પ્રવૃત્તિ ભાગ્યે જ હોય. પણ મારા આશ્ચર્ય વચ્ચે એમણે કહ્યું – ‘કવિતારચના સિવાય કશું નહિ.’ મને આપણા કવિ રાજેન્દ્ર શુક્લ યાદ આવ્યા.

જય ગોસ્વામી કલકત્તામાં નથી રહેતા, નદિયા જિલ્લાના રાણાઘાટ પાસેના એક ગામડામાં રહે છે. પછી કહે, ચૈતન્ય મહાપ્રભુના એક સાથી નિત્યાનંદ ગોસ્વામીની પેઢીમાં હું. પણ હું જોકે પ્રભુમાં માનતો નથી.

હું એમની આંખોમાં જોઈ રહ્યો. એમના મોઢાના ભાવ જોઈ રહ્યો. નખશિખ કવિ. એમણે કહ્યું – ‘હું સેન્ટિમેન્ટલ છું, ક્યારેક નિરાશાવાદી પણ બની જાઉં છું, પરંતુ તમે જ્યારે કહો છો કે મારી કવિતા તમે વાંચી છે ત્યારે હું ભાવવિભોર બનું છું. દૂર ગુજરાતમાં મારી કવિતા વંચાય છે? અને ત્યારે મને જાણે અનુપ્રેરણા મળે છે.’ પછી અંગ્રેજી શબ્દ બોલ્યા – ‘એક જાતનું ‘ઇમ્પેટસ’.

કહે – ‘માના અવસાન પછી પહેલી સંવત્સરી આવી, પણ સંવત્સરી ઊજવવા ઘરમાં કશું નહિ. પણ તો મેં બે લીટીની એક કવિતા લખી, ઘરની દીવાલે ચિપકાવી :
નામ લિખેછિ એકટિ તૃણે

આમાર માયેર મૃત્યુ દિને.

(નામ લખ્યું મેં એક તણખલે

મુજ માડીના મૃત્યુદિને).

સાચે જ કવિ. ચા માગાવી હતી તે આવી. ચા પીતાં પીતાં આજની બંગાળી કવિતાની પણ વાત નીકળી. પછી કહે, તમે આટલા મોટા છો, પણ મારા જેવા ઉંમરમાં નાના પ્રત્યે આવો ભાવ કેવી રીતે બતાવી શકો છો? મેં કહ્યું – તમારી કવિતાને કારણે.
*
મહાશ્વેતા દેવીને કલકત્તામાં એમના ઘરે મળવા મિત્ર સુવીર રાય ચૌધુરી લઈ ગયા. સુવીર મારા જૂના મિત્ર છે અને અત્યારે જાદવપુર યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્ય વિભાગના અધ્યક્ષ છે. એ સાંજે વિભાગમાં મારા વાર્તાલાપ પછી, પહેલાં મને કવિ સુભાષ મુખોપાધ્યાયને ત્યાં લઈ ગયા. ઘણા વખત પછી એમને પણ મળવાનું થયું. આપણા ઉમાશંકરભાઈનો અત્યંત આદર કરે. એક વખતે મૉસ્કોમાં એ બન્ને કવિઓ સાથે.

એમની મોટરગાડીમાં અમે નીકળ્યા. પછી તો એક સાંકડા માર્ગેથી એક સાંકડી ગલીના દરવાજે ઊતરી ગયા. થયું મહાશ્વેતા દેવી અહીં રહે છે? ‘અરણ્યેર અધિકાર’ એમની જાણીતી નવલકથા છે, જેનો ગુજરાતી અનુવાદ થયો છે. એ માટે સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર પણ મળેલો. પણ વધારે જાણીતી તો ‘હાજાર ચુરાશીર મા’. વાંચવા જેવી નવલકથા. ગુજરાતી થયું છે.

મહાશ્વેતા દેવીએ આદિવાસીઓ વચ્ચે રહીને ખૂબ કામ કર્યું છે. અંગ્રેજીનાં અધ્યાપિકા. પ્રસિદ્ધ નાટ્યકાર બિજન ભટ્ટાચાર્યનાં પત્ની. પણ પતિપત્ની છૂટાં થઈ ગયાં છે.

‘અત્યંત તેજ સ્વભાવ છે.’ સુવીરે મને કહ્યું. અમે ચક્કરદાર સીડી ચઢી એમના ઘરમાં ગયા. સાંકડા અભ્યાસખંડમાં લખવાનું ટેબલ અને એક પલંગ ને પુસ્તકોની ભીડ. સુવીરે મારો પરિચય કરાવ્યો. વાત ચાલી. પછી કહે – મારે મન તો આ આદિવાસીઓ વચ્ચે કામ કરી એમને ઉન્નત કરવાનું કામ મુખ્ય છે. સાહિત્ય મારે માટે ગૌણ છે!

પછી એમની વાર્તાઓની વાત ચાલી. ખાસ તો ‘દ્રૌપદી’ વાર્તાની. મેં કહ્યું – ‘આજે કૉલેજ સ્ટ્રીટમાં ગયા, પણ એ વાર્તા જેમાં હોય તે સંગ્રહ ના મળ્યો.’ કહે – ‘અગ્નિગર્ભ’ નામના સંગ્રહમાં છે. પછી કહે – ‘એ વાર્તા પણ આદિવાસીઓ વચ્ચેથી, નક્સલો વચ્ચેથી મને મળી છે.’

‘દ્રૌપદી’ અદ્ભૂત વાર્તા છે. વાર્તા તો છે એક સાંતાલ નારીની. દોપદી નામે ઓળખાય. મહાભારતની દ્રૌપદી સાથે એની કથા સહોપસ્થિતિ રચે છે. નકસલ આંદોલન વખતે આ દ્રૌપદી આંદોલનકારીઓની સાથે છે. પોલીસ અમાનુષી દમનનો કોરડો નક્સલો પર વીંઝતી હોય છે. તેવે વખતે દ્રૌપદીને આ નક્સલોને મદદ કરવાના આરોપસર પોલીસ પણ શોધે છે. એના માથા પર ઇનામ છે. અનેક વખત થાપ આપ્યા પછી એક વાર પોલીસને હાથે પકડાઈ જાય છે. પોલીસવડા કહે છે – ‘એને સરખી કરીને લાવો.’

સરખી કરવી એટલે? પોલીસની ભાષા હતી. દોપદીના હાથપગ ખૂટે બાંધી એક નહિ, બે નહિ, પાંચ-સાત જણા બળાત્કાર કરે છે, તે એટલે સુધી કે લોહી વહે છે અને એ બેહોશ થઈ જાય છે. (દ્રૌપદીના પાંચ પતિની વાત કેવી રીતે ગોઠવાય છે અહીં?) પછી ફરી વાર એ કૃત્ય દોહરાય છે. માંસનો સક્રિય પિસ્ટન ફરી એના પર ઊંચો થતો અને નીચો થતો હતો. ઊંચો થતો અને નીચો થતો હતો. એ પછી સવાર થઈ ગયું. એને પોલીસ-અધિકારી આગળ લઈ જવાતી હોય છે, ત્યારે એ પોતાની સાડી દાંતે પકડી ચીરેચીરા કરી નાખે છે. પોતે પોતાની મેળે જ નગ્ન બની જાય છે. મહાભારતમાં વ્યાસની દ્રૌપદીએ હસ્તિનાપુરની રાજસભામાં પ્રશ્ન કર્યો હતો – ‘યુધિષ્ઠિરે પોતાની જાતને હાર્યા પછી મને હોડમાં મૂકી હતી કે પહેલાં? પોતાની જાતને હાર્યા પછી મને હોડમાં મૂકવાનો એમનો શો અધિકાર છે?’

દ્રૌપદીના એ પ્રશ્નનો ઉત્તર કુરુકુલની સભાના ભીષ્મ આદિ વૃદ્ધો પણ આપી શક્યા નહોતા – ‘ધર્મસ્ય તત્ત્વં નીહિતં ગુહાયામ્’ કહીને ચૂપ થઈ ગયા હતા – એ પછી દ્રૌપદીનો એ પ્રશ્ન ઇતિહાસનાં પૃષ્ઠો પર સદીઓની સદીઓ એક યા અન્ય રૂપે ઘૂમરાયા કર્યો છે – તે મહાશ્વેતાની દોપદી-દ્રૌપદીના પ્રશ્ન સુધી પહોંચે છે. દોપદીને નવસ્ત્રી જોઈ પોલીસ અધિકારી બુમરાણ કરી મૂકે છે :

‘એની સાડી ક્યાં છે? સાડી?’

‘પહેરતી નથી સર, એણે ફાડી નાખી છે.’

દોપદીનું કાળું શરીર પોલીસ-અધિકારીની વધારે નજીક જાય છે–અને ભીષણ આકાશભેદી તીવ્ર અવાજમાં પ્રશ્ન કરે છે:

‘સાડી? સાડીનું શું કામ છે? તું મને નવસ્ત્રી કરી શકે છે, વસ્ત્ર શું પહેરાવવાનો હતો? તું મરદ છે?’

પોતાનું લોહીવાળું થુંક અધિકારીના સફેદ પહેરણ પર થૂંકે છે અને કહે છે – અહીં કોઈ મરદ નથી, જેની મને શરમ આવે? મારે સાડી જોઈતી નથી.

‘તું બીજું શું કરી લેવાનો છે?

‘લે કાઉન્ટર કરી લે, કાઉન્ટર –’

અને દ્રૌપદી પોતાના બે મર્દિત સ્તનોથી અધિકારીને ધક્કા મારતી જાય છે. ખૂંખાર અધિકારીને આ નિરસ્ત્ર ટાર્ગેટ સામે ઊભા રહેતાં બીક લાગે છે, ભયંકર બીક.

વ્યાસની દ્રૌપદીએ એના વસ્ત્રાહરણ વખતે નિઃસહાય બની ‘ગોવિંદ દ્વારકાવાસી’ને યાદ કર્યા હતા – મહાશ્વેતા દેવીની દ્રૌપદી અદ્ભુત પ્રતિકાર કરે છે, પોતે જ પોતાનું વસ્ત્રાહરણ કરીને.

આવી વાત લખનાર, આવી ‘દ્રૌપદી’ આપનાર લેખિકા સાથે એમના ઘરમાં બેસીને વાતો કરવાનો અવસર અમૂલો હતો.

મહાશ્વેતા દેવીએ બિહારના આદિવાસીઓ અને એમની જીવનરીતિની, એમની અસહાયતાની, અને એમના સંઘ દ્વારા એમના જીવનને ઉન્નત કરવાની ચાલી રહેલી યોજનાઓની વાત કરી. આ આદિવાસી પ્રજાએ તૈયાર કરેલા હસ્તકલાના નમૂના તેમને ત્યાં હતા, તેમાંથી અમે આ મિલનની સ્મૃતિ માટે એક એક ખરીદ્યા.

જ્યારે એમની વિદાય લીધી, ત્યારે લોડશેડિંગને કારણે અંધારું થઈ ગયું. એમણે ટૉર્ચથી અજવાળું કર્યું અને એ અજવાળે અમે બે મિત્રો ચક્કરદાર સીડી ઊતરી નીચે આવ્યા, ત્યારે જાણે એક ઊંચી ભૂમિકાને સ્પર્શીને આવ્યા હોય એવું લાગ્યું.

૧૪-૪-૯૧