છિન્નપત્ર/૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરેશ જોષી

બહુ જ છે બધાં – નામ ગણાવીને શું? એક માણસ બીજા માણસને મળે છે શા સારુ? જેથી બંને જણા એકબીજાનાં નામ ભૂંસી શકે, થોડી ખરબચડી રેખાઓ સરખી કરી શકે અને જો એથીય વળી મોટું સદ્ભાગ્ય હોય તો પોતાનામાં વ્યાપેલા શૂન્યમાં એકાદ નક્ષત્ર પ્રગટાવી શકે.

મારી આજુબાજુ વાતો ચાલી રહી છે. કોઈક વાર એનો પ્રવાહ ક્ષીણ બની જાય છે, કોઈક વાર ખડકો પરથી વહી જઈને એ સીકરો છાંટે છે. હું કેવળ શબ્દોની સંખ્યા ગણું છું. એક શબ્દને બીજા શબ્દ સાથે જોડતો નથી. ક્ષણને ક્ષણ સાથે, શબ્દને શબ્દ સાથે, માણસને ઈશ્વર સાથે જોડવાને જે જોઈએ તે હું ક્યાંથી લાવું? જોડવાનું એ સ્નેહતત્ત્વ મેં તો આપણી વચ્ચે જ લુંટાવી દીધું હતું! આથી જ તો હું ક્ષણના પાંચીકા હવામાં ઉછાળું છું, શબ્દોના મણકા સેરવ્યા કરું છું, ને મને અચરજ થાય છે કે તું તારાં આંસુઓને જોડી શકે છે ખરી? તારા મૌનનાં બે કણને જોડી શકે છે ખરી? કદાચ એને જોડવાથી મોટો સ્ફોટ થાય, કદાચ એ સ્ફોટથી તું પોતે જ બાષ્પ બનીને વિખેરાઈ જાય, સમુદ્રની પાંપણ નીચે તું આંસુ બનીને ઝમી આવે ને આખરે અજાણ્યા કોઈ કાંઠા ઉપર ભરતીએ ભરેલી ફીણની ઝૂલમાં કે પછી કાંઠા ઉપર ઝીલાઈ રહેલા ધોળા ક્ષારમાં મોક્ષ પામે. જો, તારું વૈકુણ્ઠ મેં તને શોધી આપ્યું છે. પણ તું કોઈનું શોધેલું વૈકુણ્ઠ સ્વીકારે એવી નથી. કદાચ મારો આ જન્મ તારા અભિમાનની પ્રદક્ષિણા કરવામાં જ પૂરો થવાનો છે. પણ જાણે છે, દરેક પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે. ને તેથી જ તું કદાચ તારા આંસુની પ્રદક્ષિણા કર્યા કરે છે, ખરું ને? આથી જ તો હું વિચાર્યા કરું છું: તારા પુણ્યસંચયને એક ધડાકે ઉડાવી દે એવું કશું મારામાં છે ખરું? પુણ્યે રચેલો વિચ્છેદ પૂજવા યોગ્ય બની જાય છે; પછી એ વિચ્છેદ રાજભોગ પામીને પુષ્ટ થતો જાય છે. ઘણ્ટનાદ ને દીપમાળ વચ્ચે કોઈ કાળી મૂતિર્ની તગતગતી બે આંખોની જેમ આપણા લોહીમાં એ તગતગ્યા કરે છે. મારી આજુબાજુ ઘણાં બધાં છે – એ સૌ મને કેટલી આસાનીથી સ્વીકારી લઈ શકે છે! મને એમની અદેખાઈ આવે છે. તને? તું કદી એવી વાત હોઠે લાવતી નથી. તારું મૌન કાંઈ પ્રકટ હોતું નથી. તું તારા પડદાની ઝૂલની વાત કરે છે, ફૂલની વાત કરે છે, વાતો તારી કદી ખૂટતી નથી. પણ એ વાતોની પાછળનું મીંઢું મૌન જોઈને હું છળી મરું છું. કેટલીક વાર મને લાગે છે કે સ્ત્રી કેવળ આચ્છાદન નથી? દરેક સૃષ્ટિને એનું આગવું આચ્છાદન હોય છે. પણ શૂન્યને ઢાંકતું આચ્છાદન અળગું કરવાની હામ કોણ ભીડે?